Jaadu - 8 in Gujarati Fiction Stories by PANKAJ BHATT books and stories PDF | જાદુ - ભાગ 8

Featured Books
Categories
Share

જાદુ - ભાગ 8

જાદુ ભાગ ૮

" જાદુ કાકા મને પણ કંઈ જોઈએ છે ! " મીન્ટુ એ મલ્હાર સાથે વાત કરી . એના મોઢાથી શબ્દો સાંભળી નીલમ પણ ખુશ થઈ ગઈ .

" જો અત્યારે તું પેટ ભરીને જમી લે . આપણને જે પણ જોઈતું હોય મળે . પણ એના માટે આપણી પાસે તાકાત હોવી જોઈએ અને તાકાત તો જમીએ એટલે મળે . તું અત્યારે જમી લે પછી મને કહેજે તને શું જોઈએ છે ! " મલ્હારને ખ્યાલ હતો કે મિન્ટુ બરાબર ખાતો નથી .

મીન્ટુ એ ખુશીથી માથું હલાવ્યું ને પછી જાતે પેટ ભરીને જમ્યો . નીલમ અને મલ્હારને રાહત થઈ કે હવે એ ટ્રોમાં માંથી બહાર આવી જશે . પણ નીલમને એક બીજી ચિંતા પણ થઈ રહી હતી .

જમવાનું પતી ગયા પછી બધા બાળકો પોતાના બેડ તરફ ગયા . સાંજે મજા આવશે એવા વિચારો સાથે વાતો કરવા લાગ્યા. મિન્ટુ નીલમ અને મલ્હાર સાથે ઓફિસમાં ગયો .

 " બોલ બેટા તારે શું જોઇએ છે ? " મા૯હારે મિન્ટુને સવાલ પૂછ્યો .

" મને મારી મમ્મી જોઈએ છે " મીન્ટુ ને જે જોઈતું હતું એ માટે એ એકદમ સ્પષ્ટ હતો. " તમે મને કો મારે શું કરવાનું છે . મને મમ્મી જોઈએ છે તમે કીધું ને બધા ઓલા . . . માં રહે છે અને આપણે એની પાસે માંગશું એટલે આપણને આપશે . મારે મમ્મી માંગવી છે "

નીલમની ચિંતા સાચી પડી એને અંદાજો હતો કે મિન્ટુ આવું જ કંઈ માંગશે . શું જવાબ આપો બંને વિચારવા લાગ્યા . મલ્હાર મિન્ટુ ની આશા તોડવાનો નહતો માંગતો " જો બેટા તને જે જોઈએ એ તને મળશે . પણ તારે એના માટે રાહ જોવી પડશે . હું જે કહું એ બધું માનવું પડશે . તારે એકદમ ગુડ બોય બનવું પડશે ,રોજ પ્રાર્થના કરવી પડશે , પેટ ભરીને જમવું પડશે અને હંમેશા ખુશ રહેવું પડશે . કેમ કે બ્રહ્માંડ ખુશ રહેતા બાળકોની ઈચ્છા જલ્દી પૂરી કરે છે "

" હવે હું ખુશ છું ! તમે જેમ કહેશો એમ હું બધું કરીશ . બરાબર જમીશ , બરાબર ભણીશ , ભગવાનને જે જે કરીશ બધા સાથે રમીશ અને ક્યારેય નહીં રડું "

" વેરી ગુડ ! તો મને કહે તું કયા ભગવાનને જે જે કરે છે ? "

 " મારી પાસે મમ્મીના લડુ ગોપાલ છે મમ્મી તો ગઈ પણ લડ્ડુ ગોપાલ મને આપીને ગઈ છે . હું એમને જે જે કરીશ "

" તો બસ આજથી રોજ સવાર સાંજ એમને જે જે કરવાનું અને કહેવાનું મારી મમ્મીને પાછી મોકલો . જ્યારે લડ્ડુ ગોપાલ તારાથી ખુશ થઈ જશે ત્યારે તારી મમ્મીને પાછી મોકલી આપશે " 

નીલમ થી ના રહેવાતા વચમાં બોલી " મલ્હાર તું શું કહી રહ્યો છે ! એને ખોટી આશાઓ માં ના બાંધ "

મલ્હારે નીલમ તરફ હાથ કરી એને આગળ બોલતા રોકી " જા બેટા અત્યારે આરામ કર અને રડતો નહીં ખુશ રહેજે સાંજે આપણે મેદાનમાં રમશું "

મીન્ટુ મલ્હારના ગાલ પર પપ્પી કરીને ખુશી ખુશી એના બેડ તરફ દોડીને જતો રહ્યો . મલ્હાર થોડો ભાવુક થઈ ગયો .

 " મલ્હાર આ કંઈ વધારે જ થઈ રહ્યું છે . તું એને ખોટા સપના નહીં દેખાડ ! " મિન્ટુ ના જતા નીલમે ચિંતા વ્યક્ત કરી .

" એ સપનું , એ ઈચ્છા ,એ વિચાર , એના છે મારા નથી . તે ધ સિક્રેટ બુક વાંચી છે ને ? "

 " હા . પણ  ! એમાં  લખ્યું છે કે યુનિવર્સ પાસે એવું માંગો જે શક્ય હોય . મરેલી વ્યક્તિ જીવિત ના થઈ શકે . " 

 " હા પણ એણે તો મમ્મી માંગી છે . થઈ શકે કે કોઈ એને એડોપ્ટ કરી લે અને એની મમ્મી નવા રૂપમાં એને મળી જાય . ઈશ્વર પોતાના જાદુ બતાવવા પોતે નથી આવતા કોઈને નિમિત બનાવે છે " 

 " અને એવું ના થયું તો ! એ બીજી કોઈ સ્ત્રીને પોતાની મમ્મી તરીકે સ્વીકારી ના શક્યો તો ! અને એને જ્યારે ખબર પડશે કે એની ઈચ્છા પૂરી થઈ શકે એમ નથી ત્યારે એના મન અને મગજ ઉપર કેવી અસર થશે ? "

" મને નથી ખબર . પણ મને વિશ્વાસ છે કે જ્યારે કોઈ માણસ સાચા મનથી ઈશ્વર પાસે માંગે છે ત્યારે આખું બ્રહ્માંડ એની ઈચ્છા પૂરી કરવામાં લાગી જાય છે "

" શાહરુખ ખાનનો ડાયલોગ ના માર "

" અરે આ ડાયલોગ નથી . સિદ્ધાંત છે . જેમ ગુરુત્વાકર્ષણ નો સિદ્ધાંત છે એમ આકર્ષણનો પણ સિદ્ધાંત છે . લો ઓફ એટ્રેક્શન તમે જે ઈચ્છો છો એ તમે તમારા જીવનમાં આકર્ષી શકો છો "

 " અચ્છા ! તો એક જવાબ આપ તારા જીવનમાં ક્યારે કોઈ અશક્ય ઈચ્છા પૂરી થઈ છે ? "

 " ના પૂરી થઈ તો નથી . પણ એક દિવસ મારી એ ઈચ્છા પુરી થશે મને વિશ્વાસ છે . કેમ કે હું માનું છું કે એવરીથીંગ ઇસ પોસીબલ " મલ્હાર નીલમની આંખોમાં આંખ નાખી બોલ્યો .

ક્રમશઃ