.........#....."સુંદરી ભવાની".....#.......
......સમુદ્રમાંથી પ્રગટ થયેલાં દેવી માઁ,"સુંદરી ભવાની" માતાની કથા...
હળવદ ગામની દક્ષિણે ૧૬ કિ.મી.દૂર આવેલ કન્ડોલિયા બ્રાહ્મણોના કુળદેવી,સમુદ્રી માતા(સુંદરી ભવાની)ના સ્થાનકમાં આવેલ પાંચ પાંડવો તથા શ્રીકૃષ્ણની અતિ પ્રાચીન મૂર્તિઓ અતિ પ્રાચીન છે. સુંદરી ભવાની હળવદથી મોરબીના વાયા ચરાડવાના રસ્તે ૫૦૦૦ વર્ષ પુરાણી એવી એક ઐતિહાસિક જગ્યા છે.
ત્યાં પહેલાં સમુદ્ર ઘુઘવતો હતો.આજે પણ જાણે અજાણ્યે દરિયાકિનારે બેઠા હોઇએ,અને મઝાની ઠંડી પવનની લહેરો ખરે બપોરે આ બળબળતા ઉનાળામાં પણ તરબતર કરી દે,એવી અનુભૂતિ થાય છે.આ સમુદ્રના કિનારા પર''વેદારણ્ય''નામનું વન હતું.
આ તપોવનમાં પાંચ ૠષિઓ તપશ્ચર્યા કરી રહ્યા હતા.આવા પાંચ આશ્રમમાં,કણ્વ ૠષિનો પણ આશ્રમ હતો.રામાયણના સમયથી રાક્ષસોને ૠષિ-મુનિઓનાં તપ-જપ ગમતાં ન હોઇ,એમના હવન-હોમમાં હાડકાં નાખી વિધ્ન કરતા હતા.આથી કણ્વ ઋષિએ સમુદ્રની પ્રાર્થના કરી.પરિણામે સમુદ્રમાંથી 'સમુદ્રીદેવી' પ્રકટ થયાં. અને કણ્વ ૠષિની રક્ષા કરી. આ સમુદ્રી દેવીની અહીં સ્થાપના થઇ એ''સમુદ્રી'' ત્યારબાદ"સુંદરી ભવાની"તરીકે પ્રખ્યાત થઇ પૂજાવા લાગ્યાં.
સમુદ્રમાં વસવાટ કરતાં અનેક દેવીઓ છે, પણ સમુદ્રમાંથી બહાર આવી,પૃથ્વી ઉપર વસવાટ કરતાં હોય તેવાં સમુદ્રનાં માતાજી એટલે"સુંદરી ભવાની",તેમનું મંદિર,જે હળવદથી ૧૬ કિલોમીટર દૂર આવેલા પાંચાળ પ્રદેશમાં આવેલું છે,સારાયે દેશનું બેનમૂન ઐતિહાસિક બેનમૂન યાત્રાધામ ગણાય છે. આ માતાજીના નામથી ગામનું નામ જ'સુંદરી ભવાની'છે.
મહાભારતકાળ પૂર્વેના આ મંદિર સાથે,કણ્વ ઋષિથી માંડીને પાંડવોની દંતકથા સંકળાયેલી છે.અહીં અનેકાનેક પથ્થરો પણ"બ્રહ્મશિલા"અને"ધર્મશિલા"નું સ્વરૂપ ગણી પૂજાય છે.પ્રાચીન કાળમાં,મહાન ઋષિ મુનિઓની યોગભૂમિ,તેમ જ અવતારી યુગપુરુષનાં પાવન પગલાં અને ધર્મ અધ્યાત્મનો અમૂલ્ય વૈભવ ધરાવતી આ ભૂમિ,"સુંદરી"ગામના પાદરમાં અગાઉ દરિયો હતો,તેથી વહાણવટું કરવાનું આ મુખ્ય કેન્દ્ર હતું.
અહીં નજીકમાં જ ગાઢ જંગલ હતું.સતયુગમાં કણ્વ મુનિ અહીં તપ કરતા હતા,જેથી આ સ્થાનની રક્ષા માટે કણ્વ મુનિએ સમુદ્રની આરાધના કરતાં મા ભવાની(માતા સામુદ્રી)પ્રસન્ન થયાં,અને સમુદ્રમાંથી બહાર નીકળી પોતાના વાહન સિંહ ઉપર સવાર થઈને અહીં પધાર્યાં હતાં.
"સુંદરી ભવાની"માતાજી અનેક જ્ઞાતિનાં કુળદેવી છે,પણ વિક્રમ સંવત ૧૯૮૭માં માતા સામુદ્રીના મંદિરનો જીર્ણોદ્ધાર,દશા સોરઠિયા વણિક"અમરચંદ માધવજી"વૈદ્યે કરાવ્યો હતો.૧૯૩૦માં શ્રી"શંકર ભૂમાનંદ સ્વામી"દ્વારા મંદિરનું સંચાલન થતું હતું,તે સમયે ૧૯૩૦ અને ૧૯૩૮માં મહારાજા"ઘનશ્યામસિંહે"૧૫,૧૨૨ ગજ જમીન ૧૦૦૮ રૂપિયામાં આપી હતી.આથી આ મંદિર વિશાળ જગ્યામાં પથરાયેલું છે.
શ્રી"સુંદરીભવાની"માતાજી મંદિરની અંદર આરસની વિશાળ કલાત્મક મૂર્તિઓ છે.સુંદર નકશીકામથી શોભતી આ મૂર્તિ નયનરમ્ય લાગે છે.માથે લાલચટક ચૂંદડી,ચાંદીનો મુગટ,ઉપરના ભાગે ચાંદીનાં છતર અને હાથમાં તલવાર તથા ગળામાં હાર તો નાકે નથણી શોભે છે.
આ પ્રદેશ ખૂબ જ પ્રાચીન હોવાથી,ભીમ, અર્જુન, સહદેવ, નકુળ, યુધિષ્ઠિર સહિત પાંચ પાંડવો અને દ્રૌપદી તથા શ્રીકૃષ્ણની મૂર્તિઓ આજે જર્જરીત હાલતમાં છે,છતાં પુરાતત્ત્વ ખાતા દ્વારા રક્ષિત છે.આ સાતેય મૂર્તિઓ આજે દુર્લભ છે.તેની ઉપર સમય-કાળની થપાટો લાગ્યે જ જાય છે,છતાં ઐતિહાસિક વિરાસતસમી સુંદરી ભવાનીનું અનેરું આકર્ષણ છે.પુરાતત્ત્વ ખાતું ખાસ આ મંદિરના અવશેષો પર પૂરતું ધ્યાન આપે છે,અને તેની જાળવણી માટે અથાગ મહેનત કરે છે.મંદિરની બહારના ભાગે આવેલી જમીનના પેટાળમાં અનેક મૂર્તિઓ દટાયેલી હોવાનું હોવાનું પુરાતત્ત્વવિદોનું માનવું છે.કારણ,આ જગ્યાએ હાલમાં તૂટેલી મૂર્તિઓ - સ્તંભોની નિશાનીઓ જોવા મળે છે.
......આ છે"આદિ-અનાદી"કાળથી દેવપ્રિય ભૂમિ એવી આપણી ગરવી ગુજરાત...જય જય ગરવી ગુજરાત...જ્યારે જ્યારે આ ધરા પોતાના રહસ્યમયી ખજાનામાંથી એક એક આવરણ છત્તું કરે છે,ત્યારે ત્યારે "શ્રી ઉમાશંકર જોશી"ની પેલી પંક્તિઓ "મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે"યાદ આવે છે.
......આવા તો અનેકવિધ"રહસ્યમયી ઇતિહાસ"પોતામાં ધરબીને બેઠી આ ધરાની માટીથી મારા આ દેહનું સર્જન કરવા બદલ અને પોતાની ભક્તિરુપી"અનોખીપ્રિત"નું સિંચન કરવા બદલ મહાદેવને કહેવા માટે મારી પાસે શબ્દો જ નથી.બસ મારું રોમ રોમ તો એટલું જ કહેશે કે,
........હર હર મહાદેવ....હર....