# kavyotsav
કંઇક તો આરપાર પજવે છે,
બીજું તારો વિચાર પજવે છે.
એ તરફ તું હશે પ્રતિક્ષામાં,
આ તરફ ઇન્તજાર પજવે છે.
જાણું છું હું સ્વભાવ કુદરતનો,
સાંજ પજવે, સવાર પજવે છે.
દર્દ તું આપે મીઠું લાગે છે,
દર્દની સારવાર પજવે છે.
આ દિવસનો ઉજાસ સમજુ છે,
રાતનો અંધકાર પજવે છે.
વાયદા પર તું આવશે તો નહિ,
દિલમાં છે એતબાર પજવે છે.
– પ્રવીણ શાહ