#KAVYOTSAV
'યંત્રવત ભારખાનું'
-પંકજ નાડિયા
ખભે ભરાવેલા
થેલાના વજનથી
ઝૂકી ગયેલી કમર સાથે
જાણે ઢસરડા કરતો હોઉં તેમ
દરરોજ નીકળી પડુ છું.
શું કરું?
દેશનું ભાવિ છું ને!
મારા આ નાના ખભા પર
દફ્તર સિવાય બીજો ઘણો ભાર છે.
વડીલોની આશાઓનો,
શિક્ષકની અપેક્ષાઓનો,
કુટુંબની પ્રતિષ્ઠાનો,
માવતરના સપનાઓનો અને
ભવિષ્યની જવાબદારીઓનો ...
ઓ..! સ્વાર્થી, લાલચી, પાખંડીઓ,
ભવિષ્ય તો હજી દૂર છે
પણ,
તમે તો વર્તમાન છો ને?
શું ઉખાડ્યું તમે?
સિવાય –
મારા બાળપણની આઝાદી,
મારા મનની મોકળાશ,
મારી કલ્પનાઓ,
મારી ઝંખના
અને
મારું ‘હું’ હોવું.
અરે! સર્વ શ્રેષ્ઠ બનાવવાના લોભમાં,
તમે,
તમારા સ્વાર્થી સપનાઓ અને
લાલચી મહત્વકાંક્ષાનો ભાર ભરીને
એક બાળકને બનાવી દીધું
યંત્રવત ભારખાનું.
- પંકજ નાડિયા
- મો. 972487519