અભિષેક પ્રકરણ 7
" મારે તમને એક દિવ્ય વ્યક્તિ પાસે લઈ જવા પડશે. તમે તૈયાર છો ? " થોડીવાર પછી ધ્યાનમાંથી બહાર આવીને ઋષિકેશ અંકલ બોલ્યા.
" જી બિલકુલ તૈયાર છું. મને તો હવે આવી બધી બાબતોમાં બહુ જ રસ પડવા લાગ્યો છે અંકલ. ઋષિકેશ ગયા પછી મને જે પણ અનુભવો થયા છે એ બધા કલ્પનાતિત છે." અભિષેક બોલ્યો.
" ઠીક છે તો પછી હું કાલે સવારે મારા એ ગુરુજી સાથે વાત કરી લઉં છું. મેં ગાયત્રી મંત્રની દીક્ષા તો શાંતિકુંજમાં લીધેલી છે પરંતુ યોગેશભાઈ વ્યાસને હું મારા ગુરુજી માનું છું. એ ગુરુતુલ્ય વ્યક્તિ જ છે ! એમને બધા યોગીજી તરીકે જ ઓળખે છે. એ સંસારી હોવા છતાં પણ સિદ્ધ મહાત્મા છે. " ઋષિકેશ અંકલ બોલ્યા.
" જી ચોક્કસ અંકલ. મારે એમને મળવું જ છે. " અભિષેક ઉત્સાહમાં આવીને બોલ્યો.
" હનુમાનજીનો એમને સાક્ષાત્કાર થયેલો છે અને હનુમાન દાદા એમને પ્રત્યક્ષ છે ! મેં ધ્યાનમાં તમારા વિશે થોડું તો જોઈ લીધું છે છતાં હજુ કેટલીક બાબતો મને સ્પષ્ટ થતી નથી. અને યોગીજી જે જોઈ શકશે એ હું નહીં જોઈ શકું. એ કોઈના પણ પૂર્વ જન્મને જોઈ શકે છે. જે લોકો આધ્યાત્મિક માર્ગે હોય એમને જ એ મળે છે. " અંકલ બોલ્યા.
" જી તમે વાત કરી લેજો. તમે જ્યારે કહેશો ત્યારે હું આવવા તૈયાર છું." અભિષેક બોલ્યો.
" આપણે સિક્કાનગર ઉત્કર્ષ ફ્લેટમાં જવાનું છે. યોગીજી ત્યાં પાંચ નંબરના ફ્લેટમાં રહે છે. કાલે સવારે વાત થઈ જાય પછી આપણે કાલે સાંજે અથવા પરમ દિવસે જઈ આવીએ. અત્યારે વાત કરવા માટે ઘણું મોડું થઈ ગયું છે. એ સવારે ત્રણ વાગે ઉઠી જાય છે પછી બે ત્રણ કલાક ધ્યાનમાં જ હોય છે." અંકલ બોલ્યા.
આ બધી વાતો પૂરી થઈ ત્યાં સુધીમાં શિવાની અને અનેરી જમીને બહાર આવી ગયાં.
" શું વાતો ચાલે છે અમારાથી ખાનગી ખાનગી ! " શિવાની બોલી.
" તારાથી ખાનગી કશું હોય જ નહીં ને બેટા ! સત્સંગ સિવાય અમારી પાસે બીજી કોઈ સંસારી વાતો ના હોય. " અંકલ હસીને બોલ્યા.
" અત્યારથી અભિષેકને સન્યાસી ના બનાવી દેશો. હજુ તો સંસારમાં એમણે પગ પણ નથી મૂક્યો. " શિવાની બોલી.
" પ્રારબ્ધને કોઈ મિથ્યા કરી શકતું નથી બેટા. એ તો જન્મ સાથે લખાયેલું જ હોય છે. જેને જે માર્ગ પકડવો હોય એ પગદંડી આપોઆપ પકડાઈ જાય છે. પરંતુ તું ચિંતા ના કર. એ સન્યાસી બનવાના નથી. આધ્યાત્મિક યાત્રા જરૂર દેખાય છે. " ઋષિકેશ અંકલ બોલ્યા.
" ચાલો અંકલજી હવે હું જાઉં. સાડા નવ વાગી ગયા છે. હવે અહીંથી હું રીક્ષા જ કરી લઈશ. દહીસર બહુ દૂર નથી. " અભિષેક બોલ્યો અને ઉભો થયો.
"તમે અમારું માન રાખીને જમવા માટે આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર અભિષેક." શિવાની હસીને બોલી.
" મને આજે ઘરે જમવાનું નિમંત્રણ આપ્યું એના માટે મારે તમારો પણ આભાર માનવાનો છે." અભિષેકે પણ હસીને જવાબ આપ્યો અને પછી એ બહાર નીકળી ગયો.
નીચે ઉતરીને સોસાયટીમાંથી બહાર નીકળ્યો કે તરત જ એને રીક્ષા મળી ગઈ. આજનો દિવસ એનો ઘણો સારો ગયો.
બીજા દિવસે સવારે ૧૦ વાગે એ હોસ્પિટલમાં હાજર થયો એ જ વખતે ઋષિકેશ અંકલનો ફોન આવી ગયો.
" યોગીજી સાથે વાત થઈ ગઈ છે. આવતા શનિવારે સવારે નવ વાગ્યે આપણે સિક્કાનગર યોગીજીને મળવા પહોંચી જવાનું છે. તમે ફાસ્ટ લોકલ પકડીને ચર્ની રોડ સ્ટેશન સુધી આવી જજો. ત્યાંથી આપણે ટેક્સી કરી લઈશું. મારી પાસે ગાડી છે પરંતુ સવાર સવારમાં એટલે દૂર સુધી ટ્રાફિકમાં મજા નહીં આવે. " અંકલ બોલ્યા.
" જી હું શનિવારે સવારે પોણા નવ વાગે ચર્ની રોડ ટચ થઈ જઈશ. હું બ્રિજ પાસે ઉભો રહીશ. મારો નંબર તમારી પાસે છે જ. મને તમે ફોન કરી દેજો. " અભિષેક બોલ્યો.
એ રાત્રે કેનેડાથી અંજલીનો વોઇસ કૉલ પણ વ્હોટસએપ ઉપર આવી ગયો. અંજલીનો અવાજ ખૂબ જ મીઠો હતો ! અવાજમાં સ્ત્રી સહજ ઋજુતા અને કોમળતા હતી.
" શું કરો છો મારા હબી ?" અંજલી બોલી.
" બસ ડાર્લિંગ... ટિફિન જમીને હવે ઉભો થયો. અહીં તો રાતના દસ વાગી ગયા છે. " અભિષેક બોલ્યો. એણે વોઈસ કોલ કર્યો હતો એટલે હજુ પણ અંજલી કેવી દેખાય છે એનો એને ખ્યાલ નહોતો આવતો.
" વિડીયો કોલ કરીને ક્યારેક તો તમારાં દર્શન કરાવો ! તમને જોવાની તાલાવેલી બહુ જ છે અંજલી. " અભિષેક બોલ્યો.
" હવે તમે મને તમે તમે કહેવાનું બંધ કરો સ્વામીજી. ખાલી અંજલી કહો. તું કહેવાનો મેં તમને અધિકાર આપી દીધો છે. " અંજલી હસીને બોલી.
" તું કહેવા માટે હજુ એકદમ જીભ નહીં ઉપડે. નવો નવો પરિચય છે અને સ્ત્રી સન્માન પણ મારે જાળવવું જોઈએ. " અભિષેક બોલ્યો
" વિચારો તો તમારા સારા છે. તમે મારું સન્માન ચોક્કસ જાળવજો. પણ સંબોધનમાં તો એક વચન વધારે મીઠડું લાગશે ! હું તમારી છું અભિ. " અંજલી બોલી.
" બહુ સારું લાગ્યું અંજલી તારા આવા મીઠા શબ્દોથી. હવે હું સાચે જ તારા પ્રેમમાં પડતો જાઉં છું. " છેવટે અભિષેકે એક વચનમાં વાત કરી.
" મારી પણ એ જ હાલત છે અભિ. તમને જોયા નથી. તમને બહુ ઓળખતી પણ નથી. પરંતુ ખબર નહીં કેમ હું તમારી તરફ બહુ જ ખેંચાઈ ગઈ છું જાણે કે પૂર્વ જન્મના આપણા સંબંધો હોય ! " અંજલી બોલી.
" બસ જલ્દી જલ્દી હવે ઇન્ડિયા આવી જા. તને મળવા મન બહુ તરસી રહ્યું છે. " અભિષેક બોલ્યો.
" હું કોશિશ કરી જ રહી છું. ચાલો હવે હું ફોન કટ કરું છું. અહીં બપોરના ૧૧:૩૦ વાગ્યા છે. મારી જોબ ચાલુ છે. કાલે વાત કરીએ. ગુડ નાઈટ માય લવ. " અંજલી બોલી અને ફોન કટ કર્યો. એ રાત્રે અભિષેક અંજલીનાં મીઠાં સપનાં જોતો સૂઈ ગયો.
અંજલીના પ્રેમાળ શબ્દો અભિષેકને અભિભૂત કરી દેતા હતા. પોતે ખૂબ જ નસીબદાર હતો કે એના જીવનમાં આટલી સુંદર કન્યા પત્ની તરીકે આવી રહી હતી !
બે દિવસ ખૂબ જ શાંતિથી પસાર થઈ ગયા. ત્રીજા દિવસે સવારે જ વીણા માસીનો ફોન આવી ગયો. એ આજે બપોર સુધીમાં દહીસર આવી જવાનાં હતાં. એણે હોસ્પિટલ જતાં પહેલાં પોતાના ૫૦૧ નંબરના ફ્લેટની ચાવી બાજુમાં રહેતાં કુસુમબેન ના ઘરે આપી દીધી અને વીણા માસીને કહી દીધું કે બાજુના ૫૦૨ નંબરના ફ્લેટમાં રહેતાં કુસુમબેન પાસેથી ચાવી લઈ લેજો.
એણે એ પછી જ્યાંથી છોકરો ટિફિન આપી જતો હતો એ બહેનને પણ કહી દીધું કે આજથી થોડા મહિના માટે ટિફિન ના મોકલશો. કારણ કે હવે સાંજ અને સવાર બંને ટાઈમની રસોઈ માસી ઘરે જ બનાવવાનાં હતાં ! એ આજે ખૂબ જ ખુશ હતો.
આજે સાંજે એણે પોતાના જ ઘરના કિચનમાં બનેલી ગરમાગરમ રસોઇ જમી. વીણા માસી આમ પણ રસોઈ ખૂબ જ સરસ બનાવતાં હતાં.
" હવે તું અહીં શાંતિથી રહે. આ પણ તારું જ ઘર છે. તારી નર્સિંગની ટ્રેનિંગ પૂરી કરી દે. અહીંથી દર દસ મિનિટે અંધેરી જવા માટે મેટ્રો ટ્રેન ઉપડે છે અને લગભગ એકાદ કલાકમાં અંધેરી ઈસ્ટ પહોંચાડી દે છે. " રાત્રે અભિષેકે એની કઝિન સિસ્ટર આરતી સાથે વાત કરી.
" હા ભાઈ. તમારું આ પાંચમા માળનું લોકેશન પણ બહુ જ સરસ છે. અહીં વિન્ડોમાંથી દૂર દૂર સુધી પથરાયેલું દહીસર દેખાય છે. હવા ઉજાસ પણ સારાં છે." આરતી બોલી.
" પપ્પા રેલવેમાં જ હતા એટલે એમણે સ્ટેશનની નજીક જ આ ફ્લેટ વર્ષો પહેલાં ખરીદ્યો હતો. ત્રણ માળનો આ ફ્લેટ ખૂબ જ વિશાળ છે. કારપેટ એરિયા પણ મોટો છે. તમે લોકો એક આખો બેડરૂમ વાપરી શકો છો." અભિષેક બોલ્યો.
" આજે તો વસ્તુઓ શોધી શોધીને રસોઈ કરી છે. પરંતુ મારે તમામ અનાજ કરિયાણું ચેક કરવું પડશે. જે ખૂટતું હશે તે લઈ આવવું પડશે. મને ખાલી તારી કરિયાણાની દુકાન અને શાક માર્કેટ કાલે સવારે બતાવી દેજે. " માસી બોલ્યાં.
" તમે કાલે સવારે નવ વાગે મારી સાથે નીચે આવી જજો. બધું નજીકમાં જ છે. તમને બતાવીને પછી હું રીક્ષામાં હોસ્પિટલ જતો રહીશ. " અભિષેક બોલ્યો.
" હા... અને સવારે હું તને ટિફિન બનાવી દઈશ. કાલથી તારે ટિફિન લઈને જ જવાનું છે. સવારે નવ વાગે દાળભાત ખાઈ લેવાના અને રોટલી શાક ડબામાં લઈ જવાનું. હું વહેલા ઊઠીને રસોઈ બનાવીશ. " વીણામાસી બોલ્યાં.
" ભાઈ પરમ દિવસે મારી કોલેજ ખુલે છે. તો પરમ દિવસે સવારે તમે મને જરા કોલેજ સુધી મૂકી જશો ? એક વાર હું બધું સમજી લઉં. મને અહીંની મેટ્રોનો અનુભવ નથી. " આરતી બોલી.
" હું તને આખો રસ્તો સમજાવી દઈશ. કોલેજમાં પણ આવીશ. તારી ફી પણ ભરી દઈશ. તારે એ બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ તો મારી ફરજ છે. તારે મને પૂછવાનું હોય જ નહીં " અભિષેક હસીને બોલ્યો.
અને બે દિવસ પછી સવારે ૮ વાગે જ અભિષેક આરતીને રીક્ષામાં દહીસર મેટ્રો સ્ટેશન સુધી લઈ ગયો અને બધું સમજાવી દીધું. ૫૫ મિનિટમાં મેટ્રો ટ્રેઈન અંધેરી ઈસ્ટ પહોંચી ગઈ. ત્યાંથી રીક્ષા કરીને બંને જણાં હિન્દુજા કોલેજ ઓફ નર્સિંગ પણ પહોંચી ગયાં અને અભિષેકે બધી ફી ભરી દીધી. એ પછી ઇન્કવાયરી કરીને ક્લાસ પણ બતાવી દીધો.
" હવે હું રજા લઉં. બસ આ જ રીતે તારે ક્લાસ છૂટે એટલે સ્ટેશન ઉપર પહોંચી જવાનું. દર દસ મિનિટે તને દહીસરની ટ્રેન મળી જશે." અભિષેક બોલ્યો અને ત્યાંથી એ નીકળી ગયો..
માસીએ આજે વહેલાં ઊઠીને બંનેનું ટિફિન બનાવી દીધું હતું એટલે આરતી ને મૂકીને એ સીધો હોસ્પિટલ જ ગયો.
હિન્દુજા કોલેજનો ટાઈમ સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી હતો. આરતીને બે ત્રણ દિવસમાં જ અપ ડાઉનની ફાવટ આવી ગઈ !
શનિવાર આવી ગયો. આજે એને ઋષિકેશભાઈ સાથે યોગીજીને મળવા જવાનું હતું. સવારે એ વહેલો ઉઠી ગયો અને ગાયત્રી મંત્રની પાંચ માળા પણ કરી લીધી. એણે ઋષિકેશ અંકલ સાથે વાત કરી લીધી અને દહીસરથી ૭:૩૦ વાગ્યાની લોકલ પકડી લીધી. સમય પ્રમાણે એ ચર્ની રોડ સ્ટેશન પહોંચી ગયો.
અંકલ પણ સમયસર આવી ગયા હતા અને એ પણ બ્રિજ પાસે જ ઊભા હતા.
અભિષેકે એમને જોઈ લીધા હતા એટલે એ સીધો એમની પાસે પહોંચી ગયો અને બ્રિજ ક્રોસ કરીને બન્ને જણા ટેક્સી સ્ટેન્ડ ઉપર પહોંચી ગયા. ત્યાંથી સિક્કાનગરની ટેક્સી કરી લીધી અને ઉત્કર્ષ ફ્લેટમાં બીજા માળે પહોંચી ગયા. યોગીજીને ખબર પડી જ ગઈ હતી એટલે એમણે દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો.
" આવો આવો. હું તમારી જ રાહ જોતો હતો. મને ખ્યાલ આવી ગયો કે તમે લોકો નીચે આવી ગયા છો. " યોગીજી બોલ્યા.
" જી પ્રણામ યોગીજી. " ઋષિકેશ અંકલ બોલ્યા અને એમણે યોગીજીના ચરણ સ્પર્શ કર્યા. અભિષેક પણ એમને અનુસર્યો.
યોગીજી એટલે કે યોગેશભાઈ વ્યાસની ઉંમર ૭૫ વર્ષ આસપાસ દેખાતી હતી. શરીર થોડુંક ભરાવદાર હતું. માથાના વાળ અને દાઢી મૂછ બધું જ સફેદ હતું. કપાળ મોટું હતું અને ચંદનનું તિલક લગાવેલું હતું. સફેદ ધોતીયું અને ભગવા રંગનો ઝભ્ભો ધારણ કરેલો હતો. ગળામાં રુદ્રાક્ષની માળા હતી. એ કોઈ તપસ્વી જેવા જ લાગતા હતા !
બંને જણા અંદર જઈને સોફા ઉપર બેઠા એટલે યોગીજીનાં ધર્મપત્ની કુંદનબેન બે ગ્લાસ પાણી લઈને આવી ગયાં. એ પણ પતિની જેમ સાધક જ હતાં.
ઋષિકેશ અંકલ અને અભિષેક જે સોફા ઉપર બેઠા હતા એની બરાબર સામેના નાના સિંગલ સોફા ઉપર યોગીજી બેઠા.
" આજે તો હું ખાસ મારી દીકરીના આ મિત્ર ડૉ.અભિષેક માટે આવ્યો છું. થોડા દિવસ પહેલાં દિકરી દિલ્હીથી આવતી હતી ત્યારે ટ્રેઈનમાં એમનો પરિચય થયો હતો. અભિષેક ખૂબ જ સેવાભાવી અને મિલનસાર સ્વભાવના છે." અંકલે અભિષેકનો પરિચય આપ્યો.
" મેં આજે સવારે ધ્યાનમાં એના વિશે ઘણું બધું જોઈ લીધું છે. તારા પિતાનું નામ રજનીકાંત મુન્શી અને એ રેલવેમાં હતા. બરાબર ? " યોગીજી બોલ્યા.
" જી યોગીજી. આપની વાત એકદમ સાચી છે." અભિષેક એકદમ આશ્ચર્ય થી બોલ્યો
" એણે હજુ બે અઢી મહિના રાહ જોવી પડશે ઋષિકેશભાઈ. કાલે શ્રાવણ મહિનો પૂરો થઈ જાય છે. કાર્તિક સુદ એકાદશીના દિવસે એટલે કે દેવઉઠી એકાદશીના દિવસે તમારે ફરી અહીં આવવું પડશે અને ત્યારે જ એના બધા સવાલોના જવાબ મને મળશે." યોગીજી બોલ્યા.
" બસ તો પછી એ દિવસે અમે બન્ને ચોક્કસ આવીશું યોગીજી. આપનો વધારે સમય બગાડવો નથી. અમે નીકળી જઈએ. ડોક્ટરની ડ્યુટી પણ ચાલુ છે. " ઋષિકેશ અંકલ બોલ્યા.
" પ્રસાદનું થોડુંક દૂધ પીતા જાઓ. અને અભિષેક તને જેણે મંત્રદીક્ષા આપી છે એ કોઈ સાધારણ મહાત્મા નથી બેટા. તું ખૂબ જ નસીબદાર અને પૂણ્યશાળી આત્મા છે. " યોગીજી બોલ્યા. એ પછી એમનાં ધર્મ પત્નીને અંદર ખબર પડી ગઈ હોય કે ગમે તેમ પરંતુ બે જ મિનિટમાં બે કપમાં સાકર અને કેસર નાખેલું ઠંડુ દૂધ લઈને બહાર આવ્યાં.
અભિષેક અને અંકલે દૂધ પી લીધું એ પછી ફરી યોગીજીના ચરણસ્પર્શ કરીને બંને બહાર નીકળી ગયા. એ લોકો બહાર નીકળ્યા એટલે યોગીજી એ હનુમાનજીની મૂર્તિ સામે જોયું અને હસીને બોલ્યા: " તમારી ગતિ ન્યારી છે પ્રભુ ! "
એક હકીકત એ હતી કે યોગીજી અભિષેકના પિતા રજનીકાંતભાઈને સારી રીતે ઓળખતા હતા ! એમણે ભૂતકાળમાં પણ હનુમાનજીને પ્રાર્થના કરી હતી કે રજનીકાંતભાઈનો દીકરો જલ્દી અહીં આવે ! યોગીજી એને શોધી જ રહ્યા હતા. આજે અભિષેક આવ્યો એટલે એમણે હનુમાન દાદાનો આભાર માન્યો.
બીજી હકીકત એ હતી કે યોગીજી અંજલીને પણ ઓળખતા હતા. અંજલીનો પરિવાર યોગીજીનો ભક્ત હતો અને એના પપ્પા જીતુભાઈ જોષી યોગીજીને પોતાના ગુરુ માનતા હતા. યોગીજીને એ પણ ખબર હતી કે અંજલીનાં લગ્ન અભિષેક સાથે જ થવાનાં છે !
જીતુભાઈ એક મહિના પહેલાં જ અંજલીને લઈને યોગીજી પાસે ગયા હતા. એમણે યોગીજીને પોતાની યુવાન દીકરી અંજલીના લગ્ન વિશે પૂછ્યું હતું.
" નજીકના દિવસોમાં જ અંજલીના જીવનમાં એક ડોક્ટર યુવાન આવશે અને એની સાથે જ એનાં લગ્ન થશે. છેલ્લા બે જનમથી અંજલી એની સાથે પત્ની તરીકે જોડાયેલી છે. પરંતુ..." યોગીજી બોલતાં બોલતાં અટકી ગયા હતા.
અંજલી આ બધું જ સાંભળી રહી હતી. યોગીજીએ અટકીને બીજી જે વાત કહી હતી એનાથી અંજલી ખૂબ જ ચિંતામાં પડી ગઈ હતી.
" તારી એક મિત્ર દ્વારા એ યુવાનનો તને પરિચય થશે. તારે એની સાથે જ લગ્ન કરવાનું છે પરંતુ દોઢ પોણા બે વર્ષ સુધી તારે એને કોઈ પણ સંજોગોમાં મળવાનું નથી. તારો ચહેરો પણ બતાવવાનો નથી. એ ડૉક્ટરના પ્રારબ્ધમાં જે કાળાં વાદળો છે એ હટી જાય પછી જ તું એને મળી શકે છે અને લગ્ન પણ કરી શકે છે. " યોગીજી બોલ્યા હતા.
" પરંતુ ગુરુજી દોઢ બે વર્ષ સુધી હું એને મળું પણ નહીં, વાત પણ ના કરું તો પછી સંબંધ કેવી રીતે આગળ વધે ? " અંજલીએ પૂછેલું.
" તું ફોનમાં તો વાત કરી શકે છે. માત્ર રૂબરૂ મળવાની મેં ના પાડી છે એટલે સંબંધ તો આગળ વધારી શકાશે. તારે એ બાબતમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તારું પ્રારબ્ધ એની સાથે નક્કી જ છે. હા ફોનમાં પણ તારો ફોટો એને દેખાવો જોઈએ નહીં. તું અત્યારે વિદેશમાં છે એવી કોઈ વાત કર અને બે વર્ષ સુધી ગમે તે બહાને મળવાનું ટાળ. તું એને જોઈ શકે છે પણ એ તને ના જોઈ શકે એ ધ્યાન રાખવાનું છે. " યોગીજી બોલ્યા હતા.
અને એ પછીના એક મહિનામાં જ અંજલી ઉપર એની ખાસ ફ્રેન્ડ રેખાનો ફોન આવી ગયો હતો અને એણે ડોક્ટર અભિષેકનો પરિચય કરાવ્યો હતો. અને એની ખૂબ જ પ્રશંસા પણ કરી હતી.
રેખાએ જ્યારે અંજલીને અભિષેક વિશે વાત કરી ત્યારે અંજલી સમજી ગઈ હતી કે આ એ જ યુવાન ડોક્ટર છે જેના વિશે યોગીજીએ આગાહી કરેલી. અને એટલે જ એણે રેખાની વાતને ખુશ થઈને વધાવી લીધી હતી અને અભિષેકને પોતાનો ભાવિ પતિ માનીને શરૂઆતથી જ પ્રેમ ભર્યા મેસેજ કર્યા હતા !
અંજલીની ખૂબ જ ઈચ્છા હતી કે પોતે એક વાર અભિષેકને દૂરથી પણ જોઈ લે પરંતુ ભૂલથી પણ જો અભિષેકની નજર એના ઉપર પડી જાય તો ગુરુજીના કહ્યા મુજબ તકલીફ થઈ જાય એટલે પછી એનાથી કઈ રીતે દૂર રહી શકાય એ વિશે વિચારવાનું એણે ચાલુ કર્યું.
છેવટે પોતે અત્યારે કેનેડા છે એવું કહે તો જ મળવાનું ટાળી શકાય એટલે એણે કેનેડાની વાત કરવાનું નક્કી કર્યું. પોતાનું ફેસબુક એકાઉન્ટ લોક કરી દીધું. ઈન્સ્ટાગ્રામ પણ બંધ કરી દીધું. મોબાઈલમાંથી પોતાના તમામ ફોટા ડીલીટ કરી દીધા. ડીપીમાં પણ શિવલિંગનો ફોટો રાખી દીધો.
આટલી સાવધાની રાખ્યા પછી જ અંજલીએ અભિષેક સાથે ફોન ઉપર વાતચીત ચાલુ કરી હતી અને થોડા દિવસો પહેલાં જ અભિષેકને એણે પહેલો વ્હોટસએપ મેસેજ રાત્રે દસ વાગે કર્યો હતો .......
# હાય ધીસ ઈઝ અંજલી. રેખાની ફ્રેન્ડ ! "
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)