Gujarati Quote in Blog by Chaudhari sandhya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ એટલે હું નહીં...
પ્રેમ એટલે તું નહીં...
પ્રેમ એટલે...
હું થી તું સુધી પહોંચવાની
પ્રણયની નાનકડી કેડી...

પ્રેમ બે વ્યક્તિ વચ્ચે સર્જાતી આત્મિક ઘટના છે. એક તું છે. એક હું છું. આપણે બંને એક છીએ. પ્રેમ બેને એક કરે છે. એક અને અખંડ. અખંડ ત્યારે જ રહેવાય જ્યારે પ્રેમ પ્રચંડ થાય. પ્રેમ છલકવો જોઈએ. ચહેરા ઉપર ખીલવો જોઈએ. ગાલ થોડાક ગુલાબી થવા જોઈએ અને ચાલ થોડીક શરાબી થવી જોઈએ. હાલ થોડાક બેહાલ થવા જોઈએ અને નસીબ થોડાંક ન્યાલ થવાં જોઈએ. પ્રેમ વર્તાવો જોઈએ. પ્રેમ છૂપો ન રહેવો જોઈએ. પકડાઈ જાય એ જ સાચો પ્રેમ. પ્રેમ રીઢો ન હોય, પ્રેમ મીંઢો ન હોય, પ્રેમ તો સીધો જ હોય. એક દિલથી સોંસરવો બીજા દિલમાં ઊતરે એવો સીધો ને સટ. પ્રેમ દેખાતો ન હોય તો સમજવું કે કંઈક ખૂટે છે.

એક યુવાને એક ફિલોસોફરને પૂછ્યું. પ્રેમ કેવો હોવો જોઈએ? મૌન કે પછી બોલકો? ફિલોસોફરે હસીને કહ્યું કે, તારી પ્રેમિકા તારા પ્રેમને સમજી શકે એવો. જરૂરી માત્ર એટલું જ છે કે તમારા બંનેની પ્રેમની ભાષા એક હોવી જોઈએ. એ તારું મૌન સમજતી હોય તો મૌન રાખ, પણ એને જો તારા શબ્દો જોઈતા હોય તો તેને દિલ ખોલીને કહે કે હું તને પ્રેમ કરું છું. આપણે ભૂલ એ કરતા હોઈએ છીએ કે પ્રેમને આપણે આપણી ભાષામાં સમજીએ, માણીએ અને જીવીએ છીએ. હકીકતે પ્રેમ આપણી
વ્યક્તિની ભાષામાં થવો જોઈએ. તારી વ્યક્તિને જેવો પ્રેમ ગમતો હોય એવો પ્રેમ કર.

એ કદી પાસે
અને ક્યારેક અંતર હોય છે,

એ ખરે વખતે
અહીં ગાયબ સદંતર હોય છે,

ખૂબ ઝંઝાવાતમાં
પણ ક્યારેય બુઝાતો નથી,

એક દીવો આપણામાં
ક્યાંક અંદર હોય છે.

દરેક ઘટનાનું એક વાતાવરણ હોય છે. વરસાદ પડવાનો હોય એ પહેલાં વાદળો છવાય છે. મેઘધનુષ વરસાદ પછી
જ સર્જાય છે. રાત પહેલાં સાંજ થાય છે. ઝાંઝવાનાં જળ પણ ખરા બપોરે જ દેખાય છે. અંધારામાં ઝાંઝવા ન સર્જાય. વાછટ વરસાદના અસ્તિત્વની હાજરી પૂરે છે. સંબંધોનું પણ એક વાતાવરણ હોય છે. આત્મીયતાનું એટમોસ્ફિયર હોય છે. પ્રેમ, લાગણી, સ્નેહ, ઉષ્મા, હૂંફ, સાંનિધ્ય અને આત્મીયતાની અનુભૂતિ થવી જોઈએ. પ્રેમ હોય એ પૂરતું નથી, પ્રેમનો અહેસાસ થવો જોઈએ. બે હાથ મળે ત્યારે દિલ ભરાઈ જવું જોઈએ. ગળે મળીએ ત્યારે સાંનિધ્ય ખીલી ઊઠવું જોઈએ. ચુંબન ચુંબકીય હોવું જોઈએ. નજીક લાવે એવી નજાકત વગરનો પ્રેમ અધૂરો છે. અધૂરો ઘડો છલકાઈ જાય છે. મધુરો સંગાથ બેવડાઈ જાય છે.

પ્રેમની કોઈ સાર્વત્રિક વ્યાખ્યા હોઈ ન શકે..!હા, પ્રેમની વ્યક્તિગત વ્યાખ્યા હોઈ શકે. તમારા પ્રેમની વ્યાખ્યા તમે જ કરી શકો. દરેક પ્રેમ આગ‌વો હોય છે. દરેક પ્રેમ અલૌકિક હોય છે. પ્રેમ કોઈના જેમ ન થાય. પ્રેમ તો આપણે કરતા હોય એમ જ થાય. કોઈ કોઈને કેવો પ્રેમ કરે છે, તેનાથી કોઈને કશો ફેર પડતો નથી. તું મને કેવો પ્રેમ કરે છે તેનાથી મને મતલબ છે. દરેક પ્રેમી એ પ્રેમનું જીવતું જાગતું ઉદાહરણ છે. ધ્યાન એટલું જ રાખવાનું હોય છે કે આ ઉદાહરણ ‘જીવતું’ અને ‘જાગતું’ રહે! આ ઉદાહરણ મરવું ન જોઈએ કે સુષુપ્ત ન રહેવું જોઈએ. પ્રેમ એક ક્ષણ કે એક દિવસનો ન હોય, પ્રેમ તો જિંદગીનો હોય. પ્રેમ અટકવો ન જોઈએ. પ્રેમ અવિરત રહેવો જોઈએ. શ્વાસની સાથે પ્રેમ અંદર ઊતરતો રહેવો જોઈએ અને ઉચ્છવાસની સાથે પ્રેમ સ્પર્શતો રહેવો જોઈએ.

પ્રેમ એટલે...
ચાર આંખોથી જોવાતું અને જીવાતું એક સપનું.

Gujarati Blog by Chaudhari sandhya : 111048619
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now