"મચ્છુની અણધારી આફત" (અછાંદસ કાવ્ય)
૧૧ ઓગસ્ટ ૧૯૭૯...
મોરબીના ઈતિહાસનું એ કાળું પાનું,
જ્યારે મચ્છુ નદીના પેટાળમાંથી
છૂટ્યો હતો એક અણધારી આફતનો કાળ.
દિવાલો તૂટી, ડેમ તૂટ્યો,
અને ક્ષણવારમાં તો—
મચ્છુના અફાટ નીર
મોરબીને ગળી જવા અધીરા બન્યા.
શાંત વહેતી નદી
એક જ પળમાં બની ગઈ મહાકાળ,
ના કોઈ ચેતવણી, ના કોઈ સમય,
બસ, ચારેતરફ કરુણ ચીસો અને ભાગદોડ.
ઘરો, શેરીઓ, બાંધકામો...
બધું જ માટીના મોલ વહી ગયું,
પાણીના એ ભયાનક તાંડવમાં
ઝૂંટવાઈ ગયા હજારો શ્વાસ,
માતાઓની ગોદ સુની થઈ,
બાળકોના કલરવ વિલાઈ ગયા.
પળવારમાં હસતું રમતું શહેર
બની ગયું સ્મશાન,
પાણી ઓસર્યા પછી પાછળ રહી ગયો
માત્ર કાદવ, કંપારી અને કાળઝાળ સન્નાટો.
કાળજીના એ ડાઘા
આજે પણ મચ્છુના કાંઠે જીવે છે,
જે સંભળાવે છે માનવ લાચારી
અને પ્રકૃતિના મહાકોપની એક "સ્વયમ્'ભૂ" અમર, દર્દનાક કથા.
અશ્વિન રાઠોડ — "સ્વયમ્'ભૂ"