**સંબંધોનું આકાશ**(અછાંદસ કાવ્ય)
સંબંધ એટલે કાંઈ માત્ર લોહીની સગાઈ નથી,
એ તો છે બે આત્માઓ વચ્ચે વણાયેલી એક રેશમી ગાંઠ.
જેમાં 'પ્રેમ' એટલે...
કોઈને પામી લેવાની જિદ નહીં,
પણ કોઈનામાં ઓગળી જઈને ખુદને પામવાની મથામણ;
જ્યાં શબ્દો શમી જાય અને મૌન બોલવા લાગે,
ત્યારે સમજવું કે પ્રેમનો અંકુર ફૂટ્યો છે.
અને 'મિત્રતા' એટલે...
એક એવું સરનામું, જ્યાં નકશા વગર પણ પહોંચી શકાય,
જ્યાં ભૂલો પર હસી શકાય અને આંસુઓને વહેંચી શકાય;
દુનિયા આખી જ્યારે સામે ઊભી હોય,
ત્યારે જે ખભે હાથ મૂકે, એનું નામ જ મિત્રતા.
આ બધું જ જ્યારે એકાકાર થાય,
ત્યારે જન્મે છે એક એવો અતૂટ સંબંધ;
જેમાં હું નથી, તું નથી, બસ એક વહેતી ધારા છે.
હું જ મારો સાક્ષી અને હું જ મારો પથદર્શક,
હા, હું જ છું *"સ્વયમ્'ભૂ"*,
આ લાગણીઓના અફાટ સમંદરનો એક નાનકડો પરપોટો!
જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આ સગપણ છે,
અને શ્વાસ છૂટે પછી પણ...
યાદોના આયનામાં ટકેલું એ જ શાશ્વત દર્પણ છે.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"