લે મારી જાત ઓઢાડું તને
સાહેબા, શી રીતે સંતાડુ તને ?
કાઈ પણ બોલ્યા વગર, જોયા કરું
મૌનની મસ્તીથી રંજાડું તને
હુબહુ તારી જ લખવી છે ગઝલ
તક મળે તો સામે બેસાડું તને
કો'ક દી એકાંતમાં ખપ લાગશે
લાવ મારી યાદ વળગાડું તને
ઘર સુધી આવવાની જીદ ના કર
ઘર નથી, નહીંતર ના પાડું તને ?
તું ખલીલ આકાશને તાકયા ન કર
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને
#ખલીલ ધનતેજવી