વિષય: હોળી ધૂળેટી
શિર્ષક: ફાગણનો રંગ
પ્રકાર: અછાંદસ કાવ્ય
ફાગણનો રંગ
ને ફાગણનો આ આકરો તડકો,
અને ડાળે ડાળે મહોરી ઉઠેલો કેસૂડો,
જાણે વસંતે પૃથ્વીને
રંગોનું આમંત્રણ મોકલ્યું છે.
ચોકમાં પ્રગટેલી હોળીની જાળ,
ફક્ત લાકડાં કે છાણાં જ ક્યાં બાળે છે?
એ તો બાળે છે મનમાં પડેલી ખટાશ,
અહંકારના જૂના જાળાં,
અને ઉગારે છે આપણા ભીતરના પ્રહલાદને.
ને પછી સવાર પડે છે ધૂળેટીની...
હવાના દરેક શ્વાસમાં ઊડે છે ગુલાલ,
પીચકારીમાંથી છૂટતા રંગીન પાણીની ધાર,
શરીરને તો ખાલી અડે છે,
પણ એ સીધી જઈને હૈયાને ભીંજવે છે.
લાલ, લીલો, પીળો કે ગુલાબી...
ચહેરા પર લાગ્યા પછી ક્યાં કોઈનો હોદ્દો કે ભેદ રહે છે?
બધા જ રંગો એકબીજામાં ભળીને
અંતે તો બસ એક જ રંગ બનાવે છે -
સ્નેહનો અને માણસાઈનો રંગ.
આવો,
આજે કોરા ન રહીએ.
વર્ષભરની દોડધામમાં ક્યાંક ઝાંખા પડેલા
આ જિંદગીના કોરા કેનવાસને,
ફાગણના આ અલ્લડ રંગોથી છલકાવી દઈએ.
થોડા તમે "સ્વયમ્'ભૂ" રંગાઓ, થોડા અમે "સ્વયમ્'ભૂ" રંગાઈએ!
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"