Abhishek - 12 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | અભિષેક - ભાગ 12

Featured Books
Categories
Share

અભિષેક - ભાગ 12

અભિષેક પ્રકરણ 12 

બંગલો વેચાઈ ગયો એ સમાચાર પોતાના સિક્યુરિટી ગાર્ડ પાસેથી જાણ્યા પછી સમીર દલાલ ખૂબ જ બેચેન થઈ ગયો. એની ઈચ્છા ધૂળમાં મળી ગઈ. છેલ્લા એક વર્ષથી સિક્યુરિટી ગાર્ડને એ પગાર ચૂકવતો હતો. એ બધા પૈસા પણ પાણીમાં ગયા. 

ડૉ. અભિષેક મુન્શીને શોધવા માટે એણે ઘણું વિચારી જોયું પરંતુ એનું મગજ કામ કરતું ન હતું. એને તો એ પણ ખબર ન હતી કે અભિષેક માત્ર ૨૬ વર્ષનો એક યુવાન છે ! આવડા મોટા મુંબઈમાં એને ક્યાં શોધવો ? છેવટે એણે આ કામ કોઈ ડિટેક્ટીવ એજન્સીને સોંપવાનું નક્કી કર્યું.  

પરંતુ એ પહેલાં કાબરા કન્સ્ટ્રક્શન કંપનીમાં કોશિષ કરવાનું એણે નક્કી  કર્યું. કદાચ ત્યાંથી અભિષેકનું એડ્રેસ કે પછી ફોન નંબર મળી પણ જાય. 

બીજા દિવસે સવારે ૧૧:૩૦ વાગે એ બાંદ્રામાં આવેલી કાબરા કન્સ્ટ્રક્શનની ઓફિસમાં પહોંચી ગયો. ઓફિસ ઘણી વિશાળ હતી. પહેલા માળનો અડધો ફ્લોર રોકેલો હતો ! 

" મારે મિસ્ટર અગ્રવાલને મળવું છે." રિસેપ્શનિસ્ટ પાસે જઈને સમીર બોલ્યો. 

" આ ઓફિસમાં બે અગ્રવાલ છે. તમારે કયા અગ્રવાલને મળવું છે ? "   
રિસેપ્શનિસ્ટ બોલી. 

" ખારમાં મારો એક બંગલો વેચાયો છે. એનું માપ લેવા માટે ગઈકાલે કોઈ અગ્રવાલ મારા બંગલે આવ્યા હતા. મારે એમને મળવું છે. " સમીર બોલ્યો. 

" હા એ અમારા મેનેજર અગ્રવાલ સર હશે. તમારું નામ શું ?"  રિસેપ્શન ગર્લ બોલી. 

" મારું નામ સમીર દલાલ. " સમીર બોલ્યો. 

" વેઇટ આ મિનિટ. " રિસેપ્શનિસ્ટ બોલી અને એણે અગ્રવાલના ટેબલ ઉપર રીંગ આપી. 

" સર કોઈ સમીર દલાલ આપકો મિલના ચાહતે હૈં" 

" ઠીક હે.  ભેજો ઉનકો. " મેનેજરે જવાબ આપ્યો. 

" જાઓ. અંદર ડાબી બાજુની ચેમ્બર અગ્રવાલ સરની છે. " રિસેપ્શનિસ્ટ બોલી. એ છોકરી ગુજરાતી લાગતી હતી. 

" આઈયે સમીરભાઈ. મૈને પહેચાના નહીં આપકો.  " અગ્રવાલ બોલ્યો. 

" હું ગુજરાતીમાં વાતચીત કરું તો તમને ફાવશે ને ? " સમીર બોલ્યો. એને પોતાને લાગ્યું કે એ ગુજરાતીમાં વધારે સારી રીતે વાતચીત કરી શકશે. 

" અરે નો પ્રોબ્લેમ. ગુજરાતી હિન્દી મારવાડી મરાઠી ઈંગ્લીશ. કોઈપણ ભાષા મને ફાવશે. " અગ્રવાલ હસીને બોલ્યો. 

" સર તમે કારમાં લિંકિંગ રોડ ઉપર જે બગલો ખરીદ્યો અને જેનું માપ લેવા માટે તમે ગઈકાલે ગયા હતા એ બંગલો મારા સગા અંકલનો છે. મારા આન્ટીએ વિલ કરીને એ બંગલાના બધા હક્કો કોઈ ડૉ. અભિષેકને આપેલા છે. એ બંગલો ખરીદવામાં મારા પપ્પાએ પણ પૈસા રોકેલા હતા. એટલે એમાં મારો પણ થોડો હક્ક બને છે. " સમીર દલાલ શબ્દો ગોઠવી ગોઠવીને બોલી રહ્યો હતો. 

" મને તમારી સામે કોઈ પ્રોબ્લેમ નથી. બધા લીગલ પેપર્સ અભિષેક પાસે છે એટલે તમે ચોક્કસ ખરીદી શકો છો પરંતુ મને પણ ન્યાય મળવો જોઈએ. મારે બે વસ્તુ જાણવી હતી. એક તો આ બંગલો કેટલી રકમમાં વેચાયો એ જો મને કહી શકો તો. અને જો શક્ય હોય તો ડૉ. અભિષેકનું એડ્રેસ અથવા ફોન નંબર પણ મને જોઈએ છે જેથી હું એની સાથે જ સીધી વાત કરી શકું." સમીર દલાલ બોલ્યો. 

અગ્રવાલ એક તો મારવાડી હતો અને પાછો જમાનાનો ખાધેલ હતો. આટલી મોટી કન્સ્ટ્રક્શન કંપનીનો મેનેજર  એ એમનેમ નહોતો બન્યો ! કાબરા શેઠે એને બરાબર ચકાસ્યા પછી જ મેનેજર બનાવ્યો હતો. 

" પાણી પી લો સમીરભાઈ. ચા કે ઠંડુ પીવાની ઈચ્છા હોય તો એ પણ મંગાવી દઉં. " અગ્રવાલ બોલ્યો. 

"થેન્ક્યુ સર. પાણી પી લઉં છું. બાકી કઈ મંગાવાની જરૂર નથી. " સમીર બોલ્યો અને એની સામે રાખેલો પાણીનો ગ્લાસ  હાથમાં લઈને પાણી પી લીધું. 

" તમારા પપ્પાએ એમાં પૈસા રોક્યા હોય કે ના રોક્યા હોય એ તમારો અંગત પ્રોબ્લેમ છે. અમારે એની સાથે કોઈ લેવાદેવા ના હોય. અને અમારી કંપનીનો એક નિયમ છે કે કોઈપણ પ્રોપર્ટી ખરીદ્યા પછી એના મૂળ માલિક સિવાય કોઈને પણ કોઈ પણ પ્રકારની માહિતી ન આપવી. આઈ એમ સોરી સમીરભાઈ તમે જઈ શકો છો ! " મેનેજર રુક્ષતાથી બોલ્યો. 

સમીર દલાલની હાલત કાપો તો લોહી પણ ના નીકળે એવી થઈ ગઈ હતી. એ છોભીલો પડી ગયો. કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ એ બહાર નીકળી ગયો. કાબરા શેઠની આ ઓફિસમાં એને અપમાન જેવું લાગ્યું.

હવે ડિટેક્ટિવ એજન્સી સિવાય બીજો કોઈ જ રસ્તો બચ્યો ન હતો. 

સમીર દલાલ પાર્લા વેસ્ટમાં બજાજ રોડ ઉપર આનંદવિહાર સોસાયટીમાં રહેતો હતો. એ પોતે પણ આમ તો દોઢ બે કરોડની પાર્ટી હતો. એ પોતે શેર બ્રોકર હતો ! સાથે સાથે રીયલ એસ્ટેટનું  કામ પણ કરી લેતો. 

સમીરના પિતા સૂર્યકાન્ત દલાલ એમના જમાનામાં  સટ્ટામાં ઘણું ગુમાવી ચૂક્યા હતા જ્યારે એના અંકલ શશીકાન્ત દલાલ સુતરના વેપારી હતા અને રૂના સટ્ટામાં એ જમાનામાં એક કરોડ કરતાં પણ વધારે પૈસા કમાઈ ગયા હતા. કોટન એક્સચેન્જ પાસે એમની ઓફિસ હતી. 

શશીકાન્તની પત્ની વનિતાના પિતા પણ ગર્ભ શ્રીમંત હતા એટલે એમની પણ સારી એવી મિલકત  શશીકાન્તને વારસામાં મળી હતી. અને એટલે જ શશીકાન્તે ખાર જેવા વિસ્તારમાં વિશાળ પ્લોટ ખરીદીને બંગલો બનાવ્યો હતો. 

શશીકાન્તનું ૪૫ વર્ષની ઉંમરે અચાનક મૃત્યુ થયું ત્યારે  વનિતાની ઉમર માત્ર ૪૧ વર્ષની હતી. એ ખૂબ જ દેખાવડી હતી. એણે પોતાના બુદ્ધિચાતુર્યથી એક નવો જ ધંધો ડેવલોપ કર્યો અને ૧૦ ૧૨ કરોડ કમાઈ લીધા. 

વનિતાનું મોસાળ મધ્યપ્રદેશનું રતલામ હતું. વનિતા પોતે જાણતી હતી કે રતલામથી થોડેક દૂર આવેલા નીમચ અને મંદસૌરમાં અફીણની ખેતી થાય છે. માળવા અફીણનું મુખ્ય મથક ગણાય છે. 

વનિતાએ મુંબઈમાં રહીને અફીણ માટે કેટલાક સંપર્કો ઊભા કર્યા. એની પાસે પૈસા તો હતા જ. પોતાના રૂપ અને પૈસાનો ઉપયોગ કરીને એણે અફીણ ને મુંબઈ લાવવાનું નેટવર્ક ઊભું  કર્યુ. અફીણ લાવવા માટે રેલવેનો માર્ગ સુરક્ષિત હતો ! 

એણે રતલામ એક મહિનો રોકાઈને ત્યાંના રેલ્વે સ્ટેશનમાં પાર્સલ વિભાગ સંભાળતા એક અધિકારીનો સંપર્ક કર્યો. અહીંના અધિકારીને વનિતામાં કોઈ રસ ન હતો પરંતુ પૈસામાં રસ જરૂર હતો. એ જે માગે તે પૈસા આપવા વનિતા તૈયાર થઈ.  

રતલામી સેવના એક કિલોના પેક માં વચ્ચે ૨૦૦ ગ્રામ અફીણનું એક નાનું પેકેટ મૂકી દેવામાં આવતું. આમ ૧૦ કિલોના એક રેલવે પાર્સલમાં બે કિલો અફીણ ગોઠવી દેવામાં આવતું. રતલામથી આ કામ વનિતાના ભાઈનો દીકરો આશિષ સંભાળતો. એ પણ પહોંચેલો હતો. 

દર બે ત્રણ દિવસે એક રતલામી સેવનું પાર્સલ મોકલવામાં આવતું. મહિનામાં લગભગ ૨૫ કિલો અફીણ મળી જતું. ૩૦ વર્ષ પહેલાં અફીણ ઉપર આટલી બધી કડકાઈ નહોતી. મુંબઈમાં એક કીલો અફીણના વનિતાને બે લાખ રૂપિયા મળતા. એટલે મહિનાની એની કમાણી ૫૦ લાખ હતી. વર્ષમાં ચાર મહિના આ ધંધો ચાલતો એટલે દર વર્ષે વનિતા બે કરોડ કમાઈ લેતી. 

આ જ ધંધા માટે વનિતાએ બોરીવલી રેલવે સ્ટેશનમાં પાર્સલ વિભાગ સંભાળતા રજનીકાંત મુન્શીનો સંપર્ક કર્યો હતો. પહેલાં તો બંને વચ્ચે પૈસાનો વ્યવહાર જ ચાલ્યો પરંતુ રજનીકાંત પોતે હેન્ડસમ હતા. વનિતાને પણ આ યુવાન ઉંમરે કોઈ પુરુષની જરૂરિયાત હતી એટલે એ રજનીકાંતના પ્રેમમાં પડી ગઈ. પાર્સલ છોડાવવામાં રજનીકાંતે પૂરો સહકાર આપ્યો.  

પાંચ વર્ષ સુધી આ સેટિંગ ચાલ્યું. એ પછી રતલામ સ્ટેશને થોડી કડકાઈ આવતાં પાર્સલ મોકલવાનું બંધ કરવું પડ્યું. છતાં આ પાંચ વર્ષમાં વનિતા બાર કરોડ જેવી રકમ કમાઈ ગઈ. એ  પછી ધંધો બંધ થઈ ગયો પરંતુ રજનીકાંતનું અવસાન થયું ત્યાં સુધી એમની વચ્ચે પતિ પત્ની જેવા સંબંધો રહ્યા. ! 

શશીકાંત અને સૂર્યકાંત બંને સગા ભાઈ હોવા છતાં બંને વચ્ચે કોઈ ખાસ સંબંધો ના હતા. માત્ર પ્રસંગે જ આવવા જવાનો વ્યવહાર હતો એટલે સમીર પ્રત્યે વનિતાને કોઈ ખાસ લાગણી ન હતી. વચ્ચે એકવાર જરૂર પડી ત્યારે વનિતાએ સમીરને દસ લાખની મદદ કરેલી.  

વનિતાના ધંધાની સમીર દલાલને કોઈ જ ખબર ન હતી. રજનીકાંત સાથેના વનિતાના અંગત સંબંધોની પણ એને જાણ ન હતી. જાહેરમાં એ લોકો ક્યાંય પણ મળતાં ન હતાં. 

વનિતાનું મૃત્યુ થયું ત્યારે સમીર ૪૦ વર્ષનો થઈ ગયો હતો. એને ખબર હતી કે અંકલ અને આન્ટીને કોઈ સંતાન નથી એટલે એ માનતો હતો કે આન્ટીની બધી જ મિલકત એને જ મળશે.  પરંતુ જ્યારે એણે બંગલા ઉપર એડવોકેટ દોશીનું નોટિસ બોર્ડ જોયું ત્યારે એના હોશ ઉડી ગયા ! હવે આ ડૉ. અભિષેકને પકડવો જ પડશે !!

એણે જે.બી નગર અંધેરી ઇસ્ટમાં  એક જાણીતી ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીનો સંપર્ક કર્યો. ડૉ અભિષેક મુન્શીનું નામ આપ્યું અને સાથે સાથે એડવોકેટ દોશી સાહેબનો ફોન નંબર પણ આપ્યો. બંગલાનું એડ્રેસ આપ્યું અને કાબરા કન્સ્ટ્રક્શન કંપનીએ આ બંગલો ખરીદી લીધો છે અને કોઈ અગ્રવાલ ત્રણ દિવસ પહેલાં બંગલો જોવા માટે આવ્યા હતા એ બધી વાત પણ વિગતવાર બતાવી.

" મને કોઈપણ સંજોગોમાં ડૉક્ટર અભિષેકનો કોન્ટેક નંબર, એનું એડ્રેસ અને આ બંગલો કેટલામાં વેચાયો છે એ બધી માહિતી જોઈએ. " સમીર બોલ્યો. 

" આપકા કામ હો જાયેગા. હમારા યહી તો કામ હૈ. આધી ફી એડવાન્સ મેં બાકી કામ પૂરા હોને કે બાદ. " કંપનીનો અધિકારી બોલ્યો. 

ડિટેક્ટીવ એજન્સીની ફી ઊંચી હતી પરંતુ સમીરને કરોડો રૂપિયા દેખાતા હતા એટલે એણે ફી મંજૂર રાખી અને અડધી રકમ એડવાન્સમાં આપી. 

બીજા દિવસથી જ એજન્સીએ પોતાનું કામ શરૂ કરી દીધું. એજન્સીના એક ઇન્વેસ્ટિગેટરે પહેલો ફોન દોશી સાહેબને કર્યો.

" દોશી સાહેબ મૈં કાબરા કન્સ્ટ્રક્શન કંપની સે અગ્રવાલ સર કા આસિસ્ટન્ટ બોલ રહા હું.  મુજે ડૉ. અભિષેક મુન્શીસે કુછ બાત કરની થી. કયા આપ મુજે ઉનકા નંબર દે સકતે હો ?" 

" જી  બિલકુલ દે સકતા હું. લેકિન અગ્રવાલ સર કો બોલો મેરે સાથ બાત કરે. મૈં ઉનકી આવાજ પહેચાનતા હું." દોશી સાહેબ બોલ્યા. એ પણ મુંબઈની માટીથી જ ઘડાયેલા હતા અને ડિટેક્ટિવના બાપ હતા ! 

" જી વો દુસરે ક્લાયન્ટ કે સાથ બ્યુઝી હૈં. ઈસી લિયે મુજે બાત કરને કો બોલા. "  ઇન્વેસ્ટિગેટર બોલ્યો. 

" ઠીક હૈ. ઉનકો બોલો જબ ફ્રી હો જાયે તબ બાત કરે. મૈં આસિસ્ટન્ટ સે બાત નહીં કરતા. " દોશી સાહેબ બોલ્યા અને ફોન કટ કર્યો.

દોશી સાહેબ પાસેથી કોઈ પણ પ્રકારની માહિતી ના મળી એટલે પછી ઇન્વેસ્ટિગેટિંગ કંપનીએ હોસ્પિટલો ઉપર ફોકસ કર્યું અને સાથે સાથે એક માણસને ખારના બંગલા ઉપર વૉચ રાખવા માટે ગોઠવી દીધો. કદાચ ત્યાં અભિષેક ક્યારેક આવી ચડે તો એનો પીછો કરી શકાય. 

છેવટે પાંચ દિવસની મહેનત પછી અભિષેક જે હોસ્પિટલમાં જોબ કરતો હતો એ હોસ્પિટલની ભાળ મળી ગઈ. હોસ્પિટલની શોધ કર્યા પછી અભિષેકનું એડ્રેસ મેળવવું ઇન્વેસ્ટિગેટિંગ કંપની માટે અઘરું ન હતું ! તગડી ફી લઈને એમણે એમનું કામ પૂરું કરી આપ્યું.  

હવે આગળ શું કરવું એ સમીર દલાલે વિચારવાનું હતું. કઈ રીતે મળવું, ક્યાં મળવું અને કઈ રીતે પોતાનો ભાગ માગવો એનું પ્લાનિંગ હવે શાંતિથી કરવું પડશે ! કોઈ માથાભારે માણસને જ વચ્ચે રાખવો પડશે. 

દસ દિવસ પછી બંગલાના વેચાણની તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ. કાબરા કન્સ્ટ્રક્શન કંપનીના નામે બંગલો ટ્રાન્સફર થઈ ગયો. અગ્રવાલની સાથે અભિષેકે પોતે પણ રજીસ્ટ્રાર ઓફિસમાં જવું પડ્યું અને જ્યાં જ્યાં એની સાઇનની જરૂર પડી ત્યાં એણે કરી દીધી. એ આખો દિવસ એણે હોસ્પિટલમાં રજા રાખી. 

જે દિવસે રજીસ્ટ્રાર ઓફિસમાં જવાનું હતું એ જ દિવસે સવારે પાંચ કરોડ રોકડા તથા ૧૦ કરોડનાં સોનાનાં બિસ્કિટની લૉક કરેલી બેગ ચાવી સાથે દોશી સાહેબના ઘરે પહોંચી ગયાં હતાં. જ્યારે બાકીની રકમના  અલગ અલગ તારીખના ત્રણ ચેક  રજીસ્ટ્રાર ઓફિસમાં અભિષેકને આપવામાં આવ્યા. 

રજીસ્ટ્રાર ઓફિસમાં ટ્રાન્સફરનું કામ પતાવીને અભિષેક દોશી સાહેબના ઘરે આવ્યો. 

" હવે મારી ફરજ પૂરી થઈ ગઈ. મારી બધી જવાબદારી પણ પૂરી થઈ ગઈ. બંગલો વેચાઈ ગયો. તમારી રકમ તમને મળી ગઈ. હવે મારા ઘરે પાંચ કરોડ રોકડા પડ્યા છે એ તમારે જ્યારે પણ લઈ જવા હોય ત્યારે લઈ જઈ શકો છો. " દોશી સાહેબ બોલ્યા. 

" અંકલ મારે એ પૈસાની કોઈ જ ઉતાવળ નથી. આટલી રકમ ઘરે લઈ જઈને પણ હું શું કરું? મારે કંઈક વિચારવું પડશે. " અભિષેક બોલ્યો. 

" એક સલાહ આપું ? તમારા જ બંગલામાં જે બિઝનેસ કોમ્પ્લેક્સ હવે બનવાનું છે એમાં એક આખો ફ્લોર તમે બુક કરાવી દો. ભવિષ્યમાં ભાવ ડબલ થવાના છે. પ્રાઈમ લોકેશન છે. તમે હોસ્પિટલ બનાવો તો પણ ત્યાં હોસ્પિટલ ઘણી સારી ચાલશે. અને ભવિષ્યમાં ફ્લોર વેચી નાખો તો પણ ખૂબ સારા પૈસા મળશે. ત્યાં રોકડાનો વ્યવહાર ચાલી જશે. પાંચ કરોડ રોકડા અને બાકીના ચેક આપી દેજો. એક સારું ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે. " દોશી સાહેબ બોલ્યા. 

" આ તો તમે બહુ સરસ વાત કરી અંકલ. હવે તમે જ આ બધું કામ પતાવી દેજો. તમે જ કાબરા શેઠનો સંપર્ક કરીને ફર્સ્ટ ફ્લોર આખો બુક કરાવી દેજો. આ રોકડા તમારા ઘરે જ ભલે રહ્યા. બાકીનો ચેક તમે જ્યારે કહેશો ત્યારે હું આપી દઈશ." અભિષેક બોલ્યો. 

" ઠીક છે. તમે તો હવે કરોડોપતિ બની ગયા. આ બિસ્કિટની વજનદાર બેગ તમે અત્યારે ઘરે લેતા જાઓ અને બેંકમાં લોકર ખોલાવીને એમાં મૂકી દેજો. ભવિષ્યમાં મારું કંઈ પણ કામકાજ હોય તો ચોક્કસ કહેજો. "  દોશી સાહેબ બોલ્યા અને અભિષેકે રજા લીધી. 

અભિષેક ૧૨૫ બિસ્કીટની વજનદાર બેગ લઈને ઘરે પહોંચ્યો એટલે વીણામાસીએ તરત જ પૂછ્યું. 

" આ શું લઈ આવ્યો ભાઈ ? બેગ વજનદાર લાગે છે ! " માસી બોલ્યાં. 

" હોસ્પિટલનો સામાન છે માસી. " અભિષેક બોલ્યો અને લૉક કરેલી બેગ ને એણે કબાટમાં મૂકી દીધી. 

બીજા દિવસે એણે ત્રણેય બેંકોમાં ચેક જમા કરાવી દીધા. સાંજે નવીનભાઈ શાહને ફોન કરીને બાભાઈ નાકા પાસે એમના ઘરે પહોંચી ગયો. 

" અંકલ વનિતા આન્ટીના વીલ દ્વારા મને જે બંગલો મળ્યો હતો એનો સોદો થઈ ગયો છે. મને એના કુલ ૯૦ કરોડ મળ્યા છે. જેમાં ૭૫ કરોડ ચેકથી મળેલા છે. " અભિષેક બોલ્યો. 

" નો પ્રોબ્લેમ. તમને વીલ દ્વારા બંગલો મળેલો છે એટલે એમાંથી ઉપજેલી રકમ કાયદેસરની છે એટલે એ આપણે રિટર્નમાં બતાવી દઈશું. આ ફંડને કઈ રીતે મેનેજ કરવું એ હું જોઈ લઈશ. તમને જે ચેક મળ્યા એની ડિટેલ્સ મને આપી દો. બાકી તમારે કંઈ જ કરવાનું રહેતું નથી. તમે પોતે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો અથવા મોટો ઉપાડ કરો તો મને તરત જાણ કરી દેજો. " નવીનભાઈ બોલ્યા. 

અભિષેકે ત્રણે ત્રણ ચેકની જે ઝેરોક્ષ કોપી બનાવી રાખી હતી તે અંકલને આપી દીધી. 

" નસીબદાર છો અભિષેકભાઈ. આ ઉંમરે તમે આટલી મોટી રકમના વારસદાર બની ગયા. તમારે હવે બીજું કંઈ વિચારવું જોઈએ. એક લાખ રૂપિયાની નોકરી કરવાનો હવે કોઈ મતલબ નથી. " નવીનભાઈ બોલ્યા. 

" જી અંકલ જોઈએ હવે આગળ શું થાય છે !  ચાલો રજા લઉં " અભિષેક બોલ્યો. 

"ચા પાણી પીવાની કોઈ ઈચ્છા નથી ?  આ તો મારું ઘર છે પાંચ મિનિટમાં બની જશે. શિયાળાની ઠંડીમાં ચા તો પીવી જ જોઈએ. " નવીનભાઈ બોલ્યા. 

અને અભિષેક દસ મિનિટ બેસીને ચા પીને નીકળ્યો. સોનાના બિસ્કીટ વિશે એણે નવીનભાઈ શાહ સાથે કોઈ વાત ન કરી અને એમણે પૂછ્યું પણ નહીં.

ઘરે ગયા પછી રાત્રે સૂતી વખતે છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી ઘટનાઓ એ વાગોળતો રહ્યો. હિમાલયમાં રહેતા એના દિવ્ય ગુરુજીએ એના ઉપર ખૂબ જ કૃપા કરી હતી ! 

એ સાથે જ એને વિચાર આવ્યો કે અહીંનું કાર્ય પૂરું થઈ જવાથી હવે રાજકોટ જવાનો સમય પાકી ગયો છે ! 
                                      ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)