આજે આફ્રિકન ગાંધી નેલ્સન મંડેલા ૧૦૦ વર્ષ પૂર્ણ કરે છે. તેઓ દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા. આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ વ્યક્તિ હતા. તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા. આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ મંડેલા ૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા.
દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ વિરુદ્ધ ચળવળ શરૂ કરનાર મંડેલાને ૨૭ વર્ષ જેલમાં વીતાવવાં પડ્યાં હતાં જેમાંનાં ૧૮ વર્ષ કુખ્યાત ગણાતી રોબેન આયલેન્ડ પીનલ કોલોની જેલમાં પસાર કરવાં પડ્યાં હતાં.આ જેલમાં પણ રંગભેદની નીતિ ચાલુ હતી . જેલમાં મંડેલાને નાની કોટડી આપવામાં આવી હતી. 6 ફૂટ લાંબી હતી. જેથી પગ અને માથું દિવાલે અડી જતાં હતાં. વળી, તે ઓરડી સતત ભીની રહેતી હતી અને નીચે પાથરવા માટે કંતાન કે કોથળા અપાતા હતા.
.નેલ્સન મંડેલા ૧૯૬૨માં જ્યારે જેલમાં ગયા ત્યારે તેઓ ૪૫ વર્ષના એક યુવાન હતા અને ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં જ્યારે તેમને જેલમુક્ત કરાયા ત્યારે તેઓ ૭૨ વર્ષના વૃદ્ધ બનીને મુક્ત બની જેલ બહાર ની મુક્ત હવામાં સ્વતંત્રતાનો અહેસાસ કરી કુટુંબીજનો વચ્ચે રહી શક્યા હતા.દેશની સ્વતંત્રતા માટે અને વર્ષો જૂની રંગભેદની ગોરી લઘુમતી સરકારની અન્યાયી અને ક્રૂર નીતિ દુર કરવા માટે પોતાના જીવનનો આ કેટલો બધો મહાન ત્યાગ કહેવાય !
૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય દૂરંદેશી બદલ જવાહરલાલ નહેરૂ પારિતોષિક , ૧૯૯૦માં ભારતનું શ્રેષ્ઠ નાગરીક સન્માન ભારત રત્ન અને ૧૯૯૩માં નોબૅલ શાંતિ પુરસ્કાર સમેત મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયા હતા.