#KAVYOTSAV
ગઝલ...
દિલથી દિલને કોઇ જોડે છે મને,
રોજ દિલની વાત બોલે છે મને.
મારી ભીતર ખૂબ હિંમત છે છતાં,
કોણ આવી રોજ તોડે છે મને?
હું તો છું તારી જ ભીતર,તો પછી,
ચોતરફ તું કેમ શોધે છે મને?
ફૂલની માફક મેં રાખી'તી તને,
ને તું જળની જેમ ઢોળે છે મને.
દોસ્ત!તારી લાલસા હદ બ્હાર છે,
સ્વાર્થ ખાતર રોજ ખોદે છે મને.
અન્ય સુખની બહુ તરસ રાખી નથી,
સાચું સુખ તો માનાં ખોળે છે મને.
હું તો છું સામાન્ય માણસ એકદમ,
ઈશ સાથે કેમ તોલે છે મને?
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)