“શમણું એ પારિજાત-શુ!”
અધખુલ્લાં નયનની કાજળઘેરી કિનારીએ
હરખતું મલકતું એક શમણું!
હવામાં કોમળ-શાં હાથપગ મારતું
નાનાકડા બાળ-શું!
ને
કદી
તરુણીના તારુણ્ય-શું છલકતું!
ઝૂલી રહ્યું
એ
કથ્થાઈ કીકીઓની આસપાસની
ગુલાબી,
નાની મોટી,
આડીઅવળી રેખાઓનાં તાંતણે!
કોમળ કમળ-શાં પોપચાં ઉપર ઉઠાવીશ ના,
કરમાઈ ખરી પડશે
પ્રભાતના કુમળાં સોનેરી કિરણોનાં સ્પર્શથી,
શમણું એ પારિજાત-શું!