અવની આંગણ આજે પધારો, સદાશિવ શંકર ભોળા.
દ્યોને દરશનનો શિવજી લ્હાવો, સદાશિવ શંકર ભોળા.
આવ્યો શ્રાવણ માસ પુનીત, ભજીએ ભાવે નિતનિત.
"હરહર મહાદેવ"નો છે નારો, સદાશિવ શંકર ભોળા
આવો કરીને નંદીની સવારી, તમારાંને શિવ તમે સંભારી.
સંગે માત ભવાનીને લાવો, સદાશિવ શંકર ભોળા.
પંચાક્ષરે રહી ભક્તિ અમારી, મહાદેવ ગુણદોષ વિસારી.
ભૂતલે ભોળાનાથને આવકારો, સદાશિવ શંકર ભોળા.
કૈંકને તાર્યા પાપીને પ્રપંચી, તવપ્રતાપે તર્યા એ તો હરજી
ભવજળમાં બતાવો કિનારો, સદાશિવ શંકર ભોળા.
તમને સર્વસ્વ રહ્યા અમે ધારી, કેટલા ઉધાર્યા એક શું ભારી
પાપો પ્રજાળી આપોને સહારો, સદાશિવ શંકર ભોળા.
જન્મોજન્મ રહે સ્મરણ તમારું, હરપળ હરજીને સંભારું,
આટલું અમને દિલાવર આપો, સદાશિવ શંકર ભોળા.
છે ' દીપક' ની અંતર અરજી, રીઝો કલ્યાણકારી હરજી.
યાદ તમારી ઉરમાંહી સ્થાપો, સદાશિવ શંકર ભોળા.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.