#kavyotsav
'ઘરની ભવાઈ'
સાત્વિક ખીચડી જેમ ,આખા વિશ્વે છે વખણાઈ,
એમજ દરેક કુટુંબમાં ભજવાય, આવીજ ઘરની ભવાઈ.
સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, જાણે છત્રીસનો આંકડો,
ભાભી-નણંદના સંબંધનો તો, ક્યાંથી માંડવો આંકડો?
દિયર-ભાભીના પાક સંબંધમાં, અન્ય દ્વારા જેમ ખટાશ નંખાઈ,
એમજ દરેક કુટુંબમાં ભજવાય, આવીજ ઘરની ભવાઈ.
વહુને આપે માનસિક ત્રાસ, ને દીકરાને ભરાવે ચાવી,
પતિ-પત્નીના સંબંધની ગાડી, પાટેથી ઉતરી આવી,
ક્યારેક બને અપવાદ એમાં ને, વહુ સાસુથી નીકળે સવાઈ,
એમજ દરેક કુટુંબમાં ભજવાય, આવીજ ઘરની ભવાઈ.
સમાજ, રીતી-રીવાજના નામે, થતા ખોટા દેખાડા,
જૂની પેઢીના વિચાર સામે, નવી પેઢીના ચાલે બખાળા,
નવી-જૂની પેઢી વચ્ચે , આજનો માનવી જાય પીસાઈ,
એમજ દરેક કુટુંબમાં ભજવાય, આવીજ ઘરની ભવાઈ.
આજના માનવીની આ, ફરજ બને છે મોટી,
બની બંન્ને પેઢીનો સેતુ, આફત ટાળવાની છે મોટી,
'નવલા નજરાણા' થકી સમજાવવાની, મારી આ કોશિશ બને નવાઈ,
એમજ દરેક કુટુંબમાં ભજવાય, આવીજ ઘરની ભવાઈ.
--વાઘેલા શિલ્પા'નવ્યા'