Jaadu - 2 in Gujarati Fiction Stories by PANKAJ BHATT books and stories PDF | જાદુ - ભાગ 2

Featured Books
Categories
Share

જાદુ - ભાગ 2

જાદુ  ભાગ ૨

વિનોદભાઈ અને વિવેક પહેલા ભોજન હોલમાં ગયા "સાહેબ આ છોકરો તો કંઈ ખાતો નથી ,પીતો નથી  ,કંઈ બોલતો પણ નથી " ચીમન કાકા જે આશ્રમની રસોઈ સંભાળતા હતા. એમણે વિનોદભાઈ ને જણાવ્યું .

" કાંઈ વાંધો નહીં .બેટા તને ભૂખ નથી લાગી ? " વિનોદભાઈએ મિન્ટુ ના માથા પર હાથ ફેરવતા પૂછ્યું . મિન્ટુ એ ના મા  માથું હલાવ્યું. 

" ચીમન કાકા બે ચા આપો બેસો વિવેકભાઈ . તમે નાસ્તો કરીને આવ્યા છો ? " વિનોદભાઈ અને વિવેક મીન્ટુ પાસે ટેબલ પર બેઠા .

" ના સાહેબ અમે કાલે મોડી રાત્રે અમદાવાદથી જમીને બસમાં બેઠા હતા ભુખ નથી  "

" મીન્ટુ ઓછું બોલે છે ? " વિનોદભાઈ મિન્ટુ વિશે વધુ જાણવા માંગતા હતા .

" સાહેબ આ બનાવ બન્યા પછી એની જીભ જાણે ખોવાઈ ગઈ છે . કંઈ બોલતો જ નથી . મનમાં અને મનમાં શું વિચારતો રહે છે કંઈ જણાવતો નથી . પહેલા તો એટલું બોલતો ને એટલા સવાલો કરતો કે જવાબ આપી આપણે થાકી જઈએ . ખાવામાં તો પહેલાથી જ ચોર છે પણ હવે તો જબરજસ્તી ખવડાવવું પડે છે " વિવેકે નો  જવાબ સાંભળી મિન્ટુ વિવેક સામે નારાજગીથી જોઈ રહ્યો .

ચીમન કાકાએ ટેબલ પર ચા મૂકી .વિનોદભાઈ કાંઈ વિચાર કરવા લાગ્યા અને બંનેએ કંઈ જ બોલ્યા વગર ચા પીધી .

" મિન્ટુ ચાલ તને તારો રૂમ બતાવુ . " ત્રણેય જણ એક મોટા હોલમાં દાખલ થયા ત્યાં બધા છોકરાઓ ને ભેગા રહેવા ની વ્યવસ્થા હતી. એક બેડ નીચે અને એક બેડ ઉપર એમ ૨૫ બેડ ૫૦ છોકરા સાથે રહી શકે . એક નીચેના બેડ પાસે જઈ ત્રણેય ઊભા રહ્યા .

" મીન્ટુ આ આજથી તારો બેડ છે .અહીં રોજ રાતના સૂઈ જવાનું .અહી તારી આસપાસ તારા જેવા ઘણા બધા છોકરા હશે તું એ બધાને તારા દોસ્ત બનાવીશ ને ? "  વિનોદભાઈએ વિવેક અને મિન્ટુ ને હોલ બતાવ્યો . મીન્ટુ કાંઈ જ બોલ્યો નહીં મામા તરફ દયાળુ આંખો કરી જોઈ રહ્યો અને એમનો હાથ પકડી લીધો જાણે કહેતો હોય મારે અહીં નથી રહેવું .

" ચાલો હવે આપણે ક્લાસરૂમ જોવા જઈએ . ત્યાં તને નવા દોસ્ત મળશે . જે તારી સાથે રમશે ,તારી સાથે ભણશે ને તારી સાથે સૂઈ જશે " વિનોદભાઈ એમને પહેલા ધોરણના ક્લાસમાં લઈ ગયા .

વિનોદભાઈના ક્લાસમાં આવતા બધા છોકરા ઉભા થઈ ગયા . શિક્ષિકા વિદ્યાબેન પણ ઉભા થયા . " વિદ્યાબેન આ તમારો નવો વિદ્યાર્થી છે એનું નામ મયંક છે . છોકરાઓ મયંક હવે તમારી સાથે ભણશે તમે બધા એની સાથે દોસ્તી કરજો ને એનું ધ્યાન રાખજો .બોલો કોણ એની સાથે બેસસે ? "  ક્લાસમાં  દસેક છોકરાઓ હતા. બધાએ હાથ ઉપર કર્યો .

" ભીખુ અહીંયા આવ આને તારી સાથે બેસાડ . જા બેટા એની સાથે બેસ . તારી બુક્સ તને થોડી વાર પછી મળી જશે ભીખુ આગળ આવી મિન્ટુ નો હાથ પકડી લઈ ગયો મીન્ટુ મામા નો હાથ છોડવા માંગતો નહોતો પણ મામાએ હાથ છોડાવ્યો એટલે મીન્ટુ ભીખુ સાથે જઈ એની બેંચ પર બેસી ગયો .

" વિદ્યાબેન આજે પહેલો દિવસ છે તો થોડો ગભરાયેલો છે એનું ધ્યાન રાખજો બીજી વિગતવાર વાતો હું પછી તમને જણાવીશ .ચાલો વિવેકભાઈ આપણે ઓફિસમાં જઈ બીજી ફોર્માલિટી પૂરી કરીએ " મીન્ટુને ક્લાસમાં બેસાડી વિનોદભાઈ અને વિવેક પાછા ઓફિસમાં આવ્યા .

" આ ફોર્મ ભરી દો . બીજા થોડા દસ્તાવેજો પર સહી કરવી પડશે . મીન્ટુ નો જન્મ દાખલો , આધાર કાર્ડ , મા- બાપ ના ડેથ સર્ટિફિકેટ જેવા બીજા દસ્તાવેજો જોઈશે " વિનોદભાઈ વિવેકને ફોર્મ આપતા બોલ્યા .

" હું બધું લઈને જ આવ્યો છું કુંદનભાઈએ મને પહેલા જ સમજાવી દીધું હતું કે અહીં કયા કયા દસ્તાવેજ જોઈશે આ ફાઇલમાં બધું છે "  વિવેકે બેગમાંથી એક ફાઈલ કાઢી વિનોદભાઈ ને આપી .

" સરસ હું તમને આશ્રમ વિશે થોડી જાણકારી આપી દઉ . આ આશ્રમમાં અમે પાંચ વર્ષથી ઉપરના બાળકોને જ રાખીએ છીએ . પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ અહીં થાય છે પછી આગળનું ભણવાનું નજીકમાં આવેલી સરકારી શાળામાં થાય છે અને બાર વર્ષની ઉપરના બાળકોનો રહેવાનો આશ્રમ અલગ છે .  અહીં લગભગ 100 જેટલા બાળકો રહે છે બે હોલ છે એકમાં છોકરાઓ અને બીજામાં છોકરીઓ રહે છે . સવારે બધાએ વહેલા ઉઠી નાહી લઈ નાસ્તો કરવા 7:00 વાગે ભોજન હોલમાં આવવાનું હોય છે . પછી પ્રાર્થના થાય છે ને શાળા શરૂ થાય છે . બપોરે 1:00 વાગે શાળા પૂરી થાય છે અને બધા જમીને પોતાની રૂમમાં આરામ કરે છે અથવા ભણે છે . સાંજે રમતગમત ચાલે છે . રાતના 07:00 વાગ્યે જમીને બધાએ સૂઈ જવાનું હોય છે . " વિનોદભાઈએ વિવેકને આશ્રમ વિશે બધી માહિતી આપી .

" તમે આ આશ્રમ કેટલા વર્ષોથી ચલાવો છો ? " વિવેકે ફોર્મ ભરતા ભરતા સવાલ કર્યો .

" જ્યોતિ મારા મમ્મીનું નામ હતું . મારા બાપુજીએ આશ્રમ 30 વર્ષ પહેલા શરૂ કરેલો. હું મારા મા - બાપનો એકનો એક દીકરો છું . અમેરિકામાં સેટલ હતો 10 વર્ષ પહેલા બાપુજીની તબિયત ખરાબ થઈ તેમની છેલ્લી ક્ષણોમાં એમને મળવા અહીં આવ્યો હતો. એમની ઈચ્છા હતી કે આશ્રમની જવાબદારી હું લઈ લઉં એટલે પરિવાર સાથે અહીં 10 વર્ષ પહેલાં પાછો આવ્યો . "

" ખૂબ પુણ્યનું કામ કરો છો " વિવેકે બધા ફોર્મ ભરી વિનોદભાઈને આપ્યા .

" આ સમાજે અમને ઘણું આપ્યું છે એમાંથી કંઈક પાછું આપવાનું પ્રયત્ન કરીએ છીએ "

" બધાના વિચારો તમારા જેવા નથી હોતા .મારે કોઈ રૂપિયા આપવાના છે ? " વિવેકે ખચકાતા પૂછ્યું .

" ના અહીં બધું સેવાના ભાવથી ચાલે છે .ઘણા દાતાઓ આર્થિક સહાય આપે છે . ઘણા મિત્રો બીજી રીતે મદદ કરે છે અને મારા બાપુજી એવી વ્યવસ્થા કરતા ગયા છે કે પૈસા ના કારણે  આશ્રમ બંધ નહીં થાય . અહીં બધા બાળકો એકદમ ગરીબ પરિવારના છે ગણા ના તો મા બાપ જીવતા છે પણ બાળકોને બે વખતનું જમવાનું અને ભણતર આપી શકતા નથી એટલે અહીં મૂકી જાય છે . "

"આ મિન્ટુ ની બેગ છે . એમાં એના કપડાં છે અને મનગમતા રમકડા છે એ અહીં મૂકી જઈ શકુ ? "વિવેક બેગ બતાવતા બોલ્યો .

" હા ચાલો આ બેગ્ તમે એના બેડ નીચે મૂકી દો . પણ એમાં કોઈ દાગીના કે કીમતી વસ્તુ ના રાખતા આશ્રમમાં પહેરવાનું યુનિફોર્મ એને અહીંથી જ મળશે "  વિનોદભાઈ ઉભા થતા બોલ્યા .

વિવેકે બેગ મીન્ટુના બેડ નીચે મૂકી દીધી અને બેડ ઉપર બેસી ગયો હવે સૌથી અઘરું કામ મીન્ટુને બાય કહેવાનું હતું એના માટે આંખો બંધ કરી  હિંમત ભેગી કરી રહ્યો હતો .

ક્રમશઃ