આજે સવારથી મૂડ ઓફ હતો. ઘરથી દૂર હોવાના લીધે પરિવારની યાદોમાં ક્યાંય મન લાગતું નહોતું. શાળામાં એવાજ ખરાબ મૂડ સાથે ગઈ. નાના ભૂલકાઓ હસતા હસતા મારા આપેલા દાખલા ગણતા હતા. મને થયું કે આ ભૂલકાઓ સાથે એમની દુનિયામાં જોડાઈ મગજ સ્થિર કરું. બાળકો ઘર ઘર રમતા હતા પણ હું રમવા ગઈ એટલે બંધ કરી દીધું રમવાનું ને ફરી લેસન કરવા બેઠા. મને થયું ચાલ એમને માટે કઈક કરું. બહાર આવી નજીક આવેલી બોરડી એ જઈ લાકડી થી પ્રથમ વાર ઘણા બધા બોર પાડયા. બધાને બૂમ મારી એટલે દોડતા આવ્યા. મે કહ્યુ ચાલો બોર વીણી લો. બધા ખુશ થઈને બોર વીણવા લાગ્યા. હું પછી ક્લાસ માં જતી રહી. થોડી વારમાં બધા છોકરા બોર વીણીને આવ્યા ને બધા બોર મારી સામે ધર્યા. મે કહ્યુ તમારા માટે પાડયા ચાલો ખાઈ જાઓ. તો મારી સામે આશ્ચર્ય થી જોવા લાગ્યા. બેન અમારા માટે તો અમે ઉપર ચડીને પાડી લેશું તમે ખાવ. ને બોર મૂકીને હાસ્ય સાથે જતા રહ્યા. કેટલી નિખાલસતા! કેટલી સહેલાઈથી પોતે ભેગા કરેલ બોર જાતે ખાવાના બદલે મને ખવડાવી તૃપ્ત થયા. આપણે આટલી નિર્દોષ નિખાલસતા દાખવી શકીએ? બાળકો સાચેજ ખૂબ સારા ગુણો શીખવી જાય છે. આજે હું એમના પાસેથી ઉદારતા શીખી બાકી આપણું તો એવું કે બસ સ્વયં માટે જ ભેગું કર્યે જવાનું. બીજાને આપીશું તો કદાચ ઓછું પડે નહિ???? તો ચાલો વર્ષના અંતે કોઈકને માફ કરીને, કોઈકને મદદ કરીને, કોઈની ખુશીમાં ખુશ થઈ ને ,કઈક જૂનું ખરાબ ભૂલીને અને ખાસ પરિવાર માં સાથે મળીને નવા વર્ષને આવકારીએ..