જાદુ ભાગ ૧૨
ધ્યાનમાં મનગમતી દુનિયા જોવાની બધાને મજા આવી ગઈ . બધા ઘણી વાર સુધી તાળીઓ પાડતા રહ્યા . ગણાની તો આંખો પણ ભીની થઈ ગઈ . મિન્ટુ પણ ખુશ થઈ છેક સુધી બધાની તાળીઓ બંધ થઈ ગઈ ત્યાં સુધી તાળીઓ પાડતો રહ્યો .
" મજા આવીને છોકરાઓ ! તો હવે મારી વાત તમને કદાચ થોડી વધારે સમજાઈ હશે . આ બ્રહ્માંડ ચિત્રોની ભાષા સમજે છે . અને એ ચિત્રો સાથે જો તમારી લાગણી જોડાઈ જાય તો તમારી ઈચ્છાઓ જલ્દી પૂરી થવા લાગશે . હવે મને કહો તમે ધ્યાનમાં શું જોયું? " મલ્હારના સવાલ પર બધા છોકરાઓ વારાફરતી જવાબ આપવા લાગ્યા
" હું તો નદીમાં મસ્ત નાતો હતો "
" હું તો બધા સાથે વાદળી રંગના બોલ સાથે ફૂટબોલ રમતો તો "
" મેં તો બધા ખીચામાં ચોકલેટ ભરી તી પણ હવે એક કે નથી "
" મારા મમ્મી પપ્પા મને બગીચામાં મળવા આવ્યા હતા "
" હું તો પીળા રંગની આઈસ્ક્રીમ ખાતી હતી "
" હું તો એકદમ ફાસ્ટ સાઇકલ ફેરવતો હતો "
" હું તો વિમાન સાથે રમતો હતો "
બધા છોકરાઓ શું જોયું એ વિશે કહી રહ્યા હતા . કોઈક છોકરાઓને યાદ નહોતું આવતું શું જોયું . અને ઘણા શરમાઈ ગયા કાંઈ બોલી ન શક્યા . મલ્હારે મિન્ટુ ને પૂછ્યું " બેટા તે શું જોયું ? "
" મારી મમ્મી મને બગીચામાં એના હાથથી દૂધ ખીચડી ખવડાવતી હતી " મિન્ટુ ની વાત સાંભળી મલ્હાર નીલમ અને વિનોદભાઈ ભાવુક થઈ ગયા .
" જુઓ છોકરાઓ હવે હું તમને એક હોમવર્ક આપું છું . જે તમારે રોજ કરવાનું . રોજ રાતે સુતા પહેલા આંખો બંધ કરીને આવું ધ્યાન કરવાનું અને પછી એ તમને મળી જ ગયું છે એવી લાગણી સાથે ભગવાનને થેન્ક્યુ કહી સુઈ જવાનું . બોલો આ હોમવર્ક કરશો બધા ? "
બધા છોકરાઓએ હા માં જવાબ આપ્યો . સમય થતાં જમવા નો બેલ વાગ્યો . બધા જમીને આરામ કરવા ગયા . વિનોદભાઈ નીલમ અને મલ્હાર ઓફિસમાં બેઠા હતા .
" મજા આવી ગઈ મલ્હાર ! હું તો અહીંયા બેઠો બેઠો સ્વીઝરલેન્ડ ફરી આવ્યો . મેં આ વિષયમાં ઘણું વાંચન કર્યું છે . પણ છોકરાઓને આ શીખવવાનો વિચાર ક્યારે આવ્યો નહીં .તને ક્યાંથી આવો આઈડિયા આવ્યો કે છોકરાઓને આવું બધું શીખવાડીએ ? " વિનોદભાઈ ને પણ ધ્યાન કરવાની મજા આવી હતી .
" જુઓ સર કેવું છે . આપણે છોકરાઓને ગણિત , વિજ્ઞાન ,ઇતિહાસ , ભૂગોળ , બધું શીખવાડીએ છીએ પણ મનની શક્તિ વિશે કાંઈ જ નથી શીખવાડતા . મને પોતાને આ વાત આટલા વર્ષો પછી સમજ આવી રહી છે . મારી કંપનીમાં એક વર્કશોપ થયો હતો . ત્યાં એક મોટીવેશનલ સ્પીકર આવ્યા હતા . એમણે ડિટેલમાં સમજાવ્યું કે આપણી પાસે બે મન છે એક જાગૃત મન અને બીજું અર્ધજાગ્રત મન . જાગૃત મન પાસે માત્ર ૧૦ ટકા શક્તિ છે અને અર્ધજાગ્રત મન પાસે 90% શક્તિ છે . પણ આ અર્ધજાગ્રત મન જાગ્રત મનનો ગુલામ છે . આપણે અર્ધજાગ્રત મન નો ઉપયોગ કરી ઘણા ચમત્કાર કરી શકીએ છીએ . આ બધી વાતો આપણને ખબર જ નથી . સ્પીકર એ કહ્યું કે જે રીતે આપણું જાગૃત મન પ્રોગ્રામ થાય છે એવા જ રીઝલ્ટ અર્ધ જાગ્રત મન આપણને આપે છે . આપણું પ્રોગ્રામિંગ તો આપણે જ્યારે માં ના પેટમાં હોઈએ ત્યારથી જ શરૂ થઈ જાય છે . આપણે અજાણતા જ આપણા છોકરાઓનું ખોટું પ્રોગ્રામિંગ કરતા હોઈએ છીએ . નાનપણમાં બાળકો ,જે જુએ છે , સાંભળે છે , સમજે છે , એ રીતે એમનું પ્રોગ્રામિંગ થઈ જાય છે . મોટા થયા પછી નવું પ્રોગ્રામિંગ કરવું અઘરું છે . એટલે જો નાનપણથી જ પોઝિટિવ પ્રોગ્રામિંગ કરવામાં આવે તો પરિણામ જબરદસ્ત મળી શકે છે . બસ આ વાત મારા મગજમાં બેસી ગઈ . મેં વિચાર્યું કે મારાથી જેટલું બની શકે એટલું હું આ બાળકોનું સારુ પ્રોગ્રામિંગ કરીશ . મને ઈશ્વરે આ આશ્રમ સાથે કદાચ એટલે જ જોડ્યો હશે . મને લાગે છે કે બાળકોને મનની શક્તિ વિશે સમજાવવું જોઈએ . બે દિવસમાં બધું નહીં થાય . પણ મને લાગે છે ધીરે ધીરે જો આપણે બાળકોના વિચારો બદલી શકશું તો એના ખૂબ સુંદર પરિણામ આવશે . આ વિષય પર હું એમની સાથે વધારે વાતો કરવા માંગુ છું . પણ હા તમારી પરવાનગી હોય તો "
" નેકી ઔર પૂછ પૂછ ! સારા કામમાં મારી પરવાનગીની શી જરૂર છે . મારો ફૂલ સપોર્ટ છે તને . હું તો કહું છું બીજા આશ્રમમાં પણ આપણે મોટા બાળકોને પણ આ મનની શક્તિઓ વિશે સમજાવશુ . ખુબ સુંદર વિચારો છે તારા .તારી વાતો સાંભળી બાપુજી ની યાદ આવી ગઈ .એમણે પણ આશ્રમ આવા જ કોઈ હેતુથી શરૂ કર્યો હતો . તને જે પણ જોઈએ મને કહેજે . હું મારાથી બનતી પૂરી મદદ કરીશ " વિનોદભાઈ ને મલ્હારની વાતોથી નવી ઉર્જા મળી હતી .
" ખુબ સરસ મલ્હાર . જો આપણે આમાં સફળ થઈએ તો . આ સમાજ અને આપણા દેશને એક ઉજવળ ભવિષ્ય આપી શકેએ . હું પણ તારી સાથે છું " નીલમ ને હવે મલ્હારની વાતમાં પૂરો વિશ્વાસ હતો .
સાંજે મલ્હાર રાજકોટ જવા નીકળ્યો ત્યારે બધા બાળકો ઉદાસ હતા . બધા બાળકો ઈચ્છતા કે જાદુ કાકા હંમેશા અહીંજ રહે . મીન્ટુ તો રડી રહ્યો હતો . એ મલ્હારનો હાથ છોડતો જ નહોતો . મલ્હારે એને ખુશ રહેવાવાળી વાત યાદ કરાવી . આવતા અઠવાડિયે પાછા મળશું ત્યાં સુધી રોજ હોમ વર્ક નુ યાદ કરાવી બધાથી વિદાય લીધી .
ક્રમશઃ