Jaadu - 13 - Last Part in Gujarati Fiction Stories by PANKAJ BHATT books and stories PDF | જાદુ - ભાગ 13

Featured Books
Categories
Share

જાદુ - ભાગ 13

જાદુ ભાગ ૧૩ છેલ્લો

મલ્હાર ના ગયા પછી બાળકો નુ જીવન આશ્રમમાં રૂટીન પ્રમાણે ચાલવા લાગ્યુ . જે છોકરાઓને મલ્હારની વાત  પર વિશ્વાસ હતો તેમણે હોમવર્ક બરાબર કર્યું .

મીન્ટુ નો વિશ્વાસ તો અતૂટ હતો . એ તો રોજ સવાર સાંજ લડ્ડુ ગોપાલને પ્રાર્થના કરતો અને એને જેવું આવડે એવું ધ્યાન પણ કરતો . હંમેશા ખુશ રહેતો ને બધા મિત્રો સાથે પોતાની મમ્મી વિશે વાતો કર્યા કરતો .

બુધવારે એક કપલ આશ્રમમાં આવ્યુ . રવિવારે જન્માષ્ટમી આવી રહી હતી તો તેઓ આશ્રમમાં બાળકો માટે ગિફ્ટ આપવા આવ્યા હતા . ડ્રોઈંગ બુક , કલર , પેન્સિલ , ચોકલેટો અને રમકડાથી ભરેલા બોક્સ એ આશ્રમમાં આપી ગયા . બધા છોકરાઓને એમણે પોતાના હાથે ચોકલેટો વહેંચી  . ત્યારે એમણે મિન્ટુ ને જોયો . એમનું પોતાનું કોઈ સંતાન હતું નહીં . એમને મિન્ટુને દત્તક લેવાનો વિચાર આવ્યો .

વિનોદભાઈ એ કપલને જણાવ્યું કે મિન્ટુને એના મામા અહીં મૂકી ગયા છે . દત્તક આપવા વિશેનો નિર્ણય એ લઈ શકે . હું એમને પૂછીને પછી તમને જણાવીશ .

કપલ ના ગયા પછી નીલમ અને વિનોદભાઈ એકબીજાની સામે આશ્ચર્યથી જોતા રહ્યા . બધા બોક્સ ખોલી રમકડા કાઢ્યા અને છોકરાઓમાં વહેંચવા લાગ્યા . એમાં એક વાદળી રંગનો ફૂટબોલ પણ હતો . નીલમે એ ફૂટબોલ વિપુલ ને જઈને આપ્યો . વિપુલે ધ્યાનમાં જોયું હતું કે એ વાદળી ફૂટબોલ સાથે બધા સાથે રમી રહ્યો છે . એનું સપનું સાચું થઈ ગયું હતું . આ જોઈ બધા છોકરાઓ ખુશીથી જુમી ઉઠ્યા . એ દિવસે બધા એ બોલથી મેદાનમાં ફૂટબોલ રમ્યા . આ વાત પછી તો બધા જ છોકરાઓ ધ્યાન વાળુ હોમવર્ક કરવા લાગ્યા .

શનિવાર સવારથી છોકરાઓ મલ્હારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા . પણ મલ્હારને આવવામાં મોડું થયું એ સાંજે આવ્યો ત્યારે બધા છોકરાઓ ખુશ થઈ ગયા . આખા અઠવાડિયામાં શું બન્યું અને કોની કોની ઈચ્છાઓ પૂરી થઈ એ વિશે વાતો કરવા લાગ્યા . નીલમે પણ મીન્ટુને કોઈ દત્તક લેવા માંગે છે એવી વાત મલ્હારને કરી મલ્હારે પાછો કોલર ઉપર કર્યો .

રવિવારે જન્માષ્ટમી હતી એટલે એને ધામધૂમથી ઉજવવા મલ્હાર તૈયારી કરવા ગયો હતો . એમાં એને મોડું થયું હતું . રાતના મોડે સુધી જાગી બધાએ મળીને મંડપ બાંધ્યો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ મૂકી . ડી .જે. માટે મ્યુઝિક સિસ્ટમ ગોઠવી અને બે ઝાડ વચ્ચે એક દોરડું બાંધી મટકી પણ બાંધી . આ બધી તૈયારી ઓ  પુરી કરી બધા સૂઈ ગયા .

સવારે તૈયાર થઈ નાસ્તો કરી બધા જન્માષ્ટમી ઉજવવા લાગ્યા . છોકરાઓએ ભેગા મળી મટકી ફોડી અને નાચવા લાગ્યા . ડી . જે . પર કૃષ્ણ ભગવાનના ગીતો વાગી રહ્યા હતા " હાાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી " અને ચારે તરફ અબીલ ગુલાલ ઉડી રહ્યો હતો .

મીન્ટુ હાથ જોડી કૃષ્ણ ભગવાનની મૂર્તિ તરફ જોઈ રહ્યો હતો . ત્યાં આટલા અવાજમાં એને પાછળથી એક મોટી બૂમ સંભળાઈ " મિન્ટુ "

એણે તરત પાછળ ફરી જોયું . એની મમ્મી એની તરફ દોડીને આવી રહી હતી . મીન્ટુ પણ એની તરફ " મમ્મી " ની બૂમ પાડી દોડ્યો અને બંને ભેટી પડ્યા . 

મમ્મીએ મીન્ટુ ને ઊંચો કરી લીધો ને પપ્પી ઓથી એને નવડાવી દીધો . એક ક્ષણ માટે જાણે સમય થોભી ગયો . મ્યુઝિક બંધ થઈ ગયું . બધાનું નાચવાનું બંધ થઈ ગયું .ઉડતા અબીલ ગુલાલ ની વચ્ચે  બધા જ સ્તબ્ધ બની આ દ્રશ્ય જોઈ રહ્યા .

થોડીવાર પછી બધું શાંત થયું . નીલમ , મલ્હાર , વિનોદભાઈ , મીન્ટુ અને એની મમ્મી ઓફિસમાં બેઠા . બધા જ આ કેવી રીતે થયું ! સચ્ચાઈ શું છે ? એ જાણવા આતુર હતા . મમ્મી એ પૂરી વાત જણાવી .

 " એ દિવસે અમારી બસ પહાડ ખસી જવાના કારણે નદીમાં પડી ગઈ . ખૂબ વરસાદ હતો કોઈ જ મદદ મળી શકી નહોતી . બધાએ છેલ્લા શ્વાસ સુધી બચવાનો પ્રયત્ન કર્યો પણ બધા જ તણાઈ ગયા. હું પણ ડૂબી ગઈ . બે દિવસ પહેલા જ્યારે હું ભાનમાં આવી ત્યારે ખબર પડી કે એક માછીમારે મને બચાવી હતી . એ મને બચાવી એના ગામ લઈ ગયો હતો .ત્યાં હોસ્પિટલ નહોતી ને બીજી સુવિધાઓ પણ નહોતી . ગામવાળા ઓએ આટલા મહિનાઓ સુધી મારી સેવા કરી . મને બેહોશી માં સતત મિન્ટુ નો અવાજ સંભળાઈ રહ્યો હતો . બે દિવસ પહેલા જ હું ભાનમાં આવી . હું સિધી મારા ભાઈ પાસે ગઈ . ત્યાં મને ખબર પડી કે મિન્ટુ ને અહીં મુક્યો છે . એટલે વહેલી તકે હું અહીં પહોંચી ગઈ . મને તો આ બધું ચમત્કાર જેવું લાગે છે . મારા દીકરાનું ધ્યાન રાખવા માટે તમારો ખુબ ખુબ આભાર " મમ્મીની આંખો છલકાઈ રહી હતી .  બોલવા માટે કોઈની પાસે શબ્દો ન હતા .

બધી ફોર્માલિટી પૂરી કરી મિન્ટુ એની મમ્મી સાથે પાછો જઈ રહ્યો હતો . એના બધા મિત્રોને ગળે વળગી ખૂબ રડ્યો . મીન્ટુ જતા પહેલા મલ્હારને ગળે લાગી ખુબ રડ્યો . મલ્હાર થી પણ ન રહેવાયું એ પણ ખૂબ રડ્યો . બંને એકબીજાને ઘણું કહેવા માંગતા હતા પણ કંઈ જ બોલી શક્યા નહીં . " જાદુ થઈ ગયું જાદુ કાકા " ખુશીના  આંસુ સાથે મીન્ટુ જતો રહ્યો .

મીન્ટુ ની ગાડી ગઈ ત્યારે બધા ગેટ ઉપર ઉભા હતા . ત્યારે નીલમે એક ઘૂંટણ પર બેસી પોતાના હાથમાંથી એક અંગૂઠી કાઢીને મલ્હાર ને પૂછ્યું " વિલ યુ મેરી મી ? "
      
                      સમાપ્ત .

વાચક મિત્રો આ કાલ્પનિક વાર્તા અહીં પૂરી થાય છે . વાર્તા કાલ્પનિક છે પણ બ્રહ્માંડના બનાવેલા નિયમો સાચા છે . તમારા પ્રતિસાદથી લાગે છે હું તમને બરાબર રીતે સમજાવી શક્યો નથી .

તમે તમારી મનની શક્તિઓનો ઉપયોગ કરી તમારી બધી જ શુભ ઈચ્છાઓ પૂરી કરી શકો છો . આ વિષયને વધુ સમજવા એક સુંદર ગુજરાતી પુસ્તક છે . ડોક્ટર જીતેન્દ્ર અઢિયા લિખિત " પ્રેરણાનું ઝરણું " એ જરૂરથી વાંચશો . 

આ વાર્તા લખી રહ્યો હતો ત્યારે 21 મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસ આવ્યો હતો. મને ખબર છે જોડણી અને વ્યાકરણમાં મારી ઘણી ભૂલો થાય છે એ માટે મને માફી આપશો .

મનની શક્તિઓ સાચે જ કામ કરે છે એનું ઉદાહરણ હું પોતે છું .
50 વર્ષની ઉંમરે રિટાયર્ થઈ ગયો છું .
મુંબઈમાં ઘર અને બિઝનેસ છે પણ હું શાંતિથી વડોદરામાં રહું છું .
આ જ શક્તિથી મેં અહીં એક ઓફિસ બનાવી છે અને ત્યાં મને ગમતી પ્રવૃત્તિઓ કરતો રહું છું .
મારી ટીમ સાથે ગુજરાતી નાટકો અને શોર્ટ ફિલ્મ્સ બનાવવું છું .
માતૃ ભારતી પર વાર્તાઓ લખું છું .
ઘણા એવોર્ડ જીત્યો છું .
બ્રહ્માંડ પાસે મેં સમય અને શાંતિ માંગી હતી એ મને મળી છે .
બ્રહ્માંડ તમારા મનની બધી ઈચ્છાઓ પૂરી કરે એવી ઈશ્વરને પ્રાર્થના .
તમારો  પ્રતિસાદ આગળ લખવા પ્રોત્સાહન આપશે .
ધન્યવાદ .