કર્મ એ જ સાચી પૂજા
એકવાર દેવર્ષિ નારદજીના મનમાં અહંકાર આવી ગયો કે આખા બ્રહ્માંડમાં ભગવાન વિષ્ણુના સૌથી મોટા ભક્ત તેઓ પોતે જ છે. નારદજી સતત 'નારાયણ-નારાયણ' નું રટણ કરતા રહેતા અને ત્રણેય લોકમાં ભ્રમણ કરતા. તેમના આ અહંકારને દૂર કરવા માટે ભગવાન વિષ્ણુએ એક લીલા રચવાનું વિચાર્યું.એક દિવસ નારદજી વૈકુંઠ ધામમાં પધાર્યા. ભગવાન વિષ્ણુએ તેમનું સ્વાગત કર્યું. નારદજીએ ગર્વથી પૂછ્યું, "પ્રભુ, આ સૃષ્ટિમાં તમારો સૌથી પરમ ભક્ત કોણ છે? શું એ હું છું?" ભગવાને સ્મિત કર્યું અને કહ્યું, "નારદજી, પૃથ્વી પર એક સામાન્ય ખેડૂત રહે છે, તે મારો બહુ મોટો ભક્ત છે. તમે જરા તેની મુલાકાત લો."
નારદજીને આ સાંભળીને આશ્ચર્ય થયું. તેમણે વિચાર્યું કે એક સામાન્ય ખેડૂત, જે આખો દિવસ ખેતીના કામમાં વ્યસ્ત રહે છે, તે ભગવાનનો સૌથી મોટો ભક્ત કેવી રીતે હોઈ શકે?નારદજી સત્ય જાણવા માટે પૃથ્વી પર આવ્યા અને પેલા ખેડૂતની દિનચર્યા પર નજર રાખવા લાગ્યા. સવારે ખેડૂત જાગ્યો, પથારીમાંથી ઊભા થતા જ તેણે ભક્તિભાવથી એકવાર 'હે નારાયણ' કહ્યું. ત્યારબાદ તે પોતાના બળદોને લઈને ખેતરે ગયો. આખો દિવસ તેણે ખેતરમાં કાળી મજૂરી કરી. બપોરે ભાતું ખાતી વખતે પણ તેણે ભગવાનનો આભાર માન્યો. સાંજે ઘરે પાછા ફરતી વખતે તેણે ફરી એકવાર 'નારાયણ' નામ લીધું. રાત્રે સૂતા પહેલાં તેણે છેલ્લી વાર ભગવાનનું સ્મરણ કર્યું અને સૂઈ ગયો.નારદજીએ જોયું કે આખા દિવસમાં ખેડૂતે માત્ર ત્રણ કે ચાર વાર જ ભગવાનનું નામ લીધું હતું.
નારદજી તરત જ વૈકુંઠ પાછા ફર્યા અને ભગવાન વિષ્ણુને કહ્યું, "પ્રભુ, પેલો ખેડૂત તો આખા દિવસમાં માંડ ત્રણ-ચાર વાર તમારું નામ લે છે. જ્યારે હું તો ચોવીસ કલાક તમારું જ રટણ કરું છું. તો પછી તે તમારો પરમ ભક્ત કેવી રીતે થયો?"ભગવાન વિષ્ણુ નારદજીના મનની વાત સમજી ગયા. તેમણે નારદજીને એક પાત્ર આપ્યું, જે કાંટોકાંઠ તેલથી ભરેલું હતું. ભગવાને કહ્યું, "નારદજી, આ તેલનું પાત્ર લઈને તમે આખા બ્રહ્માંડની એક પ્રદક્ષિણા કરી આવો. પણ શરત એટલી છે કે આ પાત્રમાંથી તેલનું એક પણ ટીપું નીચે પડવું જોઈએ નહીં."નારદજીએ પડકાર સ્વીકારી લીધો. તેઓ તેલનું પાત્ર હાથમાં લઈને નીકળી પડ્યા. તેમનું પૂરું ધ્યાન માત્ર તેલના પાત્ર પર જ હતું કે ક્યાંયથી તેલ છલકાઈ ન જાય. ખૂબ જ સાવધાનીપૂર્વક નારદજીએ બ્રહ્માંડની પ્રદક્ષિણા પૂરી કરી અને વિષ્ણુ ભગવાન પાસે પાછા આવ્યા. તેઓ ખુશ હતા કે તેમણે એક પણ ટીપું તેલ નીચે પડવા દીધું ન હતું.ભગવાને પૂછ્યું, "નારદજી, પ્રદક્ષિણા સફળ રહી. પણ મને એ જણાવો કે આ યાત્રા દરમિયાન તમે કેટલી વાર મારું નામ લીધું?" નારદજી આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, "પ્રભુ! મારું આખું ધ્યાન તો આ તેલના પાત્ર પર હતું. જો હું તમારું નામ લેવા જાત, તો તેલ ઢોળાઈ જાત. તેથી હું એક પણ વાર તમારું નામ લઈ શક્યો નથી."ત્યારે ભગવાન વિષ્ણુએ પ્રેમથી સમજાવતા કહ્યું, "નારદજી, આ જ રહસ્ય છે. પેલો ખેડૂત પોતાના પરિવારની જવાબદારીઓ, ખેતીનું સખત કામ અને જીવનની તમામ મુશ્કેલીઓનું 'તેલ ભરેલું પાત્ર' સંભાળી રહ્યો છે. આ બધી સાંસારિક ફરજો નિભાવવાની સાથે પણ તે દિવસમાં ત્રણ-ચાર વાર મારું નામ લેવાનું ચૂકતો નથી. જ્યારે તમે એક નાનકડું પાત્ર સંભાળવામાં મને ભૂલી ગયા.
"નારદજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેમનો અહંકાર ઓગળી ગયો. તેઓ સમજી ગયા કે સાચી ભક્તિ માત્ર માળા ફેરવવામાં નથી, પરંતુ પોતાના કર્તવ્યોનું પાલન કરતાં કરતાં ઈશ્વરને યાદ રાખવામાં છે.
જય શ્રી કૃષ્ણ