Abhishek - 1 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | અભિષેક - ભાગ 1

Featured Books
Categories
Share

અભિષેક - ભાગ 1

*અભિષેક* પ્રકરણ 1

અમદાવાદથી યોગનગરી એક્સપ્રેસ બરાબર એના સમય પ્રમાણે જ સવારે ૧૦:૪૫ વાગે ઉપડયો. અભિષેકે અમદાવાદથી ઋષિકેશ સુધીનું રિઝર્વેશન પણ મુંબઈથી જ કરાવેલું હતું એટલે બીજી કોઈ ચિંતા નહોતી અને વિન્ડો ટિકિટ પસંદ કરેલી જેથી મુસાફરીનો પૂરો આનંદ માણી શકાય. આ ટ્રેઈનમાં મોટાભાગે ગુજરાતીઓ જ વધારે પ્રવાસ કરતા.

અભિષેક ગઈકાલે રાત્રે જ મુંબઈથી અમદાવાદ આવી ગયો હતો અને સ્ટેશનની સામેની એક હોટલમાં રાત રોકાયો હતો. આમ તો અમદાવાદમાં ખાડિયા ગોટીની શેરીમાં એનાં સગાં ફોઈ રહેતાં હતાં પરંતુ અત્યારે મમ્મીનાં અસ્થિ લઈને એ ઋષિકેશ જઈ રહ્યો હતો એટલે ફોઈના ઘરે જવાની એની ઈચ્છા ન હતી. 

અભિષેકની વહાલસોઈ મમ્મી એક મહિના પહેલાં જ હાર્ટ એટેકથી ૬૫ વર્ષની ઉંમરે આ દુનિયા છોડીને જતી રહી હતી. અભિષેક તે દિવસે ખૂબ જ રડ્યો હતો. આમ અચાનક જ મમ્મી વિદાય લેશે એવી એને કોઈ કલ્પના જ ન હતી. એ જ્યારે ૧૫ વર્ષનો હતો ત્યારે પપ્પા ગુજરી ગયેલા અને અત્યારે એની ઉંમર ૨૬ વર્ષની થઈ ગઈ હતી ! મમ્મી જ એની દુનિયા બની ગઈ હતી ! 

અભિષેક એમબીબીએસ થયો હતો. એમ.ડી કરવાની એની ઘણી ઈચ્છા હતી પરંતુ સરકારી કોટામાં એને એડમિશન ના મળ્યું અને પ્રાઇવેટ કોલેજોમાં ૩૫ ૪૦ લાખ ડોનેશન આપવાની એની કોઈ હેસિયત ન હતી.  

પોતાનું પ્રાઇવેટ ક્લિનિક ખોલવા માટે પણ એની પાસે કોઈ મોટી મૂડી ન હતી. એટલે છેલ્લા બે વર્ષથી એણે બોરીવલીની એક ટ્રસ્ટ હોસ્પિટલમાં રેસીડેન્ટ મેડિકલ ઓફિસરની જોબ સ્વીકારી લીધી હતી. દહીસરથી બોરીવલી આમ પણ બહુ દૂર ન હતું ! 

દોઢ લાખ રૂપિયાનો પગાર એને મળતો હતો પરંતુ ભણવા માટે કરેલું દેવું ચૂકવવામાં આ બે વર્ષમાં એ માંડ આઠ લાખ જેટલી બચત કરી શક્યો હતો ! 

અભિષેક લોન લઈને પોતાની ગાડી લઈ શકતો હતો. પરંતુ મુંબઈ જેવા ગીચ શહેરમાં ટ્રાફિકના અને પાર્કિંગના પ્રોબ્લેમ બહુ હતા એટલે એ લોકલ ટ્રેનમાં જ અપડાઉન કરતો. દહીસરથી બોરીવલી માત્ર એક જ સ્ટેશન દૂર હતું. ઘણીવાર તો એ રીક્ષા જ કરી લેતો. 

અમદાવાદ સ્ટેશનથી યોગનગરી એક્સપ્રેસ ટ્રેનમાં થ્રી ટાયર એસીના કોચમાં અભિષેક વિન્ડો પાસે જ બેઠો હતો. એના જ કમ્પાર્ટમેન્ટમાં ચાર સભ્યોનું એક ફેમિલી ગોઠવાઈ ગયું હતું. 

એની બરાબર સામેની બર્થ ઉપર વિન્ડો પાસે એ પરિવારની ૨૪ ૨૫ વર્ષની દીકરી, એની બાજુમાં વચ્ચેના ભાગે પ્રૌઢ ઉંમરનાં આન્ટી અને છેલ્લે ૧૫ ૧૬ વર્ષની ઉંમરનો એમનો દીકરો બેઠાં હતાં.    

અભિષેકની બિલકુલ બાજુમાં ૬૦ વર્ષની ઉંમર વટાવી ગયેલા અંકલ બેઠા હતા તો એની જ બર્થ ઉપર છેલ્લે આધેડ વયના ભગવાં વસ્ત્ર ધારણ કરેલા એક સાધુ મહાત્મા બેઠા હતા. જો કે સામાન્ય સાધુ કરતાં એ સંન્યાસી જેવા વધારે લાગતા હતા !  

"તમારે ભાઈ હરિદ્વાર જવાનું ?" પેલાં આન્ટીએ ટ્રેઈન ઉપડી કે તરત જ અભિષેક સામે જોઈને સવાલ કર્યો. 

"ના માસી ટિકિટ તો ઋષિકેશની લીધી છે." અભિષેકે હસીને કહ્યું.

"હા પણ હરિદ્વાર સુધી તો સાથે ખરા જ ને ? જાત્રાએ જતા હશો કાં ?" આન્ટીએ ફરી પાછું કાઠીયાવાડી લહેકામાં પૂછ્યું. 

" મમ્મી તારે આ બધી શું પંચાત છે ?" આન્ટીની બાજુમાં બેઠેલી યુવતીએ સહેજ છણકાથી મમ્મીને ચૂપ કરી. 

" અરે બેટા અજાણ્યા મલકમાં જતાં હોઈએ તો કોઈની ઓળખાણ રાખવી સારી. ગુજરાતી માણસ આપણું પોતાનુ ગણાય." માસીએ દીકરીને પોતાની ફિલોસોફી સમજાવી. 

" તે ભાઈ હરિદ્વારમાં આપણી ગુજરાતી ધર્મશાળા તો હશે જ ને ? " આન્ટીએ ફરી પાછી વાત ચાલુ કરી. 

" હા માસી ઘણી બધી ગુજરાતી ધર્મશાળાઓ હરિદ્વારમાં છે. ચારધામ યાત્રાનું આ મુખ્ય મથક હોવાથી અહીં ધર્મશાળાઓનો તોટો નથી. સ્ટેશનથી થોડેક જ દૂર ગુજરાતી ધર્મશાળા છે." અભિષેકે જવાબ આપ્યો. 

" જો હું કહેતી'તી ને ? ઓળખાણથી ઘણો ફરક પડે. આ ભાઈને બધી ધર્મશાળાઓની ખબર છે" આન્ટીએ એમની દીકરીને કહ્યું. 

અભિષેકને મનમાં હસવું આવ્યું કારણ કે આ બધી તપાસ એણે ગઈકાલે રાત્રે હોટલમાં બેસીને ગૂગલમાં કરેલી. 

અભિષેકની સામે બારીની પાસે બેઠેલી એમની દીકરી સાવ શૂન્યમનસ્ક હતી. એના ચહેરા પર નીરસતા અને ઉદાસીનતા સ્પષ્ટ વંચાતી હતી. આન્ટી બોલકાં હતાં. અભિષેકની બાજુમાં બેઠેલા અંકલ બહુ ઓછું બોલતા હોય એમ લાગ્યું. 

એ પછી થોડો સમય શાંતિ રહી. હવે પછીનું સ્ટેશન સિધ્ધપુર આવવાનું હતું એટલે આન્ટી બોલ્યાં. 

" અહીં સિદ્ધપુરના મગસના લાડુ બહુ જ પ્રખ્યાત છે. એકદમ ચોખ્ખા ઘીમાંથી બનાવે છે. મને રસિલાબહેને ખાસ કહેલું કે રસ્તામાં સિધ્ધપુર આવે ત્યાંથી થોડા લાડુ લેતાં જજો. યાત્રામાં કામ આવશે." આન્ટી અંકલની સામે જોઈને બોલ્યાં. 

સિધ્ધપુર આવ્યું એટલે અંકલ નીચે ઉતરીને પ્લેટફોર્મ ઉપરથી એક કિલો મગસ લઈ આવ્યા અને આન્ટીના હાથમાં મૂક્યા. નાસ્તાનો એક અલગ થેલો આન્ટીએ બનાવેલો. એમાં એ પેકેટ મૂકી દીધું. 

સિધ્ધપુરથી ટ્રેઈન ઊપડયા પછી આન્ટીએ જમવાની તૈયારીઓ શરૂ કરી. બપોરના બાર વાગી ગયા હતા. આન્ટીએ થેલામાંથી ચાર પેપર ડીશો કાઢી અને નાસ્તાના બે ત્રણ ડબ્બા પણ બહાર કાઢ્યા. થેપલાં, છૂંદો, ગાંઠીયા, બટેટાની સૂકીભાજી અને દહીં ! દરેક ડીશમાં આ બધું ગોઠવતાં ગયાં. 

"સૌરાષ્ટ્રના લોકોને ફાફડા ગાંઠિયા વગર ના ચાલે કેમ માસી ?" અભિષેક બોલ્યો.  

" હા ભાઈ. ઈ વાત હાવ હાચી કહી. બારે ય મહિના અમારે ગાંઠિયા તો જોઈએ જ. અમારા ભાવનગરના ગાંઠીયા પ્રખ્યાત પણ બહુ હોં ! " આન્ટી ઉત્સાહથી બોલ્યાં. અને એ લોકોએ જમવાનું ચાલુ કરી દીધું. 

અભિષેકે સમય પસાર કરવા પોતાની સાથે લાવેલી નોવેલ વાંચવાનું ચાલુ કર્યું. એને વાંચનનો ખૂબ જ શોખ હતો અને જ્યારે પણ લાંબી મુસાફરી કરવાની હોય ત્યારે કોઈને કોઈ નોવેલ સાથે રાખતો. 

" અરે ભાઈ તમે પણ અમારી ભેગા બેહી જાવ ને ! " એકાદ કોળીયો ખાધા પછી આન્ટીનું ધ્યાન અભિષેક તરફ ગયું. 

" ના ના માસી તમે લોકો જમી લો. ટ્રેઈનમાં જમવાનું મળે જ છે. હું પણ લઈ લઈશ." અભિષેક બોલ્યો. 

" અરે ભલા માણસ શરમાવાની કોઈ જરૂર નથી. ઘરનું એ ઘરનું " આ વખતે પહેલીવાર બાજુમાં બેઠેલા અંકલ બોલ્યા. 

"એમને પણ એક ડીશ આપી જ દો" અંકલે આન્ટીને કહ્યું. 

આ બધી ચર્ચા દરમિયાન એમની દીકરી જમતી વખતે પણ સતત બારીની બહાર જોઈ રહી હતી. એને જાણે આ બધી બાબતોમાં કોઈ રસ જ ન હતો.

આન્ટીએ અભિષેકને ત્રણ થેપલાં, સૂકી ભાજી, છૂંદો, ગાંઠિયા, દહીં અને થોડો મગસ કાઢીને ડીશમાં આપ્યાં. 

" થેપલાં ખૂબ સરસ બન્યાં છે. મારી મમ્મી પણ બસ આવાં જ સુંદર થેપલાં બનાવતી. ઘઉં બાજરીના મિક્સ લોટમાં મેથીની ભાજી ઉમેરી એટલાં બધાં સોફ્ટ થેપલાં બનાવતી કે મોઢામાં જ ઓગળી જાય." અભિષેક મમ્મીની યાદમાં ખોવાઈ ગયો. 

" બનાવતી એટલે ? અત્યારે તમારાં મમ્મી તમારી સાથે નથી ? " આન્ટીએ ગંભીર થઈને પૂછ્યું. 

" ના માસી. એક મહિના પહેલાં જ હાર્ટ એટેકમાં મમ્મી દેવલોક થઈ ગયાં. અત્યારે હું એમનાં અસ્થિ ગંગા નદીમાં પધરાવવા માટે જ ઋષિકેશ જઈ રહ્યો છું. " અભિષેક બોલ્યો. 

" ઓહ્...એટલા માટે જ મુંડન કરાવ્યું લાગે છે. સાંભળીને બહુ દુઃખ થયું. ને ભાઈ ગંગા તો હરિદ્વારમાં પણ છે. અમારી ભેગા જ હાલો ને !" આન્ટી બોલ્યાં. 

" ના માસી. મમ્મીની ઈચ્છા એકવાર ઋષિકેશ યાત્રા કરવાની હતી. જીવતાં તો તે ના જઈ શક્યાં તો કમ સે કમ અસ્થિ તો ત્યાં પધરાવું ! " અભિષેક બોલ્યો. 

" તમારા વિચારો ઘણા ઉમદા છે. આજ કાલની પેઢી આવું બધું ક્યાં વિચારે છે ? તમે મમ્મીની ઈચ્છા જરૂર પૂરી કરી આવો. " અંકલ બોલ્યા. 

" તે ભાઈ તમે અમદાવાદમાં જ રીયો છો ? " આન્ટી બોલ્યાં. 

" ના માસી હું મુંબઈ દહીંસર રહું છું. કાલે રાત્રે જ કર્ણાવતીમાં અમદાવાદ આવ્યો અને આજ સવારથી આ ટ્રેન પકડી." અભિષેક બોલ્યો. 

" અમારા એક સંબંધી પણ દહીસર રહે છે. રમણીકલાલ એમનું નામ. એમનાં પત્નીનું નામ સરલાબેન. ચશ્મા ની દુકાન છે એમની. " માસી બોલ્યાં. 

" મમ્મી મમ્મી... હવે બસ કર. એ તારા ભાવનગરમાં નથી રહેતા. મુંબઈ રહે છે. પાડોશમાં કોણ રહે છે એની પણ ત્યાં કોઈને ખબર ના હોય ! " હવે પેલી યુવતી થોડી ગુસ્સાથી બોલી. 

" બોલવા દો ને એમને ! મને તો મજા આવે છે. બાય ધ વે. તમારું નામ જાણી શકું ? " અભિષેક યુવતીની સામે જોઈને બોલ્યો. 

"પ્રિયલ નામ છે એનું. પણ અમે બધા ઘરમાં પ્રિયા જ કહીએ છીએ " પ્રિયલ જવાબ આપે એ પહેલાં આન્ટી જ બોલી ઊઠયાં. 

" હમ્...." અભિષેક બોલ્યો. એણે બીજો કોઈ સવાલ ના કર્યો અને ફરી નોવેલ હાથમાં લીધી. હજુ બીજા ૨૪ કલાક પસાર કરવાના હતા. 

સાંજે પણ જમવામાં એ જ ભોજન હતું પણ અભિષેકે વિવેકપૂર્વક ના પાડી અને ટ્રેઈનમાં જમવાનો ઓર્ડર આપ્યો. 

રાત્રે લગભગ નવ વાગે પોતપોતાની સ્લીપિંગ બર્થ ઉપર બધાં સૂઈ ગયાં. સંન્યાસી મહાત્માએ અભિષેકને ઉંમરના કારણે નીચેની બર્થ પોતાને આપવા વિનંતી કરી. એ ગુજરાતીમાં બોલ્યા હતા. 

" જી સ્વામીજી. તમે નીચે જ સૂઈ જાઓ. હું સૌથી ઉપરની બર્થ ઉપર સૂઈ જઈશ." અભિષેક આદરપૂર્વક બોલ્યો અને એ ઉપરની બર્થ ઉપર જતો રહ્યો.

અભિષેક સવારે છ વાગે જ જાગી ગયો હતો પરંતુ બીજા બધા સૂઈ ગયા હતા એટલે એ પણ સૂતો જ રહ્યો. 

સવારે ૭ વાગે મેરઠ સ્ટેશન આવ્યું ત્યાં સુધીમાં બધા જાગી ગયા હતા એટલે અભિષેકે બધાં માટે ચા મંગાવી. આન્ટીએ અભિષેકને નાસ્તા માટે પૂછ્યું પણ એને આદત નહોતી એટલે એણે ના પાડી. 

હજુ લગભગ ચાર કલાકનો સમય કાઢવાનો હતો. મૂંગા મૂંગા બેસીને કંટાળો પણ આવતો હતો એટલે અભિષેકે વાત ચાલુ કરી.

" માસી અત્યારે હરિદ્વાર કેમ જાઓ છો ? મોટાભાગે લોકો વેકેશનમાં ફરવા જતા હોય છે અને અત્યારે ઓગસ્ટ મહિનામાં તો વરસાદની સિઝન છે " અભિષેક બોલ્યો. 

" ના ભાઈ અમે ફરવા નથી જતા. અમારા ગુરુજીનાં દર્શન કરવા જઈએ છીએ. તમને હવે અમારા દુઃખની શું વાત કરવી ? ખાસ તો અમારી પ્રિયા માટે ગુરુજીના આશીર્વાદ લેવા છે !! બચાડી બહુ દુઃખી થઈ ગઈ છે ભાઈ !! ડિપ્રેશનમાં આવી ગઈ છે." બોલતાં બોલતાં આન્ટીની આંખમાં પાણી આવી ગયાં.

જો પ્રિયલ બેઠી હોત તો કદાચ માસીએ આ વાત ના કાઢી હોત પણ એ ફ્રેશ થવા ગઈ હતી એટલે માસી છૂટથી વાત કરી શકતાં હતાં. 

" તમારા ગુરુજી નું નામ હું જાણી શકું ?" અભિષેકે પૂછ્યું. 

" શ્રી રામ શર્મા આચાર્ય. " આન્ટી બોલ્યાં. 

" પણ તો પછી એમના શાંતિકુંજ આશ્રમમાં જ તમે રોકાજો ને ! તમારે બીજી ગુજરાતી ધર્મશાળા શોધવાની જરૂર જ નથી. " અભિષેક બોલ્યો. 

" અમે ભાવનગરથી ફોન કર્યો હતો ભાઈ પરંતુ અત્યારે ચાતુર્માસ ચાલે છે અને એમાં પાછો શ્રાવણ મહિનો ! એટલે આખો આશ્રમ ફૂલ છે. ન્યાં જગ્યા જ નથી." આન્ટી બોલ્યાં. 

" હમ્.. તમે લોકો શાંતિકુંજ શ્રી રામ શર્મા આચાર્યજીના આશીર્વાદ લેવા જાઓ છો પરંતુ એ તો અત્યારે હયાત નથી !" અભિષેક બોલ્યો. 

" અરે ભઈલા ગુરુજી તો અત્યારે પણ ત્યાં હાજર જ હોય છે ! મેં અને પ્રિયાના પપ્પાએ વર્ષો પહેલાં અમારા ભાવનગરમાં એમની દીક્ષા લીધી હતી. અમારી ઉપર તો એમની બહુ જ કૃપા છે ! " માસી બોલ્યાં. 

" પ્રિયલ નથી એટલે પૂછું છું. તમને જો વાંધો ના હોય તો હું ડિપ્રેશનનું કારણ જાણી શકું ? જો બહુ અંગત ના હોય તો !! " અભિષેક બોલ્યો.  

" હવે એમાં અંગત જેવું શું હોય ભાઈ ? છોકરીનાં નસીબ બહુ કાઠાં છે ! એકવાર એનું હગપણ કર્યું. એક વરસ બે જણ હર્યાં ફર્યાં અને પછી વેવિશાળ તૂટી ગયું. બીજીવાર એનાં લગન એક પૈસાદાર કુટુંબમાં થયાં પણ અમારી સાથે બહુ મોટી છેતરપીંડી થઈ ભાઈ ! " વાત કરતાં કરતાં આન્ટીની આંખમાં પાણી આવી ગયાં. 

" તમને શું કહું ભાઈ !! છોકરો માણહ માં જ નહોતો.... બોલો ! એનામાં આટલી મોટી ખામી હતી તોય મારી છોકરીની જિંદગી એણે બગાડી. અને આ બધી બાબતોની અમને થોડી ખબર પડે ? લગન થયાં એટલે ખબર પડી." આન્ટી બોલ્યાં. 

" છોકરી ચાર જ દિવસમાં કાયમ માટે પાછી આવી ગઈ. વેવાઈએ સમાજની બીકે પાંચ લાખ આપીને ઘર મેળે પતાવ્યું. સામસામે લખાણ લઈને છૂટું કરી દીધું. પૈસાને શું કરવાના ભાઈ ? છોકરી બચાડી લેવાદેવા વગર દુઃખી દુઃખી થઈ ગઈ . એકવાર તો ઉંઘની ગોળીઓ પણ લઈ લીધી પણ સમયસર અમને ખબર પડી એટલે બચી ગઈ. " આન્ટી બોલતાં હતાં. 

"છ મહિના થયા એ વાતને. પણ હજુ સુધી એ ગુમસુમ જ રહે છે. કોઈની પણ સાથે વાત નથી કરતી. ગુરુજીના આશીર્વાદ મળે તો કોઈ સારો મુરતિયો એને મળે. કોઇ વાંક ગુના વગર બચાડી આ ઉંમરે આટલી હેરાન થઈ." અને આન્ટીની આંખો છલકાઈ ગઈ. 

એ પછી પ્રિયલ આવી ગઈ એટલે એ વાત બંધ થઈ ગઈ. 

" તમારે ભાઈ કદી ભાવનગર બાજુ આવવાનું થાય છે ? જો આવવાનું થાય તો ચિત્રા પેટ્રોલપંપ પાસે ગાયત્રી નગર સોસાયટીમાં અમે લોકો રહીએ છીએ. મને આખી સોસાયટી ઓળખે. ભાવનાબેન નામ આપો એટલે તમને છેક મારા ઘર સુધી મૂકવા આવે ! " આન્ટી બોલ્યાં. 

" આમ તો ભાવનગર આવવાની શક્યતા ઘણી ઓછી છે છતાં આવીશ તો તમારું નામ યાદ રાખીશ માસી. " અભિષેક બોલ્યો.  

સાડા અગિયાર વાગે હરિદ્વાર આવી ગયું. અભિષેકે આન્ટીને કહી દીધું કે ગુજરાતી ધર્મશાળા સારી છે અને નજીકમાં જ છે. ત્યાં જમવાનું પણ મળે છે. ગાડી ૧૦ મિનિટ રોકાતી હોવાથી અભિષેક પણ હરિદ્વારની રોનક જોવા માટે નીચે ઉતર્યો અને સ્ટેશનની બહાર જઈને લટાર મારી આવ્યો. પેલા સાધુ મહાત્મા હવે અભિષેકની બરાબર સામેની બર્થ ઉપર બારીની પાસે બેસી ગયા હતા. 

હરિદ્વારથી ટ્રેઈન લગભગ ખાલી જેવી જ હતી. અભિષેકના કમ્પાર્ટમેન્ટમાં અભિષેક, પેલા સંન્યાસી મહાત્મા અને ત્રીજી એક આધેડ ઉંમરની વ્યક્તિ સાઈડની સિંગલ સીટ ઉપર બેઠી હતી. 

જમવાનો ટાઈમ હતો એટલે એણે ટ્રેઈનમાં જ જમવાનું મંગાવવાનો વિચાર કર્યો. અભિષેકને અચાનક યાદ આવ્યું કે આ સન્યાસી મહાત્મા તો ગઈકાલે આખો દિવસ જમ્યા ન હતા. ચા પણ પીધી ન હતી કે ન પાણી પીધું હતું. આ રીતે માણસ કઈ રીતે રહી શકે ? 

" સ્વામીજી આપકે લિયે ભી મૈં ખાના ઓર્ડર કરું કયા ? " અભિષેક બોલ્યો.

" બેટા હું તારી ભાષા સમજી શકું છું અને બોલી પણ શકું છું. હું બધી ભાષાઓથી પર છું. સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થયા પછી આખી દુનિયાની ભાષા સમજી પણ શકાય છે, બોલી પણ શકાય છે. વાણી એ તો માત્ર માધ્યમ છે. અને હા મારે ખાવા પીવાની કોઈ જરૂરિયાત હોતી જ નથી ! હું ભૂખ અને તરસથી પણ પર છું " સાધુ મહાત્મા બોલ્યા. જો કે અભિષેક એમની વાત સમજી શક્યો નહીં.

મહાત્માની વાત સાંભળીને અભિષેકને આશ્ચર્ય થયું. ખાધા પીધા વગર માણસ કઈ રીતે જીવી શકે ? 

" સ્વામીજી તમે બિલકુલ ભોજન લેતા જ નથી ? પાણી પણ નથી પીતા ? " અભિષેક બોલ્યો. 

" એવું નથી. શરીર મારા વશમાં છે બેટા. હું જ્યાં સુધી ના ઇચ્છું ત્યાં સુધી મને ભૂખ અને તરસ લાગતી નથી. શરીર ટકાવવા માટે મને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે સામેથી મને ભોજન અને પાણી મળી જાય છે. હું હિમાલયમાં રહું છું જ્યાં કંઈ જ મળતું નથી." સાધુ મહાત્મા બોલ્યા..

સન્યાસીની વાતોથી અભિષેકને ખૂબ જ નવાઈ લાગી રહી હતી. જિંદગીમાં પહેલીવાર એ આવા કોઈ સાધુને મળી રહ્યો હતો. 

" તને તો ભૂખ લાગી છે ને ? શું ખાવાની ઈચ્છા છે બોલ." સન્યાસી બોલ્યા. 

" ના ના સ્વામીજી. હું જમવાનો ઓર્ડર આપી દઉં છું. હમણાં દસ જ મિનિટમાં આવી જશે. " અભિષેક બોલ્યો. 

" પરંતુ હું તો તને એક મિનિટમાં જ ભોજન પીરસી શકું છું. " સન્યાસી મહાત્મા હસીને બોલ્યા. 

અને એ સાથે જ સાઈડની સિંગલ સીટ ઉપર બેઠેલો પેસેન્જર ઉભો થઈને બાજુના ખાલી કમ્પાર્ટમેન્ટમાં જતો રહ્યો. 

એ પછી સ્વામીજીએ પોતાના બંને હાથ લાંબા કર્યા તો હાથમાં પતરાળી આવી ગઈ. એમાં ચાર મોટી પુરી, બટેટાની સૂકી ભાજી અને પડીયામાં દહીં આવી ગયાં. 

" આ પ્રસાદ તારા માટે છે બેટા. જમી લે." સન્યાસીએ પતરાળી અભિષેકના હાથમાં આપી. 

અભિષેક તો આ બધું જોઈને અવાક થઈ ગયો. ચમત્કારો આજે પણ બને છે એવું સાંભળ્યું હતું. પરંતુ એના જીવનમાં આ પહેલો ચમત્કાર એણે જોયો. 

મહાત્માના આદેશને એ અવગણી શક્યો નહીં. એણે જમવાનું ચાલુ કર્યું. ભોજન ખરેખર બહુ જ સ્વાદિષ્ટ હતું. ભોજન જમ્યા પછી એને ખૂબ જ તૃપ્તિનો અનુભવ થયો. એવું લાગતું હતું કે જાણે સાંજે પણ જમવાની જરૂર નહીં પડે. 

અભિષેકે જમી લીધું કે તરત જ પતરાળી અને પડિયો એના હાથમાંથી અદ્રશ્ય થઈ ગયાં. 

" હવે પાણી પીવું છે ને ? " મહાત્મા હસીને બોલ્યા. 

" પાણીની બોટલ તો મારી પાસે છે. હું પી લઉં છું." અભિષેક બોલ્યો અને એણે પાણીની બોટલ હાથમાં લીધી. 

પરંતુ એના આશ્ચર્ય વચ્ચે એણે ઘણું બધું પાણી પી લીધું હોય એવી તૃપ્તિનો એને અનુભવ થયો. પાણીની બોટલ એના હાથમાં જ રહી ગઈ. 

" પાણી પી લીધું ને ? " સાધુ મહાત્મા હસીને બોલ્યા. 

" જી સ્વામીજી. " અભિષેક બોલ્યો તો ખરો પરંતુ એનું મગજ ચકરાવે ચઢી ગયું હતું. આ અનુભવ સાચો હતો કે પોતે સપનામાં હતો !! 

ઘટના એવી બની હતી કે અભિષેક લગભગ વિચારશૂન્ય થઈ ગયો હતો. હવામાંથી ભોજન આવ્યું હતું અને પાછું અદ્રશ્ય પણ થઈ ગયું હતું ! વગર પીધે પાણી પીવાની તૃપ્તિ થઈ ગઈ હતી !! 

એ પછી સંત મહાત્માએ અભિષેક ઉપર જાણે મોહિની વિદ્યાનો જાદુ કર્યો હોય એમ છેક ઋષિકેશ આવી ગયું ત્યાં સુધી ના અભિષેકે કોઈ સવાલ કર્યો કે ના મહાત્માજી કંઈ પણ બોલ્યા ! 

સાડા બાર વાગે ઋષિકેશ આવી ગયું એટલે આખી ટ્રેઈન ખાલી થઈ ગઈ. અભિષેક પોતાની ટ્રાવેલિંગ બેગ લઈને નીચે ઉતર્યો અને એની પાછળ પાછળ પેલા સંત મહાત્મા પણ નીચે ઉતર્યા. 

નીચે ઉતર્યા પછી અભિષેકને શું સૂઝ્યું કે એણે નીચા નમીને મહાત્માજીના ચરણસ્પર્શ કર્યા. 

" બસ તને તારી સાચી ઓળખ થઈ જાય બેટા. ઋષિકેશ સુધી આવ્યો જ છે તો અહીં બદ્રીનાથ રોડ ઉપર સ્વામી નિર્મલાનંદની કુટીર છે. દર્શન કરવા ત્યાં જરૂર જઈ આવજે." મહાત્માજી બોલ્યા. 

" જી સ્વામીજી. હું ચોક્કસ જઈ આવીશ. મારી મમ્મીનાં અસ્થિ ગંગાજીમાં પધરાવવા સિવાય અહીં બીજું કોઈ કામ પણ નથી." અભિષેક બે હાથ જોડીને બોલ્યો. 

" અસ્થિની સાથે સાથે તારી મમ્મી પણ અહીં સુધી આવી છે. તારી પાછળ જ ઉભી છે. એના માટે અહીં ગંગા કિનારે પિંડદાન અને શ્રાદ્ધ જરૂર કરજે." સંન્યાસી મહાત્મા બોલ્યા. 

સન્યાસીની વાત સાંભળીને અભિષેક ચમકી ગયો. મૃત્યુ પામેલી મમ્મી મારી સાથે ઋષિકેશ આવી છે !!!

અભિષેકે ચમકીને પાછળ જોયું અને એ સાથે જ મહાત્માજી અદ્રશ્ય થઈ ગયા ! 
                                      ક્રમશઃ 
અશ્વિન રાવલ (અમદાવાદ)