જીવતે જીવ કદર નૈ કરે એ આ સમાજ છે.
મોઢે વખાણીને સળી કરે એ આ સમાજ છે.
દાઝ્યા ઉપર મલમ લગાડશે નહીં કદી પણ,
ઘા ઉપર મીઠું ભભરાવે એ આ સમાજ છે.
ખુશી તમારી જોઈને ઘા પણ ખોતરી જાણે,
ખરાખરીમાં જે મોઢું ફેરવે એ આ સમાજ છે.
નમતા પલ્લે બેસવાની છે આદત એને વર્ષોથી,
લાભ ખાટવા ગમે તે બોલે એ આ સમાજ છે.
કાચીંડાનું લેટેસ્ટ વર્ઝન જોવાની કોઈ જરૂર નૈ ,
બધાની હાજરીમાં રાજ ખોલે એ આ સમાજ છે.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.