▪મુસ્કુરાહટ ચહેરા પર, મનમાં હતાશા જેવું છે;
ધીમું ધીમું મારી છાતીમાં દુઃખાવા જેવું છે.
▪દૂર સૂર્યોદય થવો , અજવાસનું ફેલાવવું;
જાગરણ પૂરૂ થયાના એ ઈશારા જેવું છે.
▪ભીડનું વળગણ નથી,એકાંત પણ ગમતું નથી;
મારું ઘરમાં બેસી રહેવું એક તમાશા જેવું છે.
▪ઓ વડીલો , ના દેશો દીર્ઘાયુનાં આશીષ કંઈ;
ખેંચુ ઝાઝા દિવસો એ પણ મારે સ્વપ્ના જેવું છે.
▪ના ના કરતાં માળા ફરતી,ના ના કરતાં સજદા થાય;
આ હદયમાં ખૂણે ખાંચે કંઈક ઈચ્છા જેવું છે.
▪કોઈ રીતે, ક્યાંય પણ હું ચાલુ એ સંભવ નથી;
મારું હોવું આજે લગભગ ખોટા રૂપિયા જેવું છે.
▪હૈયું હળવું થઈ શકે 'નાશાદ' પણ હું બોલું શું?
સાચું કહું તો દુ:ખ મારું, મારેય હસવા જેવું છે.
~ GULAM ABBAS NASHAD