Gujarati Quote in Blog by Dharmesh Soni

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કમ્પ્યુટરના કાળઝાળ યુગમાં
કકાનો સ્વાદ સુકકો
થાતો જાય છે, બારખડી
રીતસર પોતાના અસ્તિત્વને
ટકાવવા માટે લડી રહી છે

*ક*–
કલમનો *‘ક’*
ખરેખર ઘાયલ થઇ ગયો છે
કોઇ તો મલમ ચોપડો,,

*ખ*–
ખડીયાનાં *‘ખ’*
ની શ્યાહી ખૂટી ગઈ છે.

*ગ*–
ગણપતિને બદલે ગેમ, ગુગલનો
*‘ગ’* ગોખાતો જાય છે.

*ઘ*–
અમે બે અને અમારા એક
ઉપર ઘરનો *‘ઘ’*
પૂર્ણવિરામ પામી ગયો છે.

*ચ*–
ચકલીનો *‘ચ’* ખોવાઇ
ગયો છે મોબાઇલના
ટાવરો વચ્ચે....

*છ*–
છત્રીના *‘છ’* ઉપર જ
માતૃભાષાને પ્રેમ કરનારા
લોકોનો વરસાદ
ઓછો થઇ ગયો છે.

*જ* –
જમરૂખનો *‘જ’* જંકફૂડમાં
ફુગાઇ ગયેલા ખમણ જેવા
બચ્ચાઓ જન્માવી રહ્યો છે.

*ટ* –
ટપાલીનો *‘ટ’* તો ટેબ્લેટ
અને ટવીટરના યુગમાં
ટીંગાય ગયો છે.,,,,
એક જમાનામાં ટપાલીની
રાહ આખુ ગામ જોતુ હતુ,
હવે આખા ગામની રાહ
ટપાલી જોવે છે કે કોક તો
ટપાલ લખશે હજુ,,,?

*ઠ*– ઠળિયા થૂંકી થૂંકીને
બોર ખાતી આખી પેઢીને
બજારમાંથી કોઇ
અપહરણ કરી ગ્યુ છે.

*ડ*–
ડગલા તરફ કોઇએ ધ્યાન
નથી દીધુ એટલે ઇ
મનોચિકિત્સકની દવા
લઇ રહ્યો છે.

*ઢ*–
એ.સી.સ્કૂલોમાં ભણતા
આજના બચ્ચાઓને
પાણાના ઢગલાના *‘ઢ’*
ની સ્હેજ પણ કિંમત નથી.

*ણ*–
ની ફેણ લોહી લુહાણ
થઇ ગઇ છે પણ કોઇને
લૂંછવાનો સમય કયાં,,?

*ત*–
વીરરસનો લોહી તરસ્યો
તલવારનો *‘ત’* હવે માત્ર
વાર્ષિકોત્સવના રાસમાં
કયાંક કયાંક દેખાય છે,,

*થ*–
થડનો *‘થ’* થપ્પાદાવમાં
રીસાઇને સંતાઇ ગયો છે
કારણ કે એ સંતાનો થડ
મુકીને કલમની ડાળીએ
ચોંટયા છે,,,

*દ* –
દડાનો *‘દ’* માં કોઇએ
પંચર પાડી દીધુ છે એટલે
બિચાકડો દડો દવાખાનામાં છેલ્લા શ્વાસ પર છે,,

*ધ*–
ધજાનો *‘ધ’* ધરમની
ધંધાદારી દુકાનોથી અને
ધર્મના નામે થતા હુલ્લડો
જોઇને મોજથી નહી પણ
ડરી ડરીને ફફડી રહ્યો છે.,,

*ન*–
ઇલેકટ્રોનિક આરતીની વચ્ચે
નગારાના *‘ન’* નો અવાજ
સંભળાય છે કોને,,?

*પ*–
પતંગનો *‘પ’* તો બહુ મોટો
માણસ થઇ ગયો છે અને
હવે પાંચસો કરોડના
કાઇટ ફેસ્ટીવલ નામે
ઓળખાય છે.,,

*ફ*–
L.E.D. લાઇટના
અજવાળામાં ફાનસનો *‘ફ’*
માત્ર ફેસબુક પર દેખાય છે.

*બ*–
બુલફાઇટના ક્રેઝની વચ્ચે
બકરીના *‘બ’* નો બધાયે
બેન્ડ વાળી દીધો છે.,,

*ભ* –
મોબાઇલ અને કમ્પ્યુટરની
અધતન રમતો,
ભમરડાના *‘ભ’* ને
ભરખી ગઇ છે.

*મ*–
મરચાનો *‘મ’* હવે કેપ્સીકમ
થઇ ગયો છે ને મોબાઇલના
સ્ક્રીન સેવર પર ડોકાયા કરે છે.

*ય* –
ગાયને ગાયનો *‘ય’* બંને
બિચારા થઇને કત્તલખાને
રોજ કપાયા કરે છે.

*ર*–
રમતનો *‘ર’* તો સિમેન્ટના
જંગલો જેવા શહેરોની સાંકડી ગલીઓમાં અને ઉંચા ઉંચા ફલેટની સીડીઓ ઉતરતાં- ઉતરતાં જ ગુજરી ગયો છે.,,

*લ*–
લખોટીનો *‘લ’* તો ભેદી રીતે પલાયન છે, કોઇને મળે તો કહેજો.,,

*વ*–
વહાણના *‘વ’* એ તો કદાચ
હાજી કાસમની વીજળી સાથે જ
જળ સમાધિ લઇ લીધી છે.

*સ*
સગડીનો *‘સ’* માં કોલસા
ખૂટી જવાની અણી માથે છે.,,

*શ* –
એટલે જ કદાચ શકોરાના
*‘શ’* ને શિકસ્ત પામતી નવી પેઢીને માતૃભાષા બચાવવાની ભીખ માંગવાની નોબત આવી છે.

*ષ*
ફાડીયા *‘ષ’* એ તો ભાષાવાદ,
કોમવાદ અે પ્રદેશવાદના
દ્રશ્યો જોઇને છાનો મૂનો
આપઘાત કરી લીધો છે.,,

*હ*
હળનો *‘હ’* તો વેચાય ગ્યો છે
અને એની જમીન ઉપર
મોટા મોટા મોંઘા
મોલ ખડકાય ગ્યા છે.,,

*ળ*
પહેલા એમ લાગતું હતું કે
એક *ળ’* જ કોઇનો નથી.
પરંતુ હવે એમ લાગે છે કે
જાણે આખી બારાખડી જ
અનાથ થઇ ગઇ છે

* ક્ષ/જ્ઞ*
ક્ષાત્રત્વની જેમ માતૃભાષાના
રખોપા કરવાનો જ્ઞાનયજ્ઞ
કયા ચોઘડીયે
શરૂ કરીશું આપણે સૌ

Gujarati Blog by Dharmesh Soni : 111744641
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now