આમ આપીને આમ લઈ લે છે,
નામ દઈને એ નામ લઈ લે છે !
એને જોયાં કરું અવિરત પણ,
આંખ વચ્ચે વિરામ લઈ લે છે !
પ્રેરણા જેવું આપે છે પહેલા,
ને લખેલા કલામ લઈ લે છે !
કામ સોંપે છે એ મને એનાં,
મારી પાસેનાં કામ લઈ લે છે !
સારી બાબત નથી, કહીને પછી,
હોઠે આવેલ જામ લઈ લે છે !
કંઈક એવી રમત રમે છે કે,
મારા હૈયાની હામ લઈ લે છે !
- ભરત વિંઝુડા