* એ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.
* ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
* “બેફામ” ખાલી હાથ નહીં હોય કોઇનાં,
જો કઈં નહીં હશે તો દુઃઆથી ભર્યા હશે.
* કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.
* બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
* જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મૂકીને ન કરજો મશ્કરી મારી.
* એક સાથે ચીજ બે બેફામ પકડાઈ નહીં;
મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ.
* મોતનીયે બાદ આ દુનિયા તો એની એ જ છે,
હા, ફકત બેફામ રહેવાની જગા બદલાઈ ગઈ.
* ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!
* દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે,
સારા બનીને જીવવું એ પણ અજાબ છે…