" તુંયે બોલતી નથી "
" પાછાં આજે મમ્મી-પપ્પા ઝઘડયાં. બંને એકબીજાને મારતાં હતાં. ગંદી, ગંદી...." , પરીથી ડૂસકું ભરાઈ ગયું. " મને એ પણ યાદ નથી આવતું કે છેલ્લે ભેગાં બેસીને બધાં ક્યારે જમ્યાં હતાં. કોઈ-કોઈની સાથે બોલતું નથી. મમ્મી પાસે ગઈ હજુ કંઈ બોલું એ પેલા ખિજાઈને કહે...." તું પણ આવી ગઈ પપ્પાની તરફદારી કરવાં ...લાડલી.." પપ્પા પાસે ગઇ તો તકિયો પછાડીને કહે, " હજી તારી મમ્મીએ ઝઘડો કર્યો છે એ ઓછો છે કે તું આવી. મને લાગે છે એ ડાકણ ધીરે-ધીરે તને પણ એના જેવી જ બનાવી દેશે...
" આપણાં બે સિવાય આ ઘરમાં કોઈ બોલતું જ નથી. જોકે તુંયે ક્યાં કોઈ દિવસ બોલે છે. પણ તોયે મને ગમે છે. મારી વાત હું તને કરી શકું છું. હું હસું છું તો તું પણ હસે છે. હું રડું છું તો તું પણ રડે છે. પણ તુંયે બોલતી નથી ક્યારેય..."આટલું બોલતાં પરીથી બહુ જોરથી રડાઈ ગયું.
" સારું હવે તું છાની રહી જા આમાં તારો કઇ વાંક નથી..." પરી અરીસા ઉપર હાથ ફેરવતાં-ફેરવતાં બોલી.
- કનાલા ધર્મેન્દ્ર અરજણભાઈ
સાવરકુંડલા
9998320045