જાદુ ભાગ ૯
નીલમ આંખોથી જ સમજી ગઈ . મલ્હારની કઈ ઈચ્છા છે જે અશક્ય છે . નીલમ એ વાત બદલી નાખી " એની ઉંમર કેટલી નાની છે એ આ બધી વાત સમજી નહીં શકે "
" આમાં સમજવાનું કાંઈ છે જ નહીં . ફક્ત માનવાનું છે કે એને જે જોઈએ છે એ મળશે . સૌથી મોટો ફાયદો એ છે કે એને પૂરો વિશ્વાસ છે અને એની સમજ એટલી વિકસી નથી એટલે એને આના પર કોઈ શંકા નહીં થાય . આપણી ઈચ્છાઓ પૂરી નથી થતી કેમ કે આપણે શંકા કરીએ છીએ . આપણે લોજીકલી વિચાર કરીએ છીએ . ઇફ યુ વોન્ટ ટુ સી મેજીક ડોન્ટ યુઝ લોજીક . એની આ ઉંમરમાં એ લોજિક લગાડવાનો જ નથી . એની ઉંમર એનો માઇનસ પોઇન્ટ નથી પ્લસ પોઇન્ટ છે . આપણે બાળકોને ભગવાનનું રૂપ એમની નિર્દોષતાના કારણે કહીએ છીએ . અને એ નિર્દોષ મને જે માંગશે એને મળશે એ વાત પર મને વિશ્વાસ છે "
" આઈ ડોન્ટ નો યાર ! મને થોડું રિસ્કી લાગે છે "
" આપણને રિસ્ક લાગશે જ . કેમકે આપણે માનીએ છીએ અને જાણીએ છીએ કે એની મમ્મી પાછી નથી આવવાની . આપણે લોજીકલી વિચાર કરીએ છીએ . મને વિશ્વાસ છે જે પણ થશે એ સારા માટે જ થશે . યુ ટ્રસ્ટ મી ઓન ધીસ વન કંઈ પણ થાય તો પૂરી જવાબદારી મારી . તું ફક્ત મને સપોર્ટ કર . લોજીક ને બાજુમાં મૂકી દે અને મેજિક થવાની રાહ જો "
મલ્હારે ખૂબ મહેનત કરી નીલમ ને સમજાવી . નીલમ પણ મિન્ટુને ખુશ જોવા માંગતી હતી એને મલ્હારની વાતમાં વિશ્વાસ બેઠો કે આમાંથી કંઈક સરસ પરિણામ આવશે . જે મિન્ટુ ના ભલા માટે જ હશે . એમની વાતોમાં આખી બપોર પૂરી થઈ ગઈ .
આજે તો બધા ચાર વાગ્યામાં જ મેદાનમાં આવી ગયા . મલ્હાર અને નીલમે બધા છોકરાઓને ક્રિકેટની કીટ અને સેફ્ટી વિશે સમજાવ્યું . ને પછી ચાર અલગ અલગ ગ્રુપ બનાવી બધાને પ્રેક્ટિસ કરાવી . બધા છોકરાઓને આજે હલકા ટેનિસ બોલથી રમાડ્યા . મલ્હાર પણ બાળકો સાથે રમ્યો. નીલમે પણ ખૂબ એન્જોય કર્યું .
મીન્ટુને તો આજે બધાએ નવા અવતારમાં જોયો . એની એનર્જી બધા કરતા વધારે હતી . એણે આજે ઘણા નવા મિત્રો પણ બનાવ્યા .
અજવાળું ઓછું થતાં ક્રિકેટ રમવાનું બંધ કર્યું ને બધા બીજી રમતો રમવા લાગ્યા . અમુક બાળકો પોતાને શું જોઈએ છે એની ચર્ચા કરવા લાગ્યા . મિન્ટુ એ પણ એની ઈચ્છા બધા સાથે શેર કરી . એની ઈચ્છા સાંભળી અમુક બાળકો હસવા લાગ્યા એ વાતથી મિન્ટુ દુઃખી થઈ મલ્હાર પાસે ગયો .
" જાદુ કાકા જીગો કે છે કે મારી મમ્મી ક્યારેય પાછી નહીં આવે " મિન્ટુ ની આખો ભીની હતી .
' જો બેટા મેં સવારે શું સમજાવ્યું હતું ? હંમેશા ખુશ રહેવાનું ! જીગલા ને કંઈ પણ લાગે તને શું લાગે છે એ મહત્વનું છે ? "
" મને લાગે છે મારી મમ્મી આવશે "
" બસ તો પછી તને જે લાગે છે એમ જ થશે . પણ જો તું દુઃખી થઈ જીગલા ની વાત પર વિશ્વાસ કરીશ તો પછી એનું કહેલું સાચું થશે . નક્કી તારે કરવાનું છે બોલ શું કરીશ ? "
" મમ્મી આવશે ! હું ખુશ રહીશ . . બરાબર જમીશ. . બરાબર ભણીશ અં . .અને જે જે કરીશ "
" જેને જે બોલવું હોય એ બોલે આપણે દુઃખી થવાનું નહીં . ચાલ હાઇફાઇ આપ મને " મલ્હાર એ પાછો મીન્ટુને હસતો કરી દીધો . ને ત્યાં જમવાનો બેલ વાગ્યો આજે બધા ને રમીને ખૂબ ભૂખ લાગી હતી એટલે બધા એ ભોજન હોલ તરફ દોટ મૂકી .
જમ્યા પછી બધા છોકરાઓ મલ્હારને હાઈફાઈ આપી સુવા ગયા . બધાને પોતાની ઈચ્છાઓ જાદુકાકાને કહેવી હતી . મલ્હારે એમને સમજાવ્યું કે કાલે સવારે આપણે બધા નાસ્તો કર્યા પછી હોલમાં ભેગા થશુ અને આના વિશે વધારે વાતો કરશું . અત્યારે બધા સ્માઈલ સાથે સુઈ જાવ અને ભગવાનને આજના દિવસ માટે થેન્ક્યુ કહી પ્રાર્થના કરજો અને જલ્દી સૂઈ જજો એવું શીખવાડી મલહારે બધાને એમના બેડ તરફ મોકલી દીધા .
મીન્ટુ એ એના લડ્ડુ ગોપાલને સામે રાખી હાથ જોડી પ્રાર્થના કરી. થેન્ક્યુ કહ્યું અને લડ્ડુ ગોપાલને પપ્પી કરી અને એમને પોતાના તકિયાની પાસે રાખી એમની સાથે વાતો કરતો સ્માઈલ સાથે સુઈ ગયો .
ક્રમશઃ