" બાપનો છાંયો "
સુખ-દુઃખના હર વળાંક પર સહારો છે બાપનો છાંયો,
જિંદગીનો સૌથી ચમકતો સિતારો છે બાપનો છાંયો.
જીવનના સાગરમાં કાયમ ઉઠતાં તૂફાનોની સામે પણ,
હમેશાં અડગ ને અડીખમ કિનારો છે બાપનો છાંયો.
ખુદ તો સહન કરતા રહે છે જીવનભર તાપ ને તડકો,
અંતરને ટાઢક આપતો એક ઉતારો છે બાપનો છાંયો.
જો વિખેરાઈ જાય આમતેમ કદીક જીવની ખુશીઓ,
થામી ને હાથ બનતો સદાય સથવારો છે બાપનો છાંયો.
નથી માંગતો 'વ્યોમ' ખુદા પાસે કોઈ બીજી જન્નત,
સૌથી પવિત્ર ને અણમોલ નજારો છે બાપનો છાંયો.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર