જાદુ ભાગ ૪
નીલમ મીન્ટુને એની ઓફિસમાં લઈ ગઈ . થોડીવારમાં સ્કૂલનો બેલ વાગ્યો ને રિસેસ પૂરી થઈ . બધા બાળકો પાછા પોતાના ક્લાસમાં ભણવા જતા રહ્યા .
વિનોદભાઈ ની ઓફિસ ની બાજુમાં જ નીલમની ઓફિસ હતી .બધા જ બાળકો એમની ઓફિસમાં જવા તરસતા . ખૂબ સુંદર દરેક બાળકોને ગમી જાય એવી ઓફિસ . ચારે તરફ રમકડા ને દીવાલો પર મોટા મોટા કાર્ટૂન કેરેક્ટર ના પોસ્ટર . ઓફિસમાં જવા મળે એટલે ઘણા છોકરાઓ તો ખોટુ ખોટુ પણ રડતા .
મીન્ટુ પણ ઓફિસ જોઈ ખુશ થયો . પણ એની ખુશી એના ચહેરા પર દેખાઈ નહીં . " બોલ કયા રમકડાથી રમીશ ? તારી ફેવરેટ ગેમ કઈ છે ? "
મીન્ટુ કંઈ બોલ્યો નહીં . બધા રમકડામાંથી એણે એક લાલ રંગની બસ ઉપાડી અને એને નીચે બેસી ચલાવવા લાગ્યો .
" અરે વાહ બસ તારી ફેવરેટ છે ! સરસ મને પણ બસ બહુ ગમે . તારી બસમાં કોને કોને બેસાડીને ફરવા લઈ જઈશ ? "
" મીન્ટુ રમવાનું બંધ કર . ચાલ જલ્દી તૈયાર થઈ જા શાળાએ જવાનું મોડું થાય છે " મિન્ટુની મમ્મીના શબ્દો એના કાનમાં ગુંજવા લાગ્યા એને બધું યાદ આવી રહ્યું હતું . કે રોજ સવારના પોરમાં એ રમવા બેસી જતો . એક લાલ ઈટને બસ બનાવી ઘરના આંગણામાં હાથથી ફેરવતો એની મમ્મી એને ગુસ્સો કરતી ને પછી તેડીને ગોળ ગોળ ફેરવતી ને એની સાથે રમતા રમતા એને તૈયાર કરતી .
આ બધું યાદ આવતા મીન્ટુ એ બસ મૂકી દીધી ને રડવા લાગ્યો. " શું થયું બેટા બીજું કોઈ રમકડું આપુ ? " નીલમ સમજી ગઈ એ યાદોમાં સરી પડ્યો છે .
" મારે મમ્મી પાસે જવું છે . મને મારા ઘરે જાવું છે . મારી પાસે ત્યાં બસ છે એનાથી રમવું છે "
" જશુ બેટા આપણે તારા ઘરે જશું પણ હમણાં થોડા દિવસ તું અહીં રહીને મસ્ત ભણી લે . પછી તું મોટો થઈ જઈશ એટલે તું જાતે તારા ઘરે જઈ શકીશ . "નીલમે એને વાર્તા કહી અને જુદા જુદા રમકડા બતાવી એની સાથે રમીને એને શાંત કર્યો . વાર્તા સાંભળતા સાંભળતા એ ઓફિસમાં જ સુઈ ગયો .
એ સુઈ ગયો એટલે નીલમે થોડી રાહત અનુભવી . એ એના ઓફિસના બીજા કામ પૂરા કરવા લાગી .
થોડીવાર પછી સ્કૂલ પૂરી થઈ . બધા છોકરાઓ બુમો પાડતા ભોજન કક્ષ જઈ પોત પોતાની જગા ઉપર બેસી ગયા .
મિન્ટુ પણ જાગી ગયો " તને ભૂખ લાગી છે ? જો બધા જમવા ગયા છે . મને તો બહુ ભૂખ લાગી છે . ચાલ આપણે જઈને સાથે જમી લઈએ "
નીલમ મીન્ટુ ને લઈ ભોજન કક્ષમાં ગઈ એના હાથ ધોવડાવ્યા અને ટેબલ પર બેઠા . વિનોદભાઈ પણ બાજુમાં બેઠા . જે છોકરાઓ જમતા એ જ વિનોદભાઈ અને નીલમ પણ જમતા . બાળકોનું જમવાનું એટલે જરા પણ તીખું નહીં બનતું . બે માણસો રસોઈ પીરસી રહ્યા હતા અને બધા મજાથી જમી રહ્યા હતા .
" તો તુ શું ખાઈશ ? રોટલી શાક કે દાળ ભાત " નિલમે મિન્ટુને પૂછ્યું પણ એણે કોઈ જવાબ આપ્યો નહીં .
નીલમે એની થાળીમાંથી એક કોળિયો લઈ એને ખવડાવ્યો . મીન્ટુ પાછો યાદોમાં સરી ગયો . એ આખા આંગણામાં દોડ દોડ કરતો ને એની મમ્મી એની પાછળ પડી ને એને કોડિયા ભરાવતી .
મીન્ટુ એ થોડું ખાધું ને પછી ખાવાની ના પાડી. નીલમે પણ વધારે ફોર્સ કર્યો નહીં . એના માટે આ નવું ન હતું . આટલા નાના બાળકો જ્યારે પણ આશ્રમમાં નવા નવા આવતા ત્યારે 10 થી 15 દિવસ બધાને એડજસ્ટ થતા લાગતા . એકવાર બધા સાથે હળી મળી જતા પછી તો ઘરને ભૂલી જતા અને અહીં મિત્રો સાથે મજાથી રહેતા .
જમીને બધા બાળકો પોતાના હોલ ના બેડ પર જઈ સુઈ જવા લાગ્યા . નીલમે મિન્ટુને એના બેડ પર સુવડાવી દીધો ને માથે હાથ ફેરવવા લાગી . " તુ પણ હવે સુઈ જા સાંજે આપણે બધા મેદાનમાં રમવા જઈશું "
નીલમ મીન્ટુને સુવડાવી પપ્પાને મળવા ઓફિસે ગઈ . " લાગે છે એની મમ્મીએ ખૂબ લાડમાં રાખ્યો છે એને નોર્મલ થતાં થોડો ટાઈમ લાગશે "
" તું તો આમાં માસ્ટર છે . તે પહેલા પણ આવા ઘણા કેસ જોયા છે . ખાલી ધ્યાન રાખજે કે તારામાં એની મમ્મીના શોધવા લાગે એને પેશન્ટ તરીકે જોજે ઈમોશનલી એટેચ ના થઈ જતી " વિનોદભાઈ એમની દીકરી નો સ્વભાવ જાણતા હતા . એ આવા કિસ્સાઓમાં બાળકો સાથે ઈમોશનલી ઇનવોલ્વ થઈ જતી .
" નો ડેડી એવું કાંઈ નથી થવાનું . પણ તમે દિશા બેન ને કહેજો એનું ખાસ ધ્યાન રાખે . દિશાબેન આવા બાળકોને બરાબર હેન્ડલ કરે છે "
" હા . . આ છોકરાની બધી જવાબદારી હું દિશાબેનને આપવાનો છું . તો જણાવો મલ્હાર કુમાર ક્યારે આવે છે " વિનોદભાઈ નીલમ ની મસ્તી કરતા બોલ્યા .
ક્રમશઃ