અજ્ઞાન તિમિર હટાવો ગુરુજી મારા.
તમે જ્ઞાનદીપ પ્રગટાવો ગુરુજી મારા.
ષડરિપુગ્રસ્ત છું હું કુપથગામી ગુરુવર,
સત્યનો પંથ તો બતાવો ગુરુજી મારા.
માણસ તરીકે બસ જનમ્યો જ એટલું,
રાહ માનવતાનો ચીંધાડો ગુરુજી મારા.
ભાન ભૂલેલો હું મોહાસક્ત થૈ જીવતો,
સંયમના પાઠ ભણાવો ગુરુજી મારા.
જગજંજાળે છું લપેટાયો હું કેટલોને,
આસક્તિ માયાની મૂકાવો ગુરુજી મારા.
સ્વાર્થની દુનિયામાં બની ગયો છું અંધ,
દિવ્યદ્રષ્ટિ તમે અપાવો ગુરુજી મારા.
વળગણ માયાનું નિશદિન વિસ્તરતુંને,
અનુસંધાન ઈશથી કરાવો ગુરુજી મારા.
- ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.