અભિષેક પ્રકરણ 13
છેલ્લા એક મહિનામાં અભિષેકના જીવનમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું હતું. એક હોસ્પિટલમાં નોકરી કરતા એક સામાન્ય ડોક્ટરમાંથી હવે એ લગભગ ૧૦૦ કરોડનો માલિક બની ગયો હતો.
એના જીવનમાં અચાનક જ અંજલી નો પ્રવેશ થયો હતો. અંજલી જાણે સગાઈ થઈ ગઈ હોય એ રીતે જ પ્રેમ કરતી હતી અને એવા જ મેસેજ પણ કરતી હતી. ક્યારેક બંને જણ રાત્રે ફોન ઉપર વાતચીત પણ કરી લેતાં હતાં.
જો કે હજુ સુધી અભિષેકે અંજલીને પોતાને મળેલા આ વારસાની કોઈ જ વાત કરી ન હતી. અને લગ્ન પહેલાં એ વાત કરવાની એની ઈચ્છા પણ ન હતી. સાચા પ્રેમને પૈસા સાથે કોઈ સંબંધ ના હોવો જોઈએ એવું એ માનતો હતો.
યોગીજીએ જે પણ વાતો કરી હતી એ પ્રમાણે ઘટના ચક્રો ગોઠવાયાં હતાં અને એને વનિતા આન્ટીનો વારસો મળી ગયો હતો. આટલી મોટી રકમ તેના હાથમાં આવી એ રાત્રે સૂતી વખતે એણે મનોમન વનિતા આન્ટીનો આભાર પણ માન્યો.
પ્રોપર્ટીના પૈસા મળી ગયાના થોડા દિવસો પછી એક રાત્રે અભિષેકને વનિતા આન્ટીનો અવાજ એના બેડરૂમમાં સંભળાયો. એ સાથે જ મોગરાના ફૂલોની સુગંધ પણ એની આજુબાજુ છવાઈ ગઈ.
" હવે તો ખુશ છે ને બેટા ? " સૂક્ષ્મ શરીરે વનિતા બોલી.
" હા આન્ટી. તમારા આશીર્વાદથી અને મારા પ્રત્યેની તમારી લાગણીથી હવે હું લગભગ સો કરોડનો તમારો વારસદાર બન્યો છું. " અભિષેક જે બાજુથી અવાજ આવતો હતો એ બાજુ જોઈને બોલ્યો.
" બસ એ જોવા માટે જ આજ સુધી મેં ગતિ કરી ન હતી. હવે તારે મારું એક કામ કરવું પડશે. મેં તને મારો સગો દીકરો જ માન્યો છે. તારે મારા માટે હરિદ્વાર કે ઋષિકેશ જઈને મારું શ્રાદ્ધ અને પિંડદાન કરવું પડશે. કારણ કે મારી પાછળ કોઈ જ પિંડદાન થયું નથી એટલે મારી આગળ ગતિ થઈ શકતી નથી. " વનિતા બોલી.
" હું તમને વચન આપું છું આન્ટી. વહેલી તકે હું ફરી ઋષિકેશ જઈને આ કામ પતાવી દઈશ. તમારું શ્રાદ્ધ અને પિંડદાન ચોક્કસ થઈ જશે." અભિષેક બોલ્યો.
" તારી પાસેથી મને એ જ આશા હતી. બીજા એક સમાચાર પણ તને આપવાના છે કે તારા પપ્પાનો તો નવો જન્મ થઈ ચૂક્યો છે પરંતુ તારી મમ્મીને હું મળી હતી અને મેં એમની માફી પણ માગી લીધી છે. તને જે મેં વારસદાર બનાવ્યો એ બધી વાત પણ મેં એમને કરી છે અને એ બહુ જ ખુશ છે. એમના મનમાં મારા પ્રત્યે કોઈ જ કડવાશ નથી. " વનિતા બોલી.
" તો પછી મને મારી મમ્મી સાથે વાત કરાવો ને ! તમારી જેમ એ વાત ના કરી શકે ? " અભિષેક બોલ્યો.
" કરી શકે અને હવે તો તું એમનો અવાજ પણ સાંભળી શકે પરંતુ એમનું શ્રાદ્ધ અને પિંડદાન તેં કર્યું હોવાથી એમની આગળ ગતિ થઈ ગઈ છે. એમને નીચે આવવું હોય તો પરમિશન લેવી પડે. મને જ એમણે કહી દીધું છે કે અભિષેકને કહેજો કે પિંડદાનથી મારી સારી ગતિ થઈ છે અને હું ખૂબ જ ખુશ છું. " વનિતા બોલી.
"એક સવાલ પૂછું આન્ટી ?" અભિષેક બોલ્યો.
" તારા બધા જ સવાલોના જવાબ હું આપીશ. " વનિતા બોલી.
" શું પિંડદાન અને શ્રાદ્ધનું એટલું બધું મહત્વ છે ? એ વગર આત્માની ગતિ થઈ શકતી નથી ? " અભિષેક બોલ્યો.
" આપણા સનાતન ધર્મમાં બધી જ હિન્દુ વિધિઓનું મહત્ત્વ છે. સાચા મંત્રોમાં ખૂબ જ તાકાત છે પરંતુ અત્યારે કળિયુગમાં શુદ્ધ મંત્રોચ્ચાર કરી પિંડદાન કરાવનારા ભૂદેવો ખાસ રહ્યા નથી. જો શુદ્ધ મંત્રોચ્ચાર કરવામાં આવે તો પિંડ વહેરવાની સાથે જ આત્મા પોતાના આ જન્મના પરિવારની માયામાંથી સંપૂર્ણ મુક્ત થઈ ઉપર ગતિ કરી જાય છે." વનિતા બોલી.
" હમ્ ... ઠીક છે. તો પછી મમ્મીના આત્માને આગળ વધવા દો. મારા માટે બીજી કોઈ સેવા હોય તો કહો." અભિષેક બોલ્યો.
" સેવા તો કોઈ નથી. પણ મારે તને સાવધાન કરવાનો છે અને એટલે જ હું આજે આવી છું. મારા ભત્રીજા સમીરને આજે તારું હોસ્પિટલનું એડ્રેસ અને ઘરનું એડ્રેસ મળી ગયાં છે. બે ત્રણ દિવસમાં એ તારી મુલાકાત લેશે અને ધમકી પણ આપશે. પણ એ વખતે હું તારી સાથે જ હોઈશ. તારે ગભરાવાની કોઈ જરૂર નથી. તારી પોતાની પાસે પણ હવે તો ગાયત્રી મંત્રની ઉર્જા વિકાસ પામી રહી છે. એટલે એ પણ તારી સુરક્ષા કરશે. " વનિતા બોલી.
" ઠીક છે આન્ટી. તમે મારી સાથે છો એટલે મારે ડરવાનું કોઈ કારણ નથી. પડશે એવા દેવાશે. " અભિષેક બોલ્યો અને એ સાથે જ વનિતા આન્ટીનો અવાજ બંધ થઈ ગયો અને સુગંધ પણ ચાલી ગઈ.
આ વાત થયાના બે દિવસ પછી સમીર દલાલ અભિષેક જ્યાં નોકરી કરતો હતો એ હોસ્પિટલમાં પહોંચી ગયો. હોસ્પિટલમાં અભિષેકની એક અલગ નાની ચેમ્બર હતી.
" તમારું જ નામ અભિષેક મુન્શી ? " ચેમ્બરમાં જઈને સમીર બોલ્યો.
" હા બોલો. તમે કોણ ? " અભિષેક બોલ્યો. જો કે એને ખ્યાલ તો આવી જ ગયો કે આ સમીર દલાલ જ હોવો જોઈએ.
" સમીર દલાલ. તમારી સાથે થોડી વાત કરવાની છે. અહીં ફાવશે કે પછી બહાર જવું છે ? " સમીરે પૂછ્યું.
" મારી ડ્યુટી ચાલુ છે. અહીં કોઈ મિટિંગ ના થઈ શકે. એવું તે શું કામ હતું સમીરભાઈ ? " અભિષેક બોલ્યો.
" કામની વાત મીટીંગ વખતે જ થશે. કેટલા વાગે ક્યાં મળવું છે ? " સમીર બોલ્યો.
" એસ.વી રોડ ઉપર ઠક્કર શોપિંગ મોલમાં કોફી કાફે ડે છે ત્યાં સાંજે ૭ વાગે આવી જજો. " અભિષેક બોલ્યો.
" હું ત્યાં રાહ જોઈશ." સમીર બોલ્યો અને બહાર નીકળી ગયો.
ઠક્કર શોપિંગ મોલનું સી.સી.ડી અભિષેકે જોયેલું હતું. એકવાર એ એક મિત્રની સાથે ત્યાં ગયો હતો એટલે એણે એ જ એડ્રેસ આપ્યું.
સાંજે સાડા છ વાગે અભિષેકની ડ્યુટી પૂરી થઈ એટલે એણે મનોમન પોતાના દિવ્ય ગુરુ નિર્મલાનંદજીનું દિલથી સ્મરણ કર્યું. પ્રાર્થના કરી અને સાથે સાથે વનિતા આન્ટીને પણ યાદ કર્યાં. એ પછી એ હોસ્પિટલમાંથી નીકળી ગયો અને સી.સી.ડી જવા માટે રીક્ષા કરી.
અભિષેક પહોંચ્યો ત્યારે એક ટેબલ પાસે ત્યાં ગોઠવેલા સોફા ઉપર સમીર દલાલ બેઠો હતો અને એની બિલકુલ બાજુમાં બીજો એક પહેલવાન જેવો માણસ પણ બેઠેલો હતો. ચહેરો એનો કરડાકી ભરેલો હતો ! અભિષેકને ખ્યાલ આવી ગયો કે એ કોઈ ગુંડાને લઈને આવ્યો છે.
અભિષેક જરા પણ ડર્યા વગર એ ટેબલ ઉપર પહોંચી ગયો અને સમીર સાથે હાથ મિલાવી સામે બેસી ગયો. બરાબર એ જ વખતે અભિષેકને પેલી જાણીતી મોગરાની સુગંધ આવી. એ સમજી ગયો.
" બોલો સમીરભાઈ ......" અભિષેક બોલ્યો.
"તમે કદાચ મને નામથી ઓળખતા જ હશો ડૉક્ટર અને છતાં ન ઓળખતા હોય તો મારી ઓળખાણ આપું. વનિતા આન્ટી મારાં સગાં આન્ટી છે. એમણે વીલ બનાવીને પોતાની સ્થાવર જંગમ તમામ મિલકત તમારા નામે કરી દીધી છે." સમીર બોલી રહ્યો હતો..
" એમણે કેટલા પૈસા તમને આપ્યા એની સાથે મારે કોઈ લેવાદેવા નથી. પરંતુ તમે જે બંગલો વેચ્યો એ બંગલો બનાવવા માટે મારા પપ્પાએ અંકલને ઘણી મદદ કરી હતી અને સારા એવા પૈસા આપેલા. " સમીર બોલ્યો.
" મને યાદ છે ત્યાં સુધી શશીકાન્ત અંકલે આ પ્લોટ લઈને બંગલો બનાવ્યો એ વખતે તો તમારા પપ્પાની આર્થિક હાલત બહુ જ ખરાબ હતી અને ઉપરથી શશીકાન્ત અંકલે તમારા પપ્પાને ૧૫ લાખની એ વખતે મદદ કરેલી. " અભિષેકથી બોલાઈ ગયું. એ શું બોલ્યો અને કેવી રીતે બોલ્યો એની એને પોતાને જ ખબર ન હતી !
અભિષેકનો જવાબ સાંભળીને સમીર બરાબરનો મૂંઝાયો. અભિષેકને આ બધી ખબર કેવી રીતે પડી ? સમીર જાણતો જ હતો કે વર્ષો પહેલાં શશીકાન્ત અંકલે બંગલો બનાવ્યો ત્યારે એના પપ્પાની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી અને અંકલે પૈસાની મદદ કરી હતી.
" એ વાત ખોટી છે. તમને કોઈએ ખોટી માહિતી આપી છે. આ બંગલો કેટલામાં વેચાયો ? " સમીરે વાત પલટી અને સીધો મુદ્દાની વાત ઉપર આવ્યો.
" બંગલો કેટલામાં વેચાયો એની સાથે તમારે શું લેવાદેવા સમીરભાઈ ? " અભિષેક બોલ્યો.
" કારણ કે બંગલામાં મારો પણ હિસ્સો છે. મારાં સગાં આન્ટીનો બંગલો છે. મને પણ એમાં ભાગ મળવો જ જોઈએ. " સમીર હવે થોડી કડક ભાષામાં બોલ્યો.
" તમારો ભાગ લેવા માટે તમે કોર્ટમાં જઈ શકો છો. કોર્ટ ઓર્ડર કરશે તો હસતાં હસતાં તમને ભાગ આપી દઈશ સમીરભાઈ " અભિષેક એકદમ બેફિકરાઈથી બોલ્યો.
" એ શાણે સીધી તરહ શેઠકો આધા પૈસા દે દે વરના તેરે દહીસર કે ઘરમેં ઘુસકે તુઝે ટપકા દુંગા. તુ મુઝે જાનતા નહીં હૈ. " બાજુમાં બેઠેલો પહેલવાન ગુંડો હવે બોલ્યો.
" ઠીક હૈ. મૈં મૌત સે ડરતા નહીં હું લાલા. જો ઉખાડના હૈ ઉખાડ લે. " અભિષેક એની સામે જોઈને બોલ્યો.
લાલા શબ્દ સાંભળીને પહેલવાન ચમક્યો. કારણ કે એને બધા લાલા તરીકે જ ઓળખતા હતા. પાર્લા વેસ્ટમાં જ એનો પાનનો ગલ્લો હતો. ગુંડાઓ સાથે એની બેઠક ઉઠક હતી અને દેખાવમાં ગુંડા જેવો લાગતો હતો એટલે સમીર એને લઈ આવ્યો હતો.
" પાન ગુટખે કા ધંધા છોડકર યે ભાઈગીરી કબસે કરને લગા લાલા ? તુ ડ્રગ ભી રખતા હૈ વો ભી મુઝે પતા હૈ. બસ મેરા પુલીસ કો અભી એક ફોન જાયેગા ઓર તુ અંદર. " અભિષેક બોલ્યો અને એણે ફોન હાથમાં લીધો. હવે લાલાને પસીનો છૂટી ગયો. એ ખરેખર જ ડરી ગયો.
" નહીં નહીં ભાઈ. મુઝે માફ કર દો. સમીરભાઈ કે ચક્કરમેં મુઝે નહીં પડના હૈ ભાઈ." લાલો બે હાથ જોડીને બોલ્યો અને ઉભો થઈને સીધો બહાર નીકળી ગયો.
અભિષેક લાલાને જે રીતે ઓળખી ગયો એ જોઈને સમીર પોતે પણ ચકરાઈ ગયો. એને સમજાતું જ ન હતું કે આ બને જ કેવી રીતે ? હવે અભિષેકને ધમકી પણ કેવી રીતે આપવી ?
" સમીરભાઈ તમારી વાત પૂરી થઈ હોય તો આપણે કોફી મંગાવીને પી લઈએ. સી.સી.ડીની કોફી સારી આવે છે. " અભિષેક ઠંડા કલેજે બોલ્યો.
" તારી કોફી ગઈ ભાડમાં. પૈસાની વાત કર નહીં તો હવે સાચા ગુંડાઓ આવશે. તારી હોસ્પિટલ અને તારું ઘર પણ બતાવી દઈશ. હું તને છોડીશ નહીં. પ્રેમથી સમજી જાય તો સારું છે ડોક્ટર. અત્યાર સુધી તારી સાથે હું રિસ્પેક્ટથી વાત કરતો હતો. હવે તને મારું અસલી સ્વરૂપ જોવા મળશે. " સમીરે ગુસ્સે થઈને ધમકી આપી.
" તમારું અસલી સ્વરૂપ શું છે એ બધી મને ખબર છે ! મારી સાથે પંગો લેવાનું તમને બહુ જ ભારે પડશે સમીરભાઈ. શેર બ્રોકર બન્યા છો તો પ્રમાણિકતાથી ધંધો કરો. પેલા હોટલ વાળા મોન્ટીના અને સુખવંત સિંઘના કરોડો રૂપિયા શેર બજારમાં ખોટ બતાવીને ચાઉં કરી ગયા. એ બંનેને હું ઓળખું છું અને બંનેને સાચી વાત હું કરી દઈશ. પછી તમારી ધોલાઈ થશે ત્યારે ક્યાં જશો ? " અભિષેકથી બોલાઈ ગયું. જાણે કે એની અંદરથી બીજું કોઈ બોલી રહ્યું હતું.
અભિષેકની વાત સાંભળીને સમીર સડક થઈ ગયો. એ હવે ખરેખર ડરી ગયો. મોન્ટી અને સુખવંત સિંઘ માથાભારે વેપારી હતા એ પણ એને ખબર હતી. અભિષેક એ બન્નેને કેવી રીતે ઓળખે છે એ જ સાલું સમજાતું નથી. આ ડૉક્ટર ડેન્જરસ
Mમાણસ છે. આની સામે પડવા જેવું નથી. પ્રેમથી જે મળે એ લેવા જેવું છે. દાદાગીરી ચાલે એવી નથી.
" સોરી અભિષેકભાઈ. કારણ વગરનો હું ગુસ્સે થઈ ગયો. મારે તમારી સાથે આ રીતે વાત ના કરવી જોઈએ. મારો સ્વભાવ જ બહુ ખરાબ છે. ચાલો કોફી મંગાવી જ દો. પ્રેમથી વાતો કરીએ. " સમીર બોલ્યો.
અભિષેક સમજી ગયો કે કાચિંડાએ હવે રંગ બદલ્યો. અભિષેકે બે કોફીનો ઓર્ડર આપ્યો.
" જુઓ સમીરભાઈ. બહુ સ્પષ્ટ વાત કરું. કાયદેસર રીતે વનિતા આન્ટીની સ્થાવર કે જંગમ કોઈપણ મિલકતમાં તમારો કોઈપણ હક નથી. મને મળેલી તમામ મિલકત લીગલ છે. હા તમે ભવિષ્યમાં તકલીફમાં હો અને તમારે મદદની જરૂર હોય તો હું માનવતાની દ્રષ્ટિએ ચોક્કસ મદદ કરીશ. પણ એ પહેલાં હું તપાસ કરીશ કે ખરેખર તમે તકલીફમાં છો કે નહીં . " અભિષેક બોલ્યો.
" આટલી લાગણી બતાવી એ બદલ આભાર અભિષેકભાઈ. ક્યારેક ઘરે પણ પધારો. પાર્લે વેસ્ટમાં બજાજ રોડ ઉપર રહું છું. " કહીને સમીરે પોતાનું વીઝીટીંગ કાર્ડ આપ્યું.
" તમારાં વાઈફ એટલે કે નયનાભાભી ની તબિયત સંભાળજો. એમને બ્રેસ્ટ કેન્સર થયું હોય એવું મને લાગે છે. જો કે એમના આયુષ્યને કોઈ પ્રોબ્લેમ નથી. " અચાનક અભિષેકથી બોલાઈ ગયું.
હવે સમીર દલાલ ખરેખર ચમકી ગયો. માત્ર ચમકી ગયો નહીં અવાક જ થઈ ગયો ! એને સમજાતું ન હતું કે આ અભિષેક કોણ છે ? એ કેવી રીતે બધું જાણે છે ? હજુ એક અઠવાડિયા પહેલાં જ હોસ્પિટલ જઈને નયનાનું ચેક અપ કરાવ્યું છે અને કેન્સરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે !
" બસ હવે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાની છે. કીમો આપવો પડશે." થોડી વાર રહીને સમીરે જવાબ આપ્યો.
" ચિંતા ના કરશો. થોડી હેરાનગતિ છે પણ સારું થઈ જશે." અભિષેક બોલ્યો અને એણે કોફી પીવાની ચાલુ કરી.
કોફી પીધા પછી સમીર દલાલે રજા લીધી. એ એટલો બધો હેબતાઈ ગયો હતો કે એણે બીજી કોઈ ચર્ચા જ ના કરી. એ આજે એટલો ડરી ગયો હતો કે અભિષેક પાસેથી ભાગ લેવાનું તો એ ભૂલી જ ગયો.
સમીર દલાલ જેવો બહાર નીકળ્યો કે તરત જ મોગરાની સુગંધ પણ બંધ થઈ ગઈ ! અભિષેક ત્યાંથી રીક્ષા કરીને સીધો પોતાના ઘરે ગયો.
" આજકાલ બીજી કઈ પ્રવૃત્તિમાં તું પડી ગયો છે બેટા ? હોસ્પિટલમાંથી રજા રાખે છે. ક્યારેક મોડો આવે છે ક્યારેક વહેલો આવી જાય છે ! " સાંજે જમતી વખતે વીણા માસીએ પૂછ્યું.
" કંઈ નહીં માસી. ભાગીદારીમાં એક હોસ્પિટલ બનાવવાનું વિચારી રહ્યો છું એટલે આ રીતે દોડધામ કરવી પડે છે." અભિષેકે વાર્તા કરી.
" હોસ્પિટલ બનાવવાનો તારો વિચાર ઘણો સારો છે ! તારી પોતાની હોસ્પિટલ હોય તો આરતીને પણ ગોઠવી શકાય. " માસી બોલ્યાં.
" હા માસી આમ તો લગભગ નક્કી જેવું જ છે. પણ એમાં સમય ઘણો લાગી શકે છે. એક બે વર્ષ તો નીકળી જ જશે. " અભિષેકે જવાબ આપ્યો.
" મારે તને બીજી પણ એક વાત કરવાની છે. કેટલાય સમયથી મનમાં છે પણ વાત કરવાનો કોઈ મેળ જ નથી પડતો. આ તો આજે નાશિકથી ફોન આવ્યો એટલે પાછું યાદ આવી ગયું. તારા લગનનું પછી તેં શું વિચાર્યું ભાઈ ? હવે તારી ઉંમર પણ થઈ ગઈ છે. સ્નેહલતાને ગયાને પણ ચાર મહિના પૂરા થઈ ગયા. મારા ધ્યાનમાં નાશિકમાં એક સરસ ડૉક્ટર છોકરી છે. " વીણા માસી બોલ્યાં.
" મેં હજુ કંઈ જ વિચાર્યું નથી માસી. આમ તો એક બે છોકરીઓ જોઈ છે પણ ફાઇનલ નથી કર્યું. " અભિષેક બોલ્યો. એણે અંજલીની વાત ના કરી કારણ કે એની સાથે લગ્ન થવાને હજુ દોઢ બે વર્ષની વાર હતી.
" તને વાંધો ના હોય તો વાત આગળ ચલાવું. દિપાલી દેખાવમાં રૂપાળી છે અને એ ડેન્ટલના છેલ્લા વર્ષમાં છે. કદાચ એકાદ બે મહિનામાં એનું ભણવાનું પૂરું થશે. છોકરી મૂળ રાજકોટની છે પરંતુ અત્યારે એના મામાના ઘરે રહીને ભણી રહી છે. એ લોકો મારી પડોશમાં જ રહે છે. " માસી બોલ્યાં.
" ના માસી. હજુ લગ્ન અંગેનો કોઈ નિર્ણય મેં લીધો નથી. અને મારે હવે થોડાક સમય માટે રાજકોટ જવું પડશે. ત્યાં એક હોસ્પિટલમાં એકાદ વર્ષ માટે સેવા આપવી પડશે. " અભિષેક બોલ્યો.
" તું રાજકોટ જતો રહીશ ? " માસી થોડાં ટેન્શનમાં આવી ગયાં.
" હા માસી પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે આ ઘરમાં રહી શકો છો. આ તમારું જ ઘર છે. તમારે ત્રણ મહિના પછી જ્યારે નાશિક પાછા જવાનું થાય ત્યારે મને ફોન કરી દેજો. હું આવીને લૉક લગાવી દઈશ. " અભિષેક બોલ્યો.
" તું રાજકોટ જાય એ પહેલાં એક વાર દિપાલીને જોઈ તો લે ! હું એને અહીં બોલાવું. " માસી બોલ્યાં.
" મારો હમણાં લગ્નનો કોઈ વિચાર નથી માસી એટલે જોવાનો પણ કોઈ મતલબ નથી. જોયા પછી છોકરીના મનમાં એક આશા પેદા થાય અને પછી કોઈ કારણસર હું ના પાડું તો એનું બિચારીનું દિલ તૂટી જાય એના કરતાં હમણાં આપણે કોઈ મીટીંગ રાખવી નથી. " અભિષેક બોલ્યો.
પરંતુ અભિષેકને ખબર ન હતી કે આ જ દિપાલી એક દિવસ રાજકોટમાં એની સામે આવીને ઊભી રહેવાની છે !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)