# કાવ્યોત્સવ
કેશરની કયારીમાં દાટી દીધેલું કો'યાદોનું અત્તર હો જેમ.....
ગામ કેરી ગલિયોમાં ડૂસકું લઈ ફરતો'તો ઘેલી વિજોગણનો પ્રેમ...
યમુનાનાં કાંઠા પર ક્યાંક ફૂટી માટ વળી,
ક્યાંક ચડે રમણે આ રેતી;
ભીતર તો ભાંભરડા ગૌધણનાં મૂંઝવે ને,
વાતો વૃંદાવનની કે'તી;
આંખની અટારીએ આમ-તેમ ડોકાતો,
રાધાનાં રંગ સમો વ્હેમ........
ગામ કેરી ગલીયોમાં ડૂસકું લઈ ફરતો'તો, ઘેલી વિજોગણનો પ્રેમ..
વૈશાખી વાયુની લૂ લઈને કાળજડે,
ક્યાંક વળી આષાઢી હેલી;
વાતોનાં ફોરા તો એકલ-દોકલને ક્યાંક,
ખખડે ખામોશીની ડેલી;
ભીતરનાં ડૂમાંથી ભરતી એ ખાલીપો,
જેઠીનો ઝબકારો જેમ.......
ગામ કેરી ગલીયોમાં ડૂસકું લઈ ફરતો'તો ઘેલી વિજોગણનો પ્રેમ...
ગોરસની માટ જાણે ગીતોમાં ગાતી હો,
ગોવિંદની ગાયોનું ગાણું;
એકવાર વ્હાલાને નીરખું ન નીરખું ત્યાં,
થઈ ગ્યું લ્યો ઝાલરનું ટાણું;
અંતરને ઓરડિયે ઈચ્છાનો અજગર,
આ ભરડામાં ભીંસી લ્યે જેમ.....
ગામ કેરી ગલીયોમાં ડૂસકું લઈ ફરતો'તો ઘેલી વિજોગણનો પ્રેમ...
સોગઠાની બાજીમાં જાણે શકુનિનો,
ઉલ્ટો પડ્યો હો કોઈ પાસો;
દડદડતાં આંસુંનાં રેલામાં અટવાયો,
દીધો જે ખોટો દિલાસો;
અડવાણા પગમાં નૈં ઝાંઝરી કે પાયલ ને,
ઘમકે આ ઘૂઘરીયો કેમ?....
ગામ કેરી ગલીયોમાં ડૂસકું લઈ ફરતો'તો ઘેલી વિજોગણનો પ્રેમ...
તાલાવેલીનો એક તંબુર થઈ રણઝણતો,
સાજનની દુરીનો રાગ;
નયણા તો ચંદન-સા સપનાં સજાવે પણ,
જાગે ત્યાં રોમ રોમ આગ;
હડસેલે ઊભેલી હૈયાની હામ જાણે,
વેરાતું વેકૂર-સુ હેમ.....
ગામ કેરી ગલિયોમાં ડૂસકું લઈ ફરતો'તો ઘેલી વિજોગણનો પ્રેમ..
સવસાણી ઉર્મિલા વી.
જામનગર.
9428671477