નામનો કેમ છે લાગતો આજ તું,
માણસાઈમાં ના ભાસતો આજ તું.
ખાનદાનીને કયાં શોધવી ભાઈ રે!
ખાય છે એમનું ખોદતો આજ તું.
દિલના ના હવે કોઇ સંબંધ છે,
કામના ઓળખી બાંધતો આજ તું.
દુશ્મની મિત્રતા નામનાં ચોગઠાં,
બેસતાં ગોઠવી કાઢતો આજ તું.
રૂપિયા રામનું રૂપ માની લીધું,
દામને કારણે દોડતો આજ તું.
દાખવી દાખલા ધર્મની આડ માં,
આપની ખીચડી રાંધતો આજ તું.
ઓળખી ના શકે પંડને સાચનો,
ખુદનાં મૂળિયાં કાઢતો આજ તું.
-વાસુદેવ બારોટ