આ રાજનગરની રમણી.
ચંચળ શાણી સમજુ ચતુરા, નાજુક ને વળી નમણી
આ રાજનગરની રમણી.
સરખી ચાર મળે સહેલી
મારગમાં વાતોની હેલી.
ટ્રાફિકવાળાને મુશ્કેલી
પણ જરા ન એ કોઈ ખસેલી
ઘડીક ચાલે ડાબે ને ઘડીક જતી જમણી
વાતો ચાલે માટેમોટેથી આસપાસ અવગણી
આ રાજનગર ની રમણી.
જંપે એની ન જીભ જરાકે
દુકાનનો વેપારી થાકે
સાંજે સ્વામી તણું શીશ પાકે
પણ વાતો એની ન થાકે.
પણ રંગોળી પ્રીત તણી
એ પૂરી જાણે પદમણી
આ રાજનગરની રમણી.
બુદ્ધિમતિ ને સાહિત્ય રસિકા.
વાંચવામાં વહાલી નવલિકા
કરી જાણે તમતમતી ટીકા
સમજે બધું પૂરી રસિકા
કલાકૃતિનું કરી કચુંબર ખાંતે નાખે ખમણી
આ રાજનગરની રમણી.
પુરુષ સંગ સ્પર્ધા કરનારી
એ તો છે નવયુગની નારી
દલીલોમાં પૂરી તૈયારી
વાર્યે થાયે બમણી
આ રાજનગરની રમણી.
સાડી પહેરી સરસ સજાવટ
અલંકાર સજવાની ફાવટ
પ્રગતિમાં ન રાખે રૂકાવટ
સ્વામી કમાય તેમાં સમાણી
આ રાજનગરની રમણી.
મુરબ્બો પાપડ વડી અથાણાં
વર્ણન વાનગીઓનાં મઝાનાં
પ્રગટ કરે અખબારી પાનાં
ભરત ભર્યા પાલવ શી વરણી
આ રાજનગરની રમણી.
અગાશીએ રેલાય ચંદા
કોમળ કંઠ સ્વરે મૃદુ જો મંદા
અલકમલકની વાતો કરતી
પતિની શ્રમહરણી
આ રાજનગરની રમણી.
જોતાં દિલમાં જગાડે દંગલ
અજવાળે જીવનનાં જંગલ
જંગલમાં પ્રગટાવે મંગલ
વિપત્તિમાં કરે માર્ગ ઝટ
જેમ જળમાં તરતી તરણી
આ રાજનગરની રમણી.
છો રીજે કે ખીજે પણ એ સ્નેહ નીતરતી નિર્ઝરણી
આ રાજનગરની રમણી.
- નાથાલાલ દવે. કાવ્ય સંગ્રહ “ઉપદ્રવ" માંથી.
સંકલન સુનીલ અંજારીયા