હલકુ ફુલકુ છે આ જીવન...
વજન તો માત્ર આપણી ઈચ્છાઓનું છે...
માણસે સુખી થતાં અને ખુશ રહેતા શીખવું પડતું હોય છે. જિંદગી તો સારી જ હોય છે, આપણા વિચારો, માન્યતાઓ અને પૂર્વગ્રહો આપણને દુ:ખી કરતાં હોય છે.
જિંદગી નાં રસ્તા 'સીધા' અને 'સરળ'
હોય છે.
પણ ."મન ના વળાંકો"
જ બહુ નડે છે....!!!
તમે એકલા હો ત્યારે પણ જાતે સુખી થતાં શીખો. તમે જાતે આનંદ અનુભવી શકતા હો તો દુઃખી થવાનો આરોપ બીજા પર શા માટે થોપો છો? ઘણાં લોકો એવા હોય છે જેની ખુશીનો આધાર બીજા લોકો હોય છે. હા, અંગત વ્યક્તિ, મિત્રો, સ્નેહીઓ સાથે મજા કરવાની વાત જ કંઈ ઓર છે, પણ જે પોતાના આનંદ માટે બીજા પર જ આધાર રાખે છે એ ક્યારેક તો દુઃખી થાય જ છે. નિજાનંદ હવે દુર્લભ બનતો જાય છે. કોઈ એક એવો શોખ પાળો જે તમને ક્યારેય તમારાથી એકલા પડવા ન દે. તમારી ખુશીની રીત તમે જ શોધો. એક જીંદગી મળી છે, કેટલું જીવવું અને કેવી રીતે જીવવું એ આપણે નક્કી કરવાનું હોય છે.
આપણે અમુક પરિસ્થિતિ મનથી નક્કી કરી લેતાં હોઇએ છીએ કે આવું થાય તો મજા આવી કહેવાય! ફરવા જઇએ તો એ મજા, નાચીએ તો એ ખુશી, સરસ જમીએ તો આનંદ, લોંગ ડ્રાઇવ પર જઇએ તો જલસો, મિત્રો સાથે હોય તો મોજ, કામ કરવાનું હોય તો કંટાળો, ઓફિસ જવાનું હોય તો ત્રાસ, આપણે આપણાં સુખ અને દુ:ખની વ્યાખ્યાઓ આપણી રીતે જ કરી નાખીએ છીએ. એ મુજબ જ આપણે હસીએ કે રોઇએ છીએ. ખુશી એ માનસિકતા બનતી નથી, સુખ એ સ્વભાવ બનતો નથી, આનંદ આદત બનતો નથી એટલે આપણે દુ:ખી, ઉદાસ, નાખુશ, નારાજ અને હતાશ થઇએ છીએ.
અલગારી લોકો ઓછામાં પણ જાહોજલાલી ભોગવતા હોય છે. નાની ખોલકીમાં રહેતો માણસ પણ ખુશ હોઇ શકે છે. ગરીબોની ખુશી જોઇને માલેતુજારો પણ ઇર્ષા કરતા હોય છે કે ખરી જિંદગી તો આ લોકો જ જીવે છે.
સુખ, મજા અને ખુશી માટેનો સૌથી પહેલો સિદ્ધાંત એ છે કે જે છે તેને માણો. તમારી જે સ્થિતિ હોય તે, પણ એ શોધો કે વધુમાં વધુ મજા કેવી રીતે આવે. જિંદગીને રડતાં રડતાં વિતાવવી કે જિંદગીને ભરપૂર જીવવી એ આપણે પોતે નક્કી કરવું પડતું હોય છે.
નથી એની ચિંતા છોડો,
છે એનો આનંદ માણો સાહેબ..!!