#kavyotsav
એક ગીત ઉત્તરાયણ પર્વનું
કપાઈ પતંગ ને બોલે બધા એ ગઈ
હું ક્યારનો જોયા કરું, તું કેમ ના દેખઈ...
ઢીલ મૂકી છે મેં મારી દિલની આગાશીએથી
જોઈ તો લે એકવાર ! તારા ઘરની બારીએથી
ઊડતી ઊડતી પતંગ તારા છાપરે આવી ગઈ
હું ક્યારનો જોયા કરું, તું કેમ ના દેખઈ....
ગૂંચ પડી આ હૃદયાની દોરી ની અંદર
ઉકેલવા કોઈ તો હવે કર જાદુ મંતર
તૂટશે તો સમજો એમાં ગાંઠ પડી ગઈ
હું ક્યારનો જોયા કરું, તું કેમ ના દેખઈ...
આકાશે પતંગો ની રમઝટ છે જામી,
તોય તારા વગર અહીં લાગતી કોઈ ખામી,
તલસાંકળીની સુગંધ છેક અહીં આવી ગઈ
હું ક્યારનો જોયા કરું, તું કેમ ના દેખઈ....
પવન પણ જોને હવે પડવાને આવ્યો
મારે તો લેવો છે તને જોવાનો લાહવો
નિકળને બહાર, હવે ક્યાં સંતાઈ ગઈ
હું ક્યારનો જોયા કરું, તું કેમ ના દેખઈ...
ચાલ હવે 'શ્યામ' નીચે જવાનું થયું ટાણું
એના આવવાનું નથી લાગતું કોઈ ઠેકાણું
હશે ! તારા પ્રેમને કોઈની નજર લાગી ગઈ
હું ક્યારનો જોયા કરું, તું કેમ ના દેખઈ....
- નીરવ પટેલ 'શ્યામ'
(વડલે)