”દિવાળી એ અંધકારને દૂર કરવાનું પર્વ છે. દિવો પ્રગટેલો રહે એ માટે બે વસ્તુ બહુ જરૂરી છે-વાટ અને તેલ. તમે જે વ્યક્તિને મહત્વની માનતા હોવ એની વાટ-એટલે કે એનાં તરફ લઇ જતો રસ્તો ક્યારેય પણ છોડતાં નહીં અને એ વ્યક્તિ સાથેનાં સંબંધમાં પ્રેમનું તેલ ખૂટે નહીં એનું પણ ધ્યાન રાખજો.
જેવી રીતે ઘરમાં-રસ્તા પર અંધારું હોય છે એવી જ રીતે આપણાં સંબંધોમાં ક્યાંક-ક્યાંક જાણે-અજાણે આવા બ્લેક સ્પોટ્સ બની જતા હોય છે. આપણી ગમતી વ્યક્તિ આપણા માટે કેટલાક સમાધાન કરતી હોય છે-એમણે આપણાં માટે કરેલા સમાધાનને આપણે ભૂલી જતા હોઇએ છીએ-ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લેતા હોઇએ છીએ. એમની કોઇ સારી વાત આપણે યાદ નથી રાખતા અને એમને ખટકો રહી જાય છે. સમય જતાં આવી જગ્યાઓ પર બ્લેક સ્પોટ સર્જાઇ જતા હોય છે. આ બ્લેક સ્પોટને અજવાળવા બહુ જરૂરી હોય છે.
આજે આપણે આપણાં આંગણામાં દિવો મૂકીએ તે સાથે પણ એક દિવો સંબંધોમાં સર્જાઇ ગયેલા આવા બ્લેક સ્પોટ પર ચોક્કસ પ્રગટાવીએ-કદરનો..જાણનો અને સમજણનો…!! આજે ગમતી વ્યક્તિને કહીએ કે એ સમયે તેં મારા માટે જે સમાધાન કર્યું હતું-તેં જે કંઇપણ કર્યું હતું એ મારા માટે બહુ અગત્યનું હતું.
ગમતી વ્યક્તિને કહીએ કે-જ્યારે જ્યારે તમે મારા માટે તમારી સમજણથી-મને જાણ કર્યા વિના જે પણ સમાધાનો કરી લો છો એ પ્રત્યેક પળ મારા માટે દિવાળી જ હોય છે.
આજે સંબંધોનાં બ્લેક સ્પોટ પર એક નાનકડો દિવો પ્રગટાવીને દિવાળી ઉજવીએ-અને ગમતી વ્યક્તિની સાવ પાસે જઇ એનાં કાનમાં ધીમેથી કહી દઇએ-તમે મારા માટે દિવા જેટલા જ મહત્વનાં છો, મારી જિંદગીનો અજવાશ તમે જ છો.
મેં આવું કહી દીધું છે-તમે પણ કરી જુઓ…
હેપ્પી દિવાળી.”
- *એષા દાદાવાળા*ના સૌજન્યથી ?