Jaadu - 7 in Gujarati Fiction Stories by PANKAJ BHATT books and stories PDF | જાદુ - ભાગ 7

Featured Books
Categories
Share

જાદુ - ભાગ 7

જાદુ ભાગ ૭ 

મલ્હાર મિન્ટુ ને લઇ હોલમાં ગયો .નીલમે જોયું મીન્ટુના ચહેરા પર ની ઉદાસી ઓછી થઈ હતી . મીન્ટુ ભીખુ ની પાસે જઈ બેસી ગયો અને એણે ભીખુ ને ચોકલેટ આપી . બંને એ એકબીજાને સ્માઈલ આપી. નીલમે આ દૂરથી જોયુ અને એના ચહેરા પર પણ સ્માઈલ આવી ગઈ એણે મલ્હાર તરફ જોયું " વાહ જાદુ કાકા એક મુલાકાતમાં હસતો કરી દીધો " નીલમ થી મળેલી સરાહના સાંભળી મલહારે કોલર ઊંચા કર્યા .

 " જુઓ છોકરાઓ હું તમારા માટે શું લઈ આવ્યો છું ! " મલ્હારે બેગ ખોલી કીટ બતાવી બે બેટ , બે પગના પેડ ની જોડી , બે હેન્ડ ગલાઉઝ ની જોડી , બે હેલ્મેટ અને બોલ આ બધું જોઈ છોકરાઓની આંખો પહોળી થઈ ગઈ .

ભારત ની મેચ હોય ત્યારે આશ્રમમાં ટીવી પર છોકરાઓ મેચ જોતા . એમને વિચાર થતો કે આ બધા આટલું બધું શું પહેરીને રમે છે . આજે એ બધી વસ્તુ આંખો સામે જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા .

"  આજે સાંજે આપણે બધા મેદાનમાં આનાથી રમશું અને શીખશું કે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો અને આમાં શું ધ્યાન રાખવાનું . હું થોડા ગ્રુપ બનાવીશ અને વારાફરતી બધા પ્રેક્ટિસ કરશું . પણ અત્યારે આપણે એક ફિલ્મ જોવાની છે . ખૂબ ધ્યાનથી આ ફિલ્મ જોજો . ફિલ્મ હિન્દીમાં છે . પછી હું તમને આમાંથી પ્રશ્ન કરીશ અને જેનો જવાબ સૌથી સારો હશે એને આજે પહેલા બેટિંગ કરવા મળશે . આ ફિલ્મનું નામ ઈકબાલ છે . આ ફિલ્મ પણ ક્રિકેટ વિશે છે . સપનાઓ જોવા અને એને સાચા કરવા વિશે છે . તો ચાલો ફિલ્મ જોઈએ " 

( સુચના - વાચક મિત્રો તમે ઈકબાલ ફિલ્મ ના જોઈ હોય તો જોઈ લેજો . પછી આગળની વાર્તા વાંચજો મજા આવશે . youtube ઉપર ફ્રીમાં જોઈ શકાશે )

બધાએ ફિલ્મ ધ્યાનથી જોઈ . એ ફિલ્મ હિન્દી ભાષામાં હતી . કોઈને પૂરી સમજાઈ તો કોઈને અડધી સમજાઈ . પણ રમત ઉપર ફિલ્મ હતી એટલે બધાને જોવામાં મજા આવી . બે કલાક ક્યાં પૂરા થઈ ગયા કોઈને ખબર ના પડી .

  " તો ચાલો હવે મને જવાબ આપો. તમે આ ફિલ્મમાં શું સમજ્યા અને તમને શું બોધ મળ્યો ? " મલ્હારે સ્ક્રીન આગળ આવી બધાને સવાલ પૂછ્યો .

ઘણાને તો સવાલ સમજાયો નહીં . પણ બધાને પહેલા બેટિંગ કરવી હતી એટલે ઘણા બધાએ હાથ ઉપર કર્યો અને પોતાની સમજ ના હિસાબે જવાબ આપવા લાગ્યા . મલ્હાર એક પછી એક બધાના જવાબ સાંભળતો ને હસતો . પાંચથી દસ વર્ષના બાળકોના જવાબ એમની સમજ પ્રમાણેના હતા .

" ફાસ્ટ બોલિંગ કરીએ તો બધા આઉટ થઈ જાય "

" ક્રિકેટ રમવા માટે મસ્ત બુટ હોવા જોઈએ "

 " શીખવાડવા વાળા સારા સર હોવા જોઈએ "

  " ખોટું બોલીએ તો બાપા મારે " 

   " મમ્મી દીકરાને બહુ પ્રેમ કરે "

   " પોટલી પીએ તો બીમાર પડી જવાય "

આ જવાબ સાંભળી નીલમ અને મલ્હારની આંખો ઉંચી થઈ ગઈ .

" આપણે ગુંગા હોઈએ તો પણ ક્રિકેટ રમી શકાય "

 " દોસ્તાર ના હોય તો ભેસ સાથે પણ ક્રિકેટ રમાય " 

એક પાંચમા ધોરણમાં ભણતી છોકરીએ સુંદર જવાબ આપ્યો " આપણે આપણા સપના પૂરા કરી શકીએ "

આ જવાબ સાંભળી મલહારે તાળીઓ પાડી અને પછી બધાએ તાળીઓ પાડી " બેટા સ્મિતા આજે પહેલી બેટિંગ તારે કરવાની "

" જુઓ છોકરાઓ ફિલ્મમાં બતાવ્યું કે હીરો મૂંગો અને બહેરો છે . એ બોલી પણ નથી શકતો અને સાંભળી પણ નથી શકતો . એ ગરીબ ઘરનો છે . એની પાસે પહેરવા સારા કપડાં નથી ,બુટ નથી પણ એનું ધ્યાન આ બધી વાત તરફ નથી . એનું ધ્યાન ફક્ત આપણા દેશ માટે ક્રિકેટ રમવાનું છે . એ આખો દિવસ ફક્ત એના જ વિચાર કરે છે અને રાત્રે એના જ સપના જોવે છે . એને વિશ્વાસ છે કે આ બધી તકલીફો હોવા છતાં પણ એ એક દિવસ પોતાના દેશ માટે ક્રિકેટ રમશે . અને એને જીતાડશે અને એનો આ મક્કમ વિશ્વાસ અને મહેનત એનું સપનું સાચું કરે છે . તમે બધા પણ તમારા આવા સપના પૂરા કરી શકો છો . આ બ્રહ્માંડમાં તમને બધું જ આપવાની તાકાત છે . તમારે માંગવાનું છે , વિશ્વાસ રાખવાનો છે અને રાહ જોવાની છે . સમય આવે તમારા સપના સાચા થશે . તમે આ બ્રહ્માંડથી જે પણ માંગશો એ તમને આપશે . કેમકે બ્રહ્માંડ ફક્ત એક જ શબ્દ બોલે છે તથાસ્તુ સાચા મનથી અતૂટ વિશ્વાસથી જે માંગશો એ બધું જ મળશે "

એક છોકરાએ પ્રશ્ન કર્યો " જાદુ કાકા આ બ્રહ્માંડ ક્યાં રહે છે ? "

" બેટા બ્રહ્માંડ ક્યાંય નથી રહેતું . આપણે બ્રહ્માંડમાં રહીએ છીએ . આના વિશે કાલે સવારે આપણે વધારે ચર્ચા કરશું "

બીજા છોકરાએ પ્રશ્ન કર્યો "જાદુ કાકા આપણે કાંઈ પણ માંગીએ તો મળે ?  વિમાન માંગીએ તો એ પણ મળે ? "

  " હા બિલકુલ ! તમે જે માંગશો એ મળશે . પણ વિશ્વાસ રાખવો પડશે . જો તમે જરા પણ શંકા કરશો કે આવું ના હોય બધું ના મળે . તો પછી બ્રહ્માંડ એને પણ કહેશે તથાસ્તુ . અચ્છા મને જણાવો તમારામાંથી કેટલાને ઈચ્છા હતી કે આવા ક્રિકેટના બેટ બોલથી રમવા મળે . " મલ્હાર નો પ્રશ્ન સાંભળી ઘણા છોકરાઓએ હાથ ઉપર કર્યો " તો જુઓ આજે એ તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ . કેમ કે તમે સાચા મનથી વિશ્વાસ કરીને કોઈ ઈચ્છા કરી એ બ્રહ્માંડે પૂરી કરી " છોકરાઓ પોતાની બુદ્ધિ પ્રમાણે આ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા . મલ્હાર માટે પણ આટલા નાના બાળકોને આ વાત સમજાવવી અઘરી હતી . કોઈકને સમજમાં આવ્યું અને ઘણા માથું ખંજવાળવા લાગ્યા .

   " જુઓ અત્યારે મને ખૂબ ભૂખ લાગી છે . મને પેટ ભરીને જમવાની ઈચ્છા થઈ છે . મને વિશ્વાસ છે કે હમણાં મને પેટ ભરીને જમવાનું મળશે અને સાથે મીઠાઈ પણ મળશે " મલ્હારના શબ્દો પુરા થતા જમવા નો બેલ વાગ્યો " જુઓ થઈ ગઈ ને ઈચ્છા પુરી ચાલો બધા જમવા જઈએ "

નીલમના મનમાં પણ ઘણા પ્રશ્નો ઊભા થયા હતા . એણે વિચાર્યું જમ્યા પછી ઓફિસમાં મલ્હાર સાથે એની ચર્ચા કરશે .

બધા જમવાના હોલ તરફ ગયા . મીન્ટુએ આ વાતો ખૂબ ધ્યાનથી સાંભળી .એના મન માં એક ઈચ્છા જાગી અને એ સ્માઈલ સાથે જમવા ગયો . એના મનમાં થોડા પ્રશ્નો હતા . એના જવાબ માટે એ મલ્હાર અને નીલમની પાસે જઈને બેઠો . આજે રવિવાર હતો એટલે જમવામાં મીઠાઈ પણ હતી .

ક્રમશઃ