ગઝલ... ગમતી નથી
ભાવહીન આ જિન્દગી ગમતી નથી,
રોજ કરવી બંદગી ગમતી નથી.
મનમાં છે સંકોચ ને નીચી નજર,
આ તે કેવી સાદગી, ગમતી નથી.
ચેન ના દિલને, ન પરવા ઊંઘની,
આટલી દિવાનગી ગમતી નથી.
સાથ આપો કે ન આપો ચાલશે,
આપની નારાજગી ગમતી નથી.
તાવ ના જુકામ, ને સૌ પૂછે ખબર,
પ્રેમની આ માંદગી ગમતી નથી.
– પ્રવીણ શાહ