શેનાથી દૂર ભાગો, પ્રીતમ?
નથીઆપી સોગંદ
કોઈ!
નથી લીધાં વચન કોઈ!
કોણે કર્યાં વાયદા
ને
કોણે બાંધ્યા બંધનો?
નથી ભરી દેવું હ્રદય ઝાઝવાંનાં નીર
સમા પ્રણયથી!
નથી ભરી દેવું જીવન
ખોખલાં
સંબંધોની
ભરમારથી!
બસ!
રહેવા દો
ક્ષણિક મિલન
ને
ક્ષણિક આલિંગન!
ક્ષણાર્ધ ચુંબન
ને
ક્ષણાર્ધ સહવાસ!
બસ,
રહેવા દો
અપેક્ષાઓથી
પરે
આ સંબંધને.
ના ભૂત
ને
ના ભાવિ
જેનું,
જીવી લઈએ એવા આ પળના
સમાગમને!
ના અશ્રુ
ને
ના હાસ્યની છોળો,
નાનકડા
આ સ્મિતને
ચાલો
માણી લઈએ,
એકમેકના આશ્લેષમાં
કદી કદી
ખંખેરી નાંખીને દુન્યવી તાણાવાણા!
~ નિશા પટેલ