જાદુ ભાગ ૩
" મીન્ટુ મને માફ કરજે હું તારી કાળજી લેવા સક્ષમ નથી . તને અહીં મૂકી જવું મને પણ નથી ગમતું પણ બીજો કોઈ રસ્તો નથી . હું તને મળવા આવતો રહીશ મારો મોબાઇલ નંબર મેં અહીં આપ્યો છે . તને કંઈ જરૂર પડે તો ફોન કરજે. મને નથી ખબર તું મારી વાત કેટલી સમજી શકે છે પણ બેટા હવે હિંમત રાખવી પડશે . પોતાનું ધ્યાન રાખજે ." વિવેક આશ્રમ ની ઓફિસ બહાર મીન્ટુને બાય કહી રહ્યો હતો .
" મામા મમ્મી હવે ક્યારેય નહીં આવે ? " મિન્ટુના મોઢેથી ઘણા દિવસો પછી શબ્દ નીકળ્યા .
" ના બેટા મમ્મી જ્યાં ગઈ છે ત્યાંથી કોઈ પાછું નથી આવતું. " વિવેકની આંખો ભરાઈ ગઈ
" મામા મને મમ્મી પાસે લઈ જાઓ . હું મમ્મીને ત્યાંથી પાછી લાવીશ . એને સોરી બોલીશ ,એની બધી વાતો માનીશ ,એને જરા પણ નહીં વિતાળુ . હું લેવા જઈશ તો મારી સાથે પાછી આવશે . "
મીન્ટુ ની વાત સાંભળી ત્યાં ઉભેલા બધા લોકોની આંખો ભીની થઈ ગઈ .કોઈની પાસે મિન્ટુને કહેવા કોઈ શબ્દો ન હતા .
" મીન્ટુ મામા ને બાય કરો . મામા તને થોડા દિવસ પછી લઈ જશે .ત્યાં સુધી તું અહીં રહીને ભણ અને નવા દોસ્તારો સાથે રમ . ચાલ ક્લાસમાં પાછા જઈએ " વિનોદભાઈએ મીન્ટુ નો હાથ પકડ્યો . મીન્ટુ રડતો રડતો હાથ છોડાવી ક્લાસ તરફ દોડીને જતો રહ્યો .
" સાહેબ છ વર્ષનો છે પણ ખૂબ સમજદાર છે . થોડા દિવસોમાં નોર્મલ થઈ જશે . બધું ભૂલી જશે . તમે એનું ધ્યાન રાખજો " વિવેકની ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો .
" તમે ચિંતા ના કરો. અમારી પાસે આવા ઘણા કેસ આવે છે . એ થોડા દિવસમાં એડજસ્ટ થઈ જશે . મારી દીકરી ચાઈલ્ડ સાયકોલોજી ભણી છે એ એને આ તકલીફ માંથી બહાર કાઢશે . તમે ચિંતા કર્યા વગર જાઓ . હું તમને સમય અંતરે ખબર આપતો રહીશ " વિનોદભાઈએ વિવેકને આશ્વાસન આપ્યું ને વિવેકે વિદાય લીધી .
મીન્ટુ ક્લાસ ના ખૂણામાં જઈ બેસી ગયો ને રડવા લાગ્યો . બધા વિદ્યાર્થીઓ એની તરફ જોઈ રહ્યા . વિદ્યાબેને એને મહા મહેનતે શાંત કર્યો અને બેંચ પર બેસાડ્યો .
ત્યાં જ રીસેસની બેલ વાગી . બધા છોકરાઓ રમવા મેદાન તરફ દોડ્યા . મીન્ટુ બેન્ચ ઉપર ઉદાસ થઈ બેસી રહ્યો . ભીખુએ એને પૂછ્યું " કેમ રડે છે ? અહીં તો કંઈ રડવાનું નહીં મજ્જા કરવાની ચાલ મારી સાથે આપણે મેદાનમાં જઈ પકડા પકડી રમીએ હમણાં થોડી વારમાં નીલમ દીદી આવશે "
ભીખુ એ મીન્ટુનો હાથ ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ મીન્ટુ હાલ્યો નહીં . તો ભીખુ એ વધારે મહેનત ના કરી . ને પોતે મેદાનમાં રમવા જતો રહ્યો .
બધા બાળકો મેદાનમાં અલગ અલગ રમત રમતા હતા . ત્યાં નીલમ ની ગાડી આશ્રમમાં આવી બધા છોકરાઓ રમવાનું છોડી નીલમ દીદી ની બૂમો મારતા ગાડી તરફ દોડ્યા .
નીલમ ગાડીમાંથી બહાર નીકળી .નીલમ ને જોઈ બધા છોકરા ખુશ થઈ ગયા . નીલમે પ્યુન ને બૂમ મારી " દિનેશભાઈ પાછળની સીટ ઉપર ચિપ્સ ના પેકેટ છે છોકરાઓને વહેંચી દો . ચાલો છોકરાઓ બધા લાઇનમાં ઊભા થઈ જાઓ બધાને મળશે " છોકરાઓ રાજી રાજી થઈ ગયા.
નીલમ ઓફિસ તરફ ગઈ ." ગુડ મોર્નિંગ ડેડી " નીલમ વિનોદભાઈની મોટી દીકરી એણે ચાઈલ્ડ સાયકોલોજીનો અભ્યાસ કરેલો છે અને પપ્પાને આશ્રમમાં મદદ કરે છે .
" ગુડ મોર્નિંગ આવ બેટા બેસ . આજે એક નવું એડમિશન થયું છે . છ વર્ષનો છોકરો છે . બે મહિના પહેલા એની મમ્મીનું અવસાન થયું છે . છોકરો ટ્રોમામાં છે . પહેલા એને ટ્રોમા માંથી બહાર કાઢવાનો છે "નીલમના આવતા જ વિનોદભાઈએ મીન્ટુ વિશેની બધી માહિતી નીલમ ને આપી દીધી .
નીલમ પણ ટાઇમ બગાડ્યા વગર એને મળવા ગઈ . પહેલા ધોરણના ક્લાસમાં મિન્ટુ એકલો ગુમસૂમ બેઠો હતો .
" હાય ગુડ મોર્નિંગ મારું નામ નીલમ છે મારી સાથે દોસ્તી કરીશ ? " નીલમ નો અવાજ સાંભળી મિન્ટુ એ એની તરફ જોયું પણ કોઈ જવાબ આપ્યો નહીં .
" તને ચોકલેટ ભાવે છે ? મારી પાસે મોટી ચોકલેટ છે . ખાઈશ ? " નીલમ એ પર્સમાંથી એક ડેરી મિલ્ક કાઢી મિન્ટુને આપી મીન્ટુ એ કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ આપ્યો નહીં .
" મારી ઓફિસમાં આવીશ ? ત્યાં ખૂબ બધા રમકડા છે " નીલમના મોઢે રમકડા શબ્દ સાંભળી મિન્ટુ એ હા મા માથું હલાવ્યું .
ક્રમશઃ