માટી...
ગોરો કુંભાર વિઠ્ઠલ ભજે,
ચઢાવી નશો હરિ નામ માથે,
ભુલાવી સુધબુધ માટી પીસે,
અનસુણી વાત ધર્મપત્નીની,
બાળક ભૂલાયું ધરમના કાજે,
રમતું, ભમતું, પડ્યું માટીમાં,
ગોરાના પગે ભિસાયું પળમાં,
જોઈ પત્નીએ રક્ત માટીમાં,
શોધ્યું બાળક આસપાસમાં,
હૃદયે વિલાપ, ચીસ હોઠે,
ગોરા પર ગુસ્સાનો પ્રહાર કરે,
કેવો પિતા, કેવો નિર્દય હરિ તારો,
છીનવી લીધુ કોમળ બાળ મારું,
હૈયું માનું વિલાપ કરે,
ત્રાહિમામ પોકાર કરે,
ચીંધી આંગળી સમક્ષ પ્રભુની,
જગત તાતને સવાલ કરે,
ગોરાને મન હજી હરિ વ્હાલો,
કહે પ્રભુ શાને આકરી કસોટી કરે,
રોકી પત્નીને અપશબ્દ કહેતા,
માફીની જે પ્રાર્થના કરે,
થઈ પ્રસન્ન હરિ આવ્યા સાક્ષાત,
આપી બાળ ગોરાપત્નીને હાથ,
ધન્ય ગોરા ભક્તિ તારી,
ધન્ય ગોરા નારી તારી,
મમતા ખાતર લડી જઈ મુજથી,
દર્શન દેવા મનેય મજબુર કરે.
અનન્ય ભક્તિ ગોરાની કેવી,
આજ, મુજ કુંભારનેય પ્રેરિત કરે.
મિલન લાડ. કિલ્લા - પારડી, વલસાડ.