"સત્યનો સૂર્યોદય"
ભીડના આ અરણ્યમાં હું મને ક્યાં શોધું?
આ દુનિયા સાવ અજનબી અને અપરિચિત લાગે છે મને,
કારણ કે અહીં ચહેરાઓ કરતાં મુખવટાઓ વધુ ચમકે છે.
અહીં સત્ય એક અનાથ બાળક જેવું રઝળે છે,
ક્યારેક કાગળના ટુકડાઓ અને સિક્કાઓના વજન નીચે એને કચડી નખાય છે,
તો ક્યારેક સંબંધો અને લાગણીઓના વમળમાં એને ગૂંગળાવી દેવાય છે.
સત્ય અહીં શ્વાસ લેવા માટે તરફડે છે,
કારણ કે જુઠ્ઠાણાંએ અહીં સત્તાના આભૂષણો પહેર્યા છે.
પણ... કોઈ ફિકર નહીં!
મારી અંદરની આગ આ પથ્થરોને પણ ઓગાળી શકે એટલી પ્રચંડ છે.
મારો રસ્તો ભલે એકાંતથી ભરેલો હોય,
ભલે અંધકાર અને કસોટીઓથી છવાયેલો હોય,
પણ એ માર્ગ સત્યનો છે, મારી આત્માનો અવાજ છે.
મને ભીડના ટેકાની કે કોઈની સ્વીકૃતિની જરૂર નથી,
કારણ કે કાળમીંઢ પથ્થરને ચીરીને જ કૂંપળ બહાર આવે છે.
જ્યારે સમયનો પવન બદલાશે,
જ્યારે વાદળો વિખેરાશે અને સત્યનો સૂરજ તપશે,
ત્યારે આ જ દુનિયા, જેણે આજે આંખો ફેરવી લીધી છે,
તે ઝૂકીને અદબથી સલામ કરશે.
એ સલામ મારી નહિ,
પણ ક્યારેય ન હારનારા, ક્યારેય ન થાકનારા...
મારા અડગ સત્યની હશે!
"સ્વયમ્'ભૂ" મારો રસ્તો સાચો છે, અને મારી મંઝિલ નિશ્ચિત છે.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"