અભિષેક પ્રકરણ 11
ઋષિકેશથી આવ્યા પછી અભિષેકના જીવનમાં ઘણી બધી ઘટનાઓ બની ગઈ હતી. એના જીવનમાં અંજલી જેવી પ્રેમાળ કન્યાનો પ્રવેશ થયો હતો. વીણા માસી આવી જવાથી રોજ ઘરની રસોઈ જમવા મળતી હતી. યોગીજીની મુલાકાત પછી વનિતા દલાલના વીલથી એ સોળ કરોડનો માલિક બની ગયો હતો !
સૌથી રોમાંચક અનુભવ તો એને ખારના બંગલામાં થયો હતો જ્યાં મૃત્યુ પામેલી વનિતાએ એની સાથે વાતચીત કરી હતી ! વનિતા દ્વારા એને એ પણ જાણવા મળ્યું હતું કે સમીર દલાલ નામનો એનો ભત્રીજો આ બંગલા ઉપર હક્ક જમાવવા કોશિશ કરી રહ્યો હતો ! જો કે વનિતા આન્ટી એ એને હિંમત આપી હતી એટલે સમીર સાથે પડશે એવા દેવાશેની નીતિ એણે અપનાવી.
કારતક મહિનો શાંતિથી પસાર થઈ ગયો. માગશર મહિનો શરૂ થયો એટલે એણે એકમથી નવ દિવસનું ગાયત્રી અનુષ્ઠાન કરવાનું વિચાર્યું. આમ તો અનુષ્ઠાન માત્ર નવરાત્રિમાં જ કરવામાં આવતું હોય છે પરંતુ અભિષેકને સપનામાં સ્વામી નિર્મલાનંદજીનો માગશર મહિનામાં ગાયત્રીનું અનુષ્ઠાન કરવાનો આદેશ મળ્યો હતો. પહેલી વાર એણે ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કર્યું.
ગાયત્રી અનુષ્ઠાનનું એને ખૂબ જ સારું ફળ મળ્યું. એકાદશીના દિવસે જ એક સારી પાર્ટી દોશી સાહેબના ઘરે પહોંચી ગઈ. કાબરા કન્સ્ટ્રક્શન કંપની ના માલિક રીખવચંદ કાબરા પોતે જ દોશી સાહેબને મળ્યા.
" દોશી સાહેબ, જય જિનેન્દ્ર. તમે જે બંગલાની જાહેરાત પેપરમાં મૂકી છે એ બંગલો ખરીદવામાં મને રસ છે. લોકેશન હું જોઈ આવ્યો છું અને કોઈ પણ ભોગે મારે એ જગ્યા ખરીદવી છે. મારે ત્યાં મોટું બિઝનેસ કોમ્પ્લેક્સ બનાવવું છે. " કાબરા શેઠ બોલ્યા.
" જુઓ શેઠ બે બિલ્ડરો છેલ્લા બે દિવસમાં મારી પાસે આવી ગયા છે. એક મોટા બિલ્ડરે ૮૦ કરોડની ઓફર મને આપી છે. મને બંગલો વેચવાની કોઈ ઉતાવળ નથી. સારામાં સારા ભાવ આવે ત્યાં સુધી હું રાહ જોઇશ. તમારી ઈચ્છા હોય તો તમારી ઓફર મને આપો. હું વિચારીશ. " દોશી સાહેબ બોલ્યા.
" દોશી સાહેબ મને ટાઈમ પાસ કરવામાં બિલકુલ રસ નથી. હું તડ ને ફડ કરનારો માણસ છું. એકવાર નક્કી કર્યું એટલે પછી હું પીછેહઠ નથી કરતો. મારે કોઈ ઓફર આપવી નથી તમારી કિંમત બોલો. " કાબરા શેઠ બોલ્યા.
" આ મારા ક્લાયન્ટનો બંગલો છે. હું એની સાથે વાતચીત કરી લઉં. તમે આવતી કાલે સવારે ૧૧ વાગે આ જ ટાઈમે ફરી પધારો." દોશી સાહેબ બોલ્યા.
" ઠીક છે. હું કાલે સવારે આવી જઈશ. આ બંગલો મારે લેવો જ છે. કાલે આપણે ફાઇનલ જ કરીએ છીએ. " કાબરા શેઠ જતાં જતાં બોલ્યા. એમની વાણીમાં પૈસાની તાકાત દેખાઈ આવતી હતી.
શેઠની જીદ જોઈને દોશી સાહેબ સમજી ગયા કે આ બંગલો હવે ચોક્કસ વેચાઈ જશે !
" અભિષેકભાઈ કાલે સવારે સાડા દસ વાગે મારા ઘરે આવી શકશો ? બંગલા માટે એક સારી મારવાડી પાર્ટી આવી છે. એ તો કોઈ પણ હિસાબે આ બગલો ખરીદવા જ માંગે છે. પ્રોપર્ટી તમારી છે એટલે ફાઇનલ કરતી વખતે તમારી હાજરી જરૂરી છે. " કાબરા શેઠના ગયા પછી દોશી સાહેબે અભિષેકને ફોન કર્યો.
" હું ચોક્કસ આવી જઈશ અંકલ. તમે અઠવાડિયા પહેલાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના છેલ્લા પાને આપેલી જાહેરાત મેં વાંચેલી. મને ખાતરી જ હતી કે હવે જીન્યુઈન પાર્ટીઓ તમારી પાસે આવશે જ." અભિષેક બોલ્યો.
અભિષેક એ વખતે હોસ્પિટલમાં જ હતો. એણે આવતીકાલની રજા મૂકી દીધી. અવારનવાર બીજા કોઈ ડોક્ટરને ચાર્જ સોંપીને લેટ આવવું એને યોગ્ય ન લાગ્યું.
" માસી આજે મારું ટિફિન ના ભરશો. આજે હોસ્પિટલમાં રજા રાખી છે. હું બપોર સુધીમાં આવી જઈશ એટલે આજે ઘરે જ જમીશ. " બીજા દિવસે સવારે દોશી સાહેબને મળવા જતાં પહેલાં અભિષેક બોલ્યો.
" ઠીક છે તો પછી તારા ભાગની રોટલી તું આવે ત્યારે જ બનાવીશ." માસી બોલ્યાં.
એ પછી અભિષેક ઘરેથી નીકળી ગયો અને સમય પ્રમાણે સાન્તાક્રુઝ ખીરાનગર દોશી સાહેબના ઘરે પહોંચી ગયો.
" પાર્ટી હમણાં અડધા કલાકમાં આવી જશે. તમને મેં થોડાક વહેલા બોલાવ્યા છે. પાર્ટી મારવાડી છે અને અતિ શ્રીમંત લાગે છે. મારું માનવું છે કે આજે આ સોદો પતી જશે. " દોશી સાહેબ બોલ્યા.
" મને પણ વિશ્વાસ છે કે આજે સોદો પતી જશે. આ નવરાત્રિમાં મેં ગાયત્રી અનુષ્ઠાન કર્યું છે એટલે મને એનું ફળ મળવાનું જ છે." અભિષેક ઉત્સાહથી બોલ્યો.
અગિયારના બદલે પોણા અગિયાર વાગે જ કાબરા શેઠ આવી ગયા.
શેઠ આવ્યા એટલે દોશી સાહેબે નોકરને અંદરથી બધા માટે આઈસ્ક્રીમ લાવવાનું કહ્યું.
" બોલો દોશી સાહેબ રકમ બોલો. વ્યાજબી કિંમત બોલજો. મારે નિરાશ થવું પડે એવું ના કરતા. " કાબરા શેઠ બોલ્યા.
" તમે ગુજરાતી ભાષા સરસ બોલી શકો છો. " દોશી સાહેબ હસીને બોલ્યા.
" અરે શેઠિયા મારા મોટાભાગના કસ્ટમર ગુજરાતી છે. મારી તમામ સ્કીમોમાં ગુજરાતીઓ જ રોકાણ કરે છે. મારવાડી ભાષા ઘરે. માર્કેટમાં તો ગુજરાતી. " કાબરા શેઠ પણ હસીને બોલ્યા.
" વારુ. આ બંગલો આ બેઠા એ ડોક્ટર અભિષેકનો છે. તમે આવ્યા એ પહેલાં અમારે એ જ ચર્ચા ચાલતી હતી. ડોક્ટરની ગણતરી સો કરોડ લેવાની છે પછી ભલે એક વર્ષ રાહ જોવી પડે. " દોશી સાહેબ બોલ્યા.
એટલામાં આઈસ્ક્રીમ આવ્યો એટલે ત્રણે જણાએ સૌથી પહેલાં આઇસ્ક્રીમને ન્યાય આપ્યો. એ દરમિયાન કાબરા શેઠે ફોન ઉપર કોઈની સાથે મારવાડીમાં વાત કરી.
" જુઓ શેઠિયા અમારી જેમ વાણીયા બુદ્ધિથી જ વિચારો. સોદો કરીને જે પણ રકમ નક્કી થાય એ જો આજે લેશો તો એને ઇન્વેસ્ટ કરીને એની કિંમત એક વર્ષ પછી સો કરોડ કરતાં પણ ઘણી વધી જશે. અરે આ પૈસા મારી સ્કિમોમાં રોકશો તો પણ ઘણું કમાઈ જશો. એક વર્ષ રાહ જોવામાં નુકસાન તમારું છે." કાબરા શેઠ બોલ્યા.
" વાત તો તમારી મુદ્દાની છે. તમે હવે ફાઇનલ શું ઓફર આપો છો ? " દોશી સાહેબ બોલ્યા.
" ૯૦ કરોડ. આવી ઓફર તમને કોઈ નહીં આપે. બાના પેટે અત્યારે જ ૨૫ લાખનો ચેક આપવા તૈયાર છું. રોકડા જોઈતા હોય તો ગાડીમાં પૈસા પડ્યા છે. તમારે જો અંદર અંદર ચર્ચા કરવી હોય તો હું ગાડીમાં જઈને બેસું. " કાબરા શેઠ બોલ્યા.
" નિર્ણય મારે જ લેવાનો છે શેઠ. ડોક્ટરની જગ્યા છે એટલા માટે જ ડોક્ટરને બોલાવ્યા છે. તમારી ઓફર મને મંજૂર છે. " દોશી સાહેબ બોલ્યા.
" હવે બાનાના પૈસા તમારે રોકડા જોઈએ છે કે ચેક આપું ? " શેઠ બોલ્યા.
" વીસ લાખનો ચેક અને પાંચ લાખ રોકડા. " અભિષેક બોલ્યો.
તરત જ કાબરા શેઠે ગાડીમાં બેઠેલા ડ્રાઇવરને ફોન કર્યો અને ગાડીમાંથી પાંચ લાખ રોકડા અંદર લઈ આવવાની સૂચના આપી. બે-ત્રણ મિનિટમાં જ ડ્રાઇવર પાંચ લાખનું પેકેટ અંદર આપી ગયો. એ દરમિયાન શેઠે વીસ લાખનો ચેક ડૉ. અભિષેક મુન્શીના નામનો લખી આપ્યો.
" ખૂબ ખૂબ આભાર દોશી સાહેબ. મને ખાતરી જ હતી કે તમે મારું માન રાખશો. હવે બોલો પૈસા કેવી રીતે જોઈએ છે. બધા વ્હાઇટ જોઈતા હોય તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ ૭૫ કરોડની રકમ ચેકથી અને બાકીના ૧૫ કરોડ રોકડા રાખીએ તો સારું ! કેશ ના જોઈતી હોય તો એટલી જ કિંમતનાં બિસ્કિટ આપી દઉં. મારા ભાઈનો ઝવેરી બજારમાં ગોલ્ડનો મોટો બિઝનેસ છે." કાબરા શેઠ બોલ્યા.
" હા એ સારું રહેશે. એક કામ કરો. પાંચ કરોડ રોકડા અને બાકીની રકમનાં બિસ્કિટ આપી દેજો. સોનાના ભાવ તો આમ પણ વધતા જ જાય છે. " દોશી સાહેબ બોલ્યા.
" ડન. હવે પછી મારો મેનેજર અગ્રવાલ જ તમારો કોન્ટેક્ટ કરશે. પ્રોપર્ટીના બધા જ પેપર્સ એને આપી દેજો. પ્રોપર્ટી ટ્રાન્સફરનું બધું જ કામ એ સંભાળે છે. જ્યારે જરૂર પડશે ત્યારે એ અહીં આવીને ડોક્ટર સાહેબની સાઇન લઈ લેશે. જે દિવસે રજીસ્ટ્રાર ઓફિસમાં બંગલો મારી કંપનીના નામે ટ્રાન્સફર થાય એ દિવસે ચેક, બિસ્કિટ અને રોકડા બધું એક સાથે મળી જશે. " કાબરા શેઠ બોલ્યા.
" નો પ્રોબ્લેમ. અને બંગલો ખરીદવા બદલ અભિનંદન ! " દોશી સાહેબ બોલ્યા.
" થૅન્ક યુ. ચાલો હવે હું રજા લઉં. તમને મળીને આનંદ થયો. મારા બિઝનેસ કોમ્પ્લેક્સમાં હોસ્પિટલ કે ક્લિનિક બનાવવું હોય તો પણ કહેજો ડૉક્ટર. એરીયા ઘણો સારો છે. " શેઠ બોલ્યા અને અભિષેક સાથે હાથ મિલાવીને બહાર નીકળ્યા. દોશી સાહેબ પણ એમને બહાર સુધી મૂકવા ગયા.
" આ મારવાડી શેઠ જતાં જતાં સારી વાત કરી ગયા. એરીયા ખરેખર સારો છે. આ કોમ્પ્લેક્સમાં એક ફ્લોર ઉપર નાની એવી હોસ્પિટલ બનાવી હોય તો પણ સરસ ચાલે. ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ કરાય." અંદર આવીને દોશી સાહેબ બોલ્યા.
" મને પણ એમની વાત વિચારવા જેવી લાગે છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી શકાય. ડોક્ટરો તો મળી જ રહેશે. મારે તો ખાલી મેનેજમેન્ટ કરવાનું રહેશે." અભિષેક બોલ્યો.
" અને હવે તમારે ગાડી તો લેવી જ પડશે. જો તમને ડ્રાઇવિંગ આવડતું હોય તો કોઈ સવાલ નથી અને ન આવડતું હોય તો જલ્દી શીખી લો. આ કાબરા શેઠની એક કરોડની ગાડી જોઈને મને વિચાર આવ્યો. તમે હવે રિક્ષામાં મુસાફરી કરો એ શોભે નહીં !" દોશી સાહેબ બોલ્યા.
" સાચી વાત છે અંકલ. હજુ સુધી ડ્રાઇવિંગ શીખવાની કોશિશ નથી કરી. કારણ કે એવી જરૂર જ નથી પડી. પરંતુ લાગે છે કે હવે ડ્રાઇવિંગ શીખવું પડશે." અભિષેક હસીને બોલ્યો.
" તમારું એક મોટું કામ બહુ સારી રીતે પતી ગયું. મારા ધાર્યા કરતાં પણ રકમ ઘણી વધારે છે. અગાઉ જે બે બિલ્ડરો આવીને ગયા એ ૭૫ થી આગળ વધતા નહોતા. મેં કાબરા શેઠને ૮૦ થી વધારે આપવાની વાત કરી હતી. " દોશી સાહેબ બોલ્યા.
" અંકલ ખોટું નહીં કહું પણ ખૂબ જ સંઘર્ષમાં મેં એમબીબીએસ કર્યું છે. સોળ કરોડ જેવી રકમ મારા ખાતામાં આવી ત્યારે પણ મને આખી રાત ઊંઘ નહોતી આવી. એટલી બધી ઉત્તેજના હતી કે ના પૂછો વાત ! કાશ મારી મમ્મી આ દિવસો જોવા હયાત હોત !" અભિષેક બોલ્યો.
" સમયના ગર્ભમાં ઘણું બધું છુપાયેલું હોય છે. સમય પાકે ત્યારે બધું બહાર આવે છે. તમારી ગ્રહદશા સુધરી ગઈ. તમે હવે સો કરોડના માલિક થઈ ગયા !" દોશી સાહેબ હસીને બોલ્યા.
" હા અંકલ. મારે હવે ઘણું બધું પ્લાનિંગ કરવું પડશે. જિંદગી આખી બદલાઈ ગઈ છે. " અભિષેક બોલ્યો.
" હા આટલી મોટી રકમ તમારી પાસે આવે છે તો ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ તો તમારે કરવું જ પડશે. " દોશી સાહેબ બોલ્યા.
" એના માટે બોરીવલીમાં જ એક વ્યક્તિનો સંપર્ક મેં કર્યો છે. કરોડોનું વેલ્થ મેનેજમેન્ટ એ કરે છે. સારા સારા ક્લાયન્ટ્સ એમની પાસે છે. નવીનભાઈ શાહ એમનું નામ છે. " અભિષેક બોલ્યો.
" હા હા એમનું નામ જાણીતું છે. એ ઇન્કમટેક્સ પ્રેક્ટિશનર છે. બસ તો હવે પછી તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સારામાં સારું રોકાણ એ વ્યક્તિ કરી આપશે. " દોશી સાહેબ બોલ્યા.
" ચાલો અંકલ હવે હું રજા લઉં. " અભિષેક બોલ્યો.
" ઉભા રહો હું તમને એક નાની બેગ આપું. પાંચ લાખનું આ બંડલ એમાં મૂકી દો. " દોશી સાહેબ બોલ્યા અને અંદર જઈને પ્લાસ્ટિકની નાની કેરી બેગ લઈ આવ્યા.
એ પછી અભિષેક દોશી સાહેબનો આભાર માનીને બહાર નીકળ્યો અને ખીરાનગરની બહાર નીકળીને એણે છેક દહીસર સુધીની રીક્ષા જ કરી લીધી !
" માસી હવે હું જમી લઉં. તમે રોટલી બનાવવાનું ચાલુ કરી દો. " અભિષેક બોલ્યો અને પાંચ લાખનું પેકેટ પોતાની તિજોરીમાં મૂકીને ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ગયો.
બીજા દિવસે કાબરા શેઠનો મેનેજર મનોજ અગ્રવાલ પોતાના એક આસિસ્ટન્ટ એન્જિનિયરને લઈને ખાર લિંકિંગ રોડના બંગલે આખા પ્લોટનું માપ લેવા માટે પહોંચી ગયો.
સિક્યુરિટી ગાર્ડ ત્યાં બેઠેલો જ હતો.
" ગેટ ખોલો. બંગલા હમને ખરીદ લિયા હૈ ઔર અભી પ્લોટ કા નાપ લેના હૈ. " અગ્રવાલ બોલ્યો.
" યે બંગલા આપને ખરીદ લિયા ? " ગાર્ડ બોલ્યો. એને તો એમ જ થયું કે સમીર શેઠે જ આ બંગલાનો સોદો કરી નાખ્યો છે. એની પાસે સાચી માહિતી ન હતી કે આ બંગલો તો અભિષેકનો છે !
ચોકીદારે ગેટ ખોલી નાખ્યો. લગભગ ૨૦ થી ૨૫ મિનિટ સુધી આખા પ્લોટનું તેમજ આખા બંગલાનું ઉપર નીચેનું માપ લઈ લીધું. પ્લોટની લંબાઈ ૧૧૮ ફૂટ અને પહોળાઈ ૬૦ ફૂટ હતી. એટલે કે લગભગ ૪૦ x ૨૦ વારનો લંબચોરસ પ્લોટ હતો. ગેટ પછી ૧૦ ફૂટ જગ્યા છોડીને આગળનો બંગલો ૨૭૫ ચોરસ વાર જગ્યામાં બનાવેલો હતો અને પાછળ ગાર્ડન માટે મોટી જગ્યા છોડી હતી.
"સર આપકા નામ ક્યા ? " સિક્યુરિટી ગાર્ડ બોલ્યો.
" મનોજ અગ્રવાલ. કાબરા શેઠને યે બંગલા ખરીદ લિયા હૈ. યહાં બહોત બડા બિઝનેસ કોમ્પ્લેક્સ બનનેવાલા હૈ. તુમકો અગર સિક્યુરિટીમેં રહેના હો તો હમ તુમકો હી રખ લેંગે." અગ્રવાલ બોલ્યો.
" બહોત મહેરબાની સરજી. નૌકરી કી તો મુજે બહોત જરૂરત હૈ. " ગાર્ડ સલામ કરીને બોલ્યો.
એ લોકો રવાના થઈ ગયા પછી સિક્યુરિટી ગાર્ડે સમીર દલાલને ફોન લગાવ્યો.
" સરજી બંગલા બીક ગયા ઔર આપને મુજે બતાયા ભી નહીં. યે તો બિલ્ડર કા આદમી પ્લોટ કા નાપ લેને આયા થા તો મુજે પતા ચલા." ગાર્ડ બોલ્યો .
" બંગલા બીક ગયા ? યે તુ ક્યા બોલ રહા હૈ ? કૌન આયા થા વહાં ? " સમીર ગુસ્સાથી બોલ્યો. ચોકીદારની વાત સાંભળીને એનું મગજ ચકરાઈ ગયું.
" કોઈ કાબરા શેઠ કે આદમી આયે થે. અગ્રવાલ નામ થા. બંગલે કે પૂરે પ્લોટ કા નાપ લે લિયા. યહાં બિઝનેસ કોમ્પ્લેક્સ બનનેવાલા હૈ. આપકો તો પતા હોગા ના ! " ગાર્ડ બોલ્યો. એને સમીરના સવાલથી થોડું આશ્ચર્ય થયું.
" મુજે કૈસે પતા હોગા ? બાતેં ચલ રહી હૈ અભી બીકા નહીં હૈ. પરંતુ ઉન લોગોં કો તુમને અંદર જાને કૈસે દિયા ? " સમીર ફરી ગુસ્સે થયો.
" અરે સર ક્યાં ઇતના ગુસ્સા હોતે હો ? વો લોગોંને બોલા કી બંગલા બીક ગયા હૈ. મુજે ક્યા પતા કિ બંગલા બીકા હૈ કી નહી બીકા ! " ચોકીદાર બોલ્યો.
સમીરે ગુસ્સાથી ફોન કટ કરી દીધો. કાબરા શેઠનું તો બિલ્ડર તરીકે મુંબઈમાં બહુ મોટું નામ છે. એમની સામે તો પડી શકાય એમ છે જ નહીં. બધા જ પેપર્સ પેલા ડોક્ટર અભિષેક પાસે છે એટલે એણે સોદો કરી નાખ્યો લાગે છે. મારે હવે એને જ શોધવો પડશે.
સમીર દલાલ ભયંકર અપસેટ થઈ ગયો હતો. બંગલો વેચાઈ ગયો ત્યાં સુધી એને કોઈ ગંધ પણ ના આવી. પોતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મંગાવતો ન હોવાથી દોશી અંકલે બંગલાના વેચાણની એમાં જે જાહેરાત આપી એ એના ધ્યાનમાં નહોતું આવ્યું નહીં તો એ પોતે જ પંદર દિવસ સુધી બંગલા ઉપર અડ્ડો જમાવીને બેસી ગયો હોત !
હવે આ અભિષેકને શોધવો કઈ રીતે ? આવડા મોટા મુંબઈમાં એ કઈ હોસ્પિટલમાં હશે એ કેવી રીતે ખબર પડે ? એ ક્યાં રહે છે એની પણ ખબર નથી !
સમીર એડવોકેટ દોશીને નામથી જાણતો હતો અને એમનો ફોન નંબર પણ એની પાસે હતો. વનિતા દલાલના મૃત્યુના ત્રણ મહિના પછી દોશી અંકલે એક એડવોકેટ તરીકે આ બંગલાના ગેટ ઉપર નોટિસ બોર્ડ મૂકી દીધું હતું કે:
# આ બંગલાનો સંપૂર્ણ માલિકી હક્ક વનિતા દલાલના વીલ પ્રમાણે ડૉ. અભિષેક મુન્શીનો બને છે. એના સિવાય બીજી કોઈપણ વ્યક્તિ આ બંગલો વેચી શકશે નહીં કે ભાડે પણ આપી શકશે નહીં. જેને પણ બંગલો ખરીદવામાં રસ હોય એમણે એડવોકેટ દોશીનો સંપર્ક કરવો #
આ બોર્ડમાં નીચે દોશી સાહેબનો ફોન નંબર લખેલો હતો. એટલે સમીર દલાલ પાસે દોશી સાહેબનો ફોન નંબર તો હતો. સમીરે એ નોટિસ બોર્ડ તો ઉખાડીને ફેંકી દીધું હતું અને એની જગ્યાએ - આ બંગલો વેચવાનો છે - એવું એક નાનું નોટિસ બોર્ડ ગેટ ઉપર લટકાવીને પોતાનો એક સિક્યુરિટી ગાર્ડ મૂકી દીધો હતો. પરંતુ એણે કરેલા આ બધા પ્રયત્નો વ્યર્થ ગયા.
હવે એ જો અભિષેકનો સંપર્ક કરવા માટે દોશી સાહેબનો કોન્ટેક્ટ કરે તો દોશી સાહેબ હજાર સવાલ પૂછે કારણ કે એ વનિતા આન્ટીના વકીલ હોવાથી સમીર વિશે જાણતા જ હોય !
સમીર દલાલ બરાબર નો મૂંઝાઈ ગયો હતો. છેવટે એણે એક ડિટેક્ટિવ રોકીને ડૉ. અભિષેક મુન્શીનો પત્તો લગાવવાનું નક્કી કર્યું !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)