# Kavyotsav
છેતરતું આ ચાલ્યું મૃગજળ, જો સખી,
શાતા દેવા આવ્યું વાદળ જો સખી.
ઘરમાં એક દર્પણનું હોવું,
પળ પળ એમાં મારું જોવું,
બિંબ મળે છે એનું કેવળ જો સખી,
છેતરતું આ ચાલ્યું મૃગજળ જો સખી.
વાંચ લખ્યું છે શું શું એમાં,
દિલ થોડું ખોલ્યું છે એમાં ?
આજે એનો આવ્યો કાગળ જો સખી,
છેતરતું આ ચાલ્યું મૃગજળ જો સખી.
લખ એને કે વહેલો આવે,
પળો વિરહની બહુ સતાવે,
વહેતું ચાલ્યું ભીનું કાજળ જો સખી,
છેતરતું આ ચાલ્યું મૃગજળ જો સખી.
-- પ્રવીણ શાહ