માતૃત્વ ની જાંખી
કહેવાય છે કે કોઈપણ સ્ત્રી એની ઉંમર પ્રમાણે વર્તે, જંખના કરે જેમ યુવાન સ્ત્રી પ્રેમ કરે અને યુવાની ની એક સીમા ને વટાવેલ સ્ત્રીને માં જેવી મમતા આવે કે બાળક વધુ વહાલા લાગવા લાગે. જો કે આ બધી કલ્પના ત્યાં સુધી એટલી યથાર્થ ના કહેવાય જ્યાં સુધી બાળક ને જન્મ આપી એ સ્ત્રી એને પહેલી વાર જુએ,પહેલી વાર ગોદ માં ઉઠાવે, પહેલી વાર એના બાળક ને સ્પર્શે, પહેલી વાર બાળક એની માં સામે જુએ. આ બધા અહેસાસ અદભુત છે અને સ્ત્રી ખૂબ ભાગ્યશાળી કહેવાય કે એને માતૃત્વ નું વરદાન મળેલ છે.એક દિવસ એક બહેને મને કહ્યું કે એમને એક અદભુત સ્વપ્ન આવેલ,જેમાં એમણે ત્રણ બાળકો ને જન્મ આપેલ, બે જોડીયા છોકરા અને એક છોકરી.વાહ ,કેટલું અઘરું, મુશ્કેલ અને પીડા આપનારું કામ આટલું સુંદર ફળ, અનુભવ, અહેસાસ ,મમતા આપે એ વિરોધાભાસ જાણવા અને માણવા જેવો ખરો.એમના સ્વપ્ન ને એ જેટલી ઉત્સાહ થી કહેતા હતા એ જોઈને મને લાગ્યું કે સાચે એમને માતૃત્વ ની જાંખી થઈ હશે.એમનું કહેવું હતું કે આટલો સુખદ અનુભવ એમને જીવનમાં પહેલા ક્યારેય નહીં થયો હોય જાગ્રત અવસ્થા માં પણ જે એ સ્વપ્ન માં થયેલ, તેઓની નિંદ્રા તૂટી છતાં એમને સ્વપ્ન લંબાવવા ફરી સુઈ જવાની ચેષ્ઠા કરી અને સ્વપ્ન આગળ વધ્યું પણ ખરું. આ વિચિત્ર ઈચ્છા ઘણા લોકોને થતી હોય છે,પોતે જ્યારે કોઈ મનગમતું સ્વપ્ન જોતા હોય અને નીંદર ખુલી જાય તો પણ ફરી સુઈ જાય જેથી ફરી એ સપનું આગળ વધે અને એવું થાય પણ છે. ખરેખર તો લોકોને સુખ થી, કે સુખની કલ્પના કે અનુભૂતિઓ થી અજીબ લગાવ હોઈ છે અને દુઃખ કે સંતાપ થી લોકો હંમેશા દૂર ભાગવા માંગતા હોય, ખેર આપણે વાત કરતા હતા એ બહેનનાં સ્વપ્ન ની. તેઓએ પછી કહ્યું કે બે ટ્વીન બાળકો ને જન્મ આપ્યા પછી એમ થયું કે હવે એમને બેબી ગર્લ આવે તો સારું અને ટ્વીન બાળકો વધુ મુશ્કેલી વગર જન્મ્યા પણ 3 જુ બાળક ખૂબ ચિંતા, મુશ્કેલી અને પીડા પછી જન્મ્યું. એ બાળકી હતી. સપનામાં એમને બાળકી ની મનોકામના કરી અને એ પુરી પણ થઈ. શુ આપણું મન આપણી અંદર રહેલી ઊંડી ઊંડી ઇચ્છઓને સપના માં પુરી કરતું જ હશે? મનોવિજ્ઞાન તો કહે છે કે આપણું અનકોન્શિયસ માઈન્ડ આપણને ઊંડેથી ખોળીને ને આપણી ઈચ્છાઓને સપનામાં બહાર લાવે છે. એ બહેને ફરી કહ્યું કે એ પોતે ત્રણ બાળકો ને એકસાથે સાંભળવામાં અસહજતા અનુભવતા હતા અને ક્યારેક એમ પણ વિચારતા હતા કે એ ત્રણ માંથી કોઈને અન્યાય તો નથી કરી બેસતાને? છતાં એ ખૂબ આનંદથી આ બધા નવા અનુભવોને માણતાં હતા.