કદીક એવું યે થાય
કે
તું બોલાવે મને!
કદીક એવું યે થાય
કે
મારી કલ્પનાઓનાં પક્ષીને
વાસ્તવની એક પાંખ મળે!
કદીક એવું યે થાય
કે
તારાં મહેલોનાં પથ્થર પર
એક નામ મારું યે કોતરાયું હોય!
કદીક એવું યે થાય,
કે
પ્રિયજનના પડખે નિંદ્રિત તારા
સ્વપ્નમાં મારું આગમન થાય!
કદીક એવું યે થાય
કે
અન્ય સાથે સહવાસ સમયે
તારાં હોઠ પર મારા નામનું રટણ થાય!
કદીક એવું યે થાય કે,
તું ચહેરો મારો લે તારા હાથમાં
ક્ષણાર્ધ ચુંબન માટે
ને
એ ક્ષણાર્ધ માટે
અવિરત ચાલી રહેલા આ
સમયની ગતિ સ્થગિત હોય!
~ નિશા પટેલ