આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ - દેવાધિદેવને અર્પણ
આજથી શ્રાવણનો શુભ ઉઘાડ થયો છે,
આભેથી નીરનું પહેલું વહેણ વહ્યું છે;
એ માત્ર વરસાદ નથી, પાવન અભિષેક છે,
મારા ત્રિલોકના નાથ મહાદેવનો.
હે દેવાધિદેવ,
તમે કેવળ મંદિરના ઘંટના નાદમાં નથી,
તમે તો વસો છો સ્મશાનની પાવન ભસ્મમાં,
અને કૈલાસની અખંડ શીતળ ચાંદનીમાં...
સદા એકસરખા, નિર્લેપ અને નિરંજન!
તમારા ડમરુના ટંકારે બ્રહ્માંડ આખું ધબકે છે,
ત્રિશૂળની ધારથી કાળ પણ થરથર કંપે છે;
ગંગા આપની જટા માંથી નિરંતર વહે છે.
ને કંઠે વિષ ધરીને સમગ્ર જગતનું ઝેર આપે ધારણ કર્યું છે.
*જટામાં ગંગા ધારે, કંઠે ગરલ ધારનારો, અંગે ભસ્મ શોભે, ત્રીજે નેત્રે જ્વાળા પ્રગટે; ડમરુના નાદે પ્રલય ને સર્જન સર્જનારો, નમું નમ્ર ભાવે, તું જ એક તારણહારો.*
ભોળા છો એટલે તો આપ ભોળાનાથ કહેવાઓ છો,
એક લોટા જળના ભાવથી પણ રીઝી જાઓ છો!
અન્ય દેવોને સુવર્ણ જોઈએ,
તમને તો પ્રેમથી અર્પેલાં ત્રણ બિલીપત્ર જ જોઈએ.
મારી પાસે તો એ ભાવ પણ કદાચ અધૂરો છે,
નથી મંત્રની ખબર, નથી તંત્રનું જ્ઞાન.
તો સાંભળો, આ શ્રાવણના પાવન અવસરે મારો એક જ જાપ છે:
*સોમનાથ, મહાકાલ, કાશી વિશ્વનાથ હે ત્ર્યંબકેશ્વર, નાગેશ્વર, તું જ સર્વેશ સર્વદા; શ્રાવણ ધારે સ્મરું તુજને, બિલ્વપત્ર કર હાથમાં,સ્વીકારજે આ ભક્તિ મારી, હે આશુતોષ દેવતા*
હવે આપની પાસે શું માગું?
જો ભક્તિમાં ભૂલ પડે તો ક્ષમા આપજો,
અને જો મનમાં અહંકાર જાગે તો ભસ્મ કરી દેજો!
કારણ કે તમે જ આદિ છો, તમે જ અંત છો,
તમે જ શૂન્ય છો અને તમે જ "સ્વયમ્'ભૂ" અખંડ અનંત છો...
તમારું હોવું એ જ મારું અસ્તિત્વ છે.
હર હર મહાદેવ..ૐ નમઃ શિવાય
અશ્વિન રાઠોડ — "સ્વયમ્'ભૂ"